કોમ્યુનિટી સર્વિસની સજા કડક આપવા લોર્ડ ચીફ જસ્ટિસનું સૂચન

Wednesday 07th December 2016 06:20 EST
 
 

લંડનઃ લોર્ડ ચીફ જસ્ટિસ લોર્ડ થોમસે અપરાધીઓને અપાતી કોમ્યુનિટી સર્વિસની સજા વધુ કડક બનાવવા સૂચન કર્યું છે. હળવી કોમ્યુનિટી સજાને સમસ્યા ગણાવતા લોર્ડ થોમસે કહ્યું હતું કે આનાથી અપરાધીઓને હું સસ્તામાં છૂટી ગયોની લાગણી થાય છે. સામાન્યપણે સીનિયર જજીસ તેમના સાથીઓને ક્રિમિનલ્સને જેલોમાં નહિ મોકલવા અનુરોધ કરતા આવ્યા છે, કારણકે જેલો ભરચક રહે છે અને ત્યાંની હાલત બદતર હોય છે. રાજકારણીઓ કોમ્યુનિટી સજાઓને કડક ગણાવતા આવ્યા છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સના સૌથી વરિષ્ઠ જજ લોર્ડ ચીફ જસ્ટિસ લોર્ડ થોમસે કહ્યું હતું કે દર વર્ષે ૧૦૦,૦૦૦થી વધુ નામીચા અપરાધીને અપાતી કોમ્યુનિટી સજાઓ પણ મોટી સમસ્યા અને ન્યાયતંત્ર માટે આઘાત સમાન છે. જેલની સજા માટે ગંભીર ગણાતા ન હોય તેવા ગુનાઓ માટે અપરાધીને જેલની બહાર અપાતી સજા કઠોર હોવાનું પબ્લિક, જજીસ અથવા મેજિસ્ટ્રેટ્સ પણ માનતા નથી.

લોર્ડ થોમસે કહ્યું હતું કે,‘જ્યારે કોઈને કોમ્યુનિટી પનિશમેન્ટ અપાય ત્યારે તે જેલનો કઠોર વિકલ્પ હોવાનું ગણાવાય તો જ ઉચિત ઠરશે. આ વિવાદાસ્પદ મુદ્દો છે છતાં, તેના પર ધ્યાન આપવાની જરુર છે. આપણે લોકો અને ન્યાયતંત્રમાં કેવો વિશ્વાસ ઉભો કરી શકીએ તે પણ જોવું રહેશે. જ્યારે ગુનેગાર વિચારતો થાય કે તે સજામાંથી બચી ગયો ત્યારે મોટી આફત સર્જાય છે.’

ગયા વર્ષે કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયેલા તમામ ગુનેગારોમાં ૧૦માંથી એક અથવા ૧૧૪,૨૮૬ ક્રિમિનલ્સને કોમ્યુનિટી પનિશમેન્ટ્સ અપાઈ હતી. ચોરો સહિતના ગુનેગારને ૩૦૦ કલાક સુધી કામ કરવાની સજા અપાય છે, જ્યારે સેક્સ અપરાધી અને નશાખોરો માટે વિશેષ તાલીમ પ્રોગ્રામ્સ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter