લંડનઃ કોરોના મહામારીમાં પડોશીને વહારે પહોંચી શકે તેવા વોલન્ટીઅર્સની NHSને ખાસ જરુર છે. કોમ્યુનિટીઓના સભ્યોને ગ્રોસરી અને પ્રીસ્ક્રિપ્શન કલેક્શન જેવા મહત્ત્વના કાર્યો માટે મદદ કરવા વધુ પ્રમાણમાં સ્વયંસેવકોની NHS Volunteer Responders સ્કીમ હેઠળ હાકલ કરવામાં આવી છે. NHS વોલન્ટીઅર રિસ્પોન્ડર્સ સ્કીમ મહામારી દરમિયાન ઘેર રહીને કામ કરતા અને કોવિડ-૧૯નું ઊંચુ જોખમ ધરાવનારા લોકો માટે ખુલ્લી છે. લોકો સવારના ૮થી રાત્રિના ૮ સુધી ઓપન રહેતી લાઈન 0808 196 3646ને ફોન કરી સપોર્ટ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
NHS અને રોયલ વોલન્ટરી સર્વિસ દ્વારા કોમ્યુનિટીઓના સભ્યોના આવશ્યક કામકાજને સપોર્ટ કરવા માટે વધુ NHS વોલન્ટીઅર રિસ્પોન્ડર્સની જરુર પડી છે. કોવિડ-૧૯નું વધુ જોખમ રહે તેવી હેલ્થ કંડિશનના કારણે અન્ય લોકો સાથે ઓછામાં ઓછો સંપર્ક ધરાવતા લોકોને આ વોલન્ટીઅર્સ મદદરુપ બનશે. તેઓ મેડિકલ એપોઈન્ટમેન્ટ્સ માટે લોકોને લઈ જવા, શોપિંગ, દવાઓ તેમજ અન્ય ચીજવસ્તુઓ એકત્ર કરવા તેમજ નિયમિત ફોન કોન્ટેક્ટ્સ અને મૈત્રીપૂર્ણ વાતચીતની મજા લેતા લોકોને ‘ચેક ઈન એન્ડ ચેટ’ કોલ્સ પણ કરી શકે છે.
લોકડાઉન હળવું થવાં છતાં સીસ્ટિક ફાઈબ્રોસીસ, તીવ્ર અસ્થમા જેવી આરોગ્ય સમસ્યા ધરાવતા લોકો કેવિડ-૧૯નું જોખમ ઓછામાં ઓછું રહે તે જરુરી છે. આગળ આવતા દરેક વોલન્ટીઅર્સ કોમ્યુનિટીમાં આવા લોકોને સુરક્ષિત રાખવામાં મદદરુપ બનશે.
GoodSAM એપ વોલન્ટીઅર્સને જરુરિયાતમંદ લોકોના સંપર્કમાં લાવશે. NHS વોલન્ટીઅર રિસ્પોન્ડર્સ હવે તેમના GoodSAM પ્રોફાઈલમાં તેઓ જાણતા-બોલતા હોય તેવી દરેક ભાષા ઉમેરવા પ્રોત્સાહન આપે છે. જેથી જરુરતમંદ લોકો તેમની ભાષામાં બોલતા વોલન્ટીઅરને પસંદ કરી શકે. આ પ્રોગ્રામમાં હાલ ઈંગ્લિશ, ગુજરાતી, હિન્દુસ્તાની, બંગાળી, ઊર્દુ અને પંજાબી બોલતા વોલન્ટીઅર સામેલ છે.
GoodSAMના સહસ્થાપક માર્ક વિલ્સને જણાવ્યું હતું કે,‘ GoodSAM એપ લોકોને તેઓ જે ભાષા બોલતા હોય તેનું ઈનપુટ આપવાનું શક્ય બનાવે છે તે અદ્ભૂત છે. આનો અર્થ એ થશે કે અમે સમગ્ર દેશમાં તમામ કોમ્યુનિટીઓના લોકોનો સંપર્ક કરી શકીશું અને જરુર હોય તેવા તમામ લોકોને તે સુવિધા મળે તેની ચોકસાઈ કરી શકીશું’.
NHS વોલન્ટીઅર રિસ્પોન્ડર બનવાની અરજી કરવા NHS Volunteer Responders વેબસાઈટની મુલાકાત લેશો. જો તમારે વોન્ટીઅરની મદદ જોઈતી હોય તો 0808 196 3646 (સપ્તાહના સાત દિવસ, સવારના ૮થી રાત્રિના ૮ સુધી ખુલ્લી લાઈન)ને ફોન કરી રજિસ્ટ્રેશન કરાવશો. જે લોકોના પરિવારના સભ્યને કોવિડ-૧૯ હોવાથી સેલ્ફ આઈસોલેશનમાં હોય તેવા લોકો (પેશન્ટ ટ્રાન્સપોર્ટડ સિવાય) માટે પણ વોલન્ટીઅર સપોર્ટની સેવા મળી શકશે. બર્મિંગહામની ૫૧ વર્ષીય મંઝર ચાફેકર NHS વોલન્ટીઅર રિસ્પોન્ડર છે જેઓ કોમ્યુનિટીને મદદ કરવા ચાહે છે. મંઝરે કહ્યું હતું કે,‘મેં જ્યારે પહેલી વખત NHS Volunteer Responders વિશે જાણ્યું ત્યારથી જ મારાં માટે આ યોગ્ય ભૂમિકા છે તેમ લાગ્યું હતું. હું શરુઆતથી જ તેમાં જોડાઈ અને પછી અટકી નથી. આ લોકો સાથે સંપર્ક સાધી આ મુશ્કેલ સમયમાં મારી કોમ્યુનિટીનું ઋણ ઉતારવાનો સકારાત્મક માર્ગ છે.’
રોયલ વોલન્ટરી સર્વિસના ડાયરેક્ટર ઓફ વોલન્ટીઅરિંગ, રેબેકા કેનેલીએ જણાવ્યા અનુસાર મહામારીમાં જે રીતે વોલન્ટીઅસર મદદ માટે આગળ આવ્યા છે તે અદ્ભૂત છે. માર્ચ ૨૦૨૦માં આ પ્રોગ્રામ લોન્ચ કરાયા પછી આશરે ૪૦,૦૦૦ ઓન-ડ્યૂટી NHS વોલન્ટીઅર રિસ્પોન્ડર્સે લોકોને સલામત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે ને અત્યાર સુધીમાં ૧.૭ મિલિયનથી વધુ કામ કર્યા છે.
રોયલ વોલન્ટરી સર્વિસની વધુ માહિતી માટે https://www.royalvoluntaryservice.org.uk/ની મુલાકાત લેશો.