• કાર્યકારી વડા પ્રધાન ડોમિનિક રાબે લોકડાઉન નિયંત્રણો વહેલા હળવાં નહિ થાય તેમ સ્પષ્ટ કર્યું છે. લંડનના મેયર સાદિક ખાને પણ જણાવ્યું હતું કે ‘યુકે લોકડાઉન ઉઠાવી લેવાની નજીક જણાતું નથી.’
• કોરોના કટોકટીના કારણે બ્રિટિશ જેલોમાંથી ૪૦૦૦ જેટલા ઓછા જોખમી કેદીઓને મુક્ત કરાયા છે. જેમની સજાનો સમય બે મહિનાથી ઓછો રહ્યો હોય તેવા કેદીઓ વહેલા છોડાયા છે. મુક્ત કરાયેલા કેદીઓમાં છ સગર્ભાનો સમાવેશ થાય છે. પ્રિઝન ગવર્નર્સ એસોસિયેશને વધુ ૧૧,૦૦૦ કેદીને વહેલા છોડવાનું મૂલ્યાંકન કરવાની માગણી કરી છે. આ કેદીઓ ટેગિંગ વિના શેરીઓમાં ફરતા થઈ શકે છે.
• યુકેની ૪૩ જેલોમાં કુલ ૧૧૬ કેદીઓ કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત હોવાનું પરીક્ષણોથી જણાયું છે. વાઈરસના ચેપથી મૃત્યુ પામેલા કેદીઓની સંખ્યા ૧૦ થઈ છે. ૧૨ જેલના ૧૯ કર્મચારીને પણ ચેપ લાગ્યો છે.
• સિંગાપોરમાં ખોરાકની અછતની ચિંતા વચ્ચે ફૂડ પ્રોક્શન વધારવાની યોજનાઓ જાહેર કરી છે. પોતાની ખોરાકી જરૂરિયાતના માત્ર ૧૦ ટકાનું ઉત્પાદન કરતા આ નગર રાષ્ટ્રે કાર પાર્કિંગની છતોને શહેરી ફાર્મ્સમાં ફેરવી નાખવાની પણ જાહેરાત કરી છે.
• ઈટાલીએ કોરોના મહામારીનો ફેલાવો ઘણો વધી ગયા પછી માઈગ્રન્ટ્સ જહાજો માટે તેના પોર્ટ્સ બંધ કરી દીધાં છે. આ નિર્ણયના પરિણામે ચેરિટી માઈગ્રન્ટ બોટ્સ પણ પોર્ટ્સ પર લાંગરી શકશે નહિ.
• ગ્રીક રેફ્યુજી કેમ્પ્સમાં પણ કોરોના વાઈરસનો ચેપ ફેલાવાનું જોખમ સર્જાયું છે. ગ્રીસમાં કોરોનાનો ફેલાવો વધ્યા પછી સરકારે જાહેર કર્યું છે કે કટોકટી દરમિયાન નવી એસાઈલમ અરજીઓને તપાસવામાં આવશે નહિ. પરિણામે, હજારો લોકો રેફ્યુજી કેમ્પ્સમાં ફસાયા છે.
• કોરોના કટોકટી વધી છે ત્યારે બ્રિટિશરો દ્વારા ગૂગલ પર ફર્લો, યુનિવર્સલ ક્રેડિટ તેમજ બેનિફિટ્સ કેવી રીતે ક્લેઈમ કરવા સહિતની બાબતોનું ઓનલાઈન સર્ચિંગ વધી ગયું છે. યુએસમાં ‘ફર્લો’ શબ્દ સામાન્ય છે પરંતુ, યુકેમાં તેનો ઉપયોગ હમણા જ શરૂ થયો છે. નાણાકીય મુશ્કેલી અનુભવતા બ્રિટિશરોએ ‘યુનિવર્સલ ક્રેડિટ’ વિશે માહિતી શોધી છે. આશરે ૧૦ લાખ લોકો બેનિફિટ્સનો ક્લેઈમ કરવા પ્રયાસરત છે. હવે કોરોનાના લક્ષણો વિશેની શોધખોળ ઘટી ગઈ છે.
• લોકડાઉન દરમિયાન પબ્સ બંધ છે તેમજ ઘરમાં પણ શરાબપાન લગભગ ઓછું થઈ ગયું છે ત્યારે તેની આરોગ્ય પર ઘણી સારી અસર થતી હોવાનું જીપી અને cosmedics.co.ukના મેડિકલ ડાયરેક્ટર ડો. રોસ પેરી કહે છે. શરાબપાન ન કરવાથી બે સપ્તાહમાં જ ૨૦૦૦ કેલરી શરીરમાં ઓછી જાય છે અને એક મહિનો શરાબ ન પીવાય તો તમારા લીવરને ૧૫ ટકા ચરબી ઘટી જવાનો લાભ મળે છે. આમ ચરબીવિહોણું જઠર, સ્વચ્છ ત્વચા અને મજબૂત ઈમ્યુન સિસ્ટમ તેને બીમારી સામે લડવાનું જોમ આપે છે. સરકારી ગાઈડલાઈન્સ મુજબ પુરુષ અને સ્ત્રી સપ્તાહમાં ૧૪ યુનિટ સુધી શરાબ પી શકે છે જેના પરિણામે શરીરને વધારાની ૩૦૦૦ કેલરી મળે છે.
• બ્રિટનમાં કોરોના સંક્રમણનો પ્રસાર અટકાવવામાં કાર્યરત લોકોને નવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો ચેપના પ્રસાર માટે 5G કનેક્ટિવિટીને જવાબદાર ઠેરવી રહ્યાં છે. લોકો મોબાઈલ એન્જિનિયર્સને ધમકી આપવા સાથે 5G ટાવર સળગાવી રહ્યાં છે. જોકે, નિષ્ણાતોએ ચેપના ફેલાવાને 5G કનેક્ટિવિટી સાથે કોઈ સંબંધ ન હેવાની સ્પષ્ટતા કરી છે.
• સરકારે કોરોના વાઈરસના જંગમાં ખર્ચના વધારેલા વ્યાપને પહોંચી વળવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાસે ‘ઓવરડ્રાફ્ટ’ વ્યવસ્થાને લંબાવી છે. દેશની યુનિવર્સિટીઓએ નાણાકીય નિષ્ફળતા અને સંભવિત તૂટી પડવાને પહોંચી વળવા સરકાર પાસેથી બે બિલિયન પાઉન્ડના પેકેજની માગણી કરી છે. બીજી તરફ, સરકાર દેશના સાંસદોને કોરોના મહામારીમાં તેમની ઓફિસો માટે વધારાના ૧૦,૦૦૦ પાઉન્ડ ચૂકવવા તૈયાર થઈ છે જેને, જાહેર નાણાના દુર્વ્યય તરીકે વખોડાયું છે.
• યુકેમાં સમર વેકેશન માટે શાળાઓ બંધ થાય તે પહેલા થોડો સમય ફરી ખોલવાની માગણી થઈ છે. શાળાઓ સપ્ટેમ્બર મહિના સુધી બંધ રહી શકે છે તેવા ભય વચ્ચે હેડટીચર્સ કહે છે કે વૈજ્ઞાનિક સલાહ હોય અને શાળાઓ ખોલવી સલામત જણાય તો થોડો સમય ખોલવી જોઈએ.
• કોરોના વાઈરસ સામેના જંગમાં બ્રિટનના તબીબોની મદદ કરવા તુર્કી આગળ આવ્યું છે. તુર્કીએ સર્જિકલ માસ્ક્સ, N૯૫ ઈન્ડસ્ટ્રીઅલ માસ્ક અને હઝમટ સ્યૂટ્સ સહિત ઈમર્જન્સી સાધનો-ઉપકરણો સાથે વિમાન મોકલવાનું શરૂ કરી દીધું છે.
• ડેનમાર્કમાં કોરોના વાઈરસના કેસીસ ઘટવા સાથે બુધવાર ૧૫ એપ્રિલથી શાળાઓ અને ડે કેર સેન્ટર્સ ફરી ખોલવામાં આવશે. જોકે, બાર,રેસ્ટોરાં, શોપિંગ કોમ્પ્લેક્સીસ બંધ રાખવા તેમજ ૧૦થી વધુ માણસ એકત્ર થવા પર પ્રતિબંધ સહિતના અન્ય પગલાં ઓછામાં ઓછું એક મહિનો અમલમાં રહેશે.