કોરોના કટોકટીઃ થોડામાં ઘણું...

Sunday 19th April 2020 01:10 EDT
 
 

બ્રિટન સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાઈરસથી સર્જાયેલી મહામારી સાથે સંકળાયેલા સમાચારોનું વિહંગાવલોકન...

• ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે તેમના શાહી લગ્નના પ્રસારણમાંથી થનારી આવકમાંથી કોરોના મહામારી દરમિયાન ભૂખ્યાં બાળકોને ભોજન કરાવવાની વ્યવસ્થા ગોઠવી છે. હાલ યુએસમાં રહેતા સસેક્સ દંપતીએ બીબીસીના બ્રોડકાસ્ટમાંથી વધારાના ૯૦,૦૦૦ પાઉન્ડના પ્રોફિટની રકમ ‘ફીડિંગ બ્રિટન’ ચેરિટીને આપવા જણાવ્યું છે. તેમણે ચેરિટીના પ્રેસિડેન્ટ અને ૨૦૧૮માં તેમના લગ્ન કરાવનાર આર્ચબિશપ ઓફ કેન્ટરબરીને ફોન કરી ચેરિટીના દેશવ્યાપી પ્રોજેક્ટ્સ વિશે ચર્ચા કરી હતી.

• ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ આશા દર્શાવી છે કે યુકે કોરોના વાઈરસ મહામારીના શિખર પર આવી ગયું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નવા ઈન્ફેક્શન્સનું વલણ સ્પષ્ટપણે સમથળ બન્યું લાગે છે. જોકે, કોરાનાથી થતાં મૃત્યુ હજુ લાંબો સમય ઊંચા રહેશે તેમ પણ તેમણે કહ્યું હતું.

• કોરોના વાઈરસ હવે માનસિક આરોગ્યની કટોકટીનું તોફાન લાવશે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે. યુકેમાં લોકડાઉનના કારણે વધી રહેલો સામાજિક એકાંતવાસ, આરોગ્ય સંબંધિત ચિંતા તેમજ આર્થિક પડતી વિશે તણાવ જેવા પરિબળો લાંબા સમય સુધી માનસિક આરોગ્યની કટોકટી સર્જી શકે છે.

• યુએસ પ્રમુખ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની આકરી ટીકા કરવા સાથે તેને અમેરિકા દ્વારા અપાતા અંદાજે ૪૦૦ મિલિયન ડોલરના ભંડોળને સસ્પેન્ડ કરી દીધું છે. અમેરિકી ભંડોળ સંસ્થાને મળતા કુલ ભંડોળના ૧૫ ટકા જેટલું થાય છે. અમેરિકન પ્રમુખે કહ્યું છે કે કોરોના વાઈરસને મહામારી જાહેર કરવામાં સંસ્થાએ ઘણો લાંબો સમય લીધો તે ગંભીર ભૂલ હતી અને તે પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહી છે. સંસ્થાએ ચીન સાથે અમેરિકાની સરહદો બંધ કરવાના ટ્રમ્પના નિર્ણયની પણ ટીકા કરી હતી. આરોગ્ય સંસ્થાની અગાઉની સલાહોમાં જે દેશોએ વિશ્વાસ રાખ્યો તેમની હાલત કરુણ થઈ હોવાનું પણ ટ્રમ્પે કહ્યું હતું.

• યુકેએ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને ૪૦૦ મિલિયન ડોલરના ભંડોળને કામચલાઉ સસ્પેન્ડ કરવાના અમેરિકી પ્રમુખ ટ્રમ્પના નિર્ણયને વખોડ્યો છે. ડાઉનિંગ સ્ટ્રીટે ટ્રમ્પની સીધી ટીકા કર્યા વિના સંયમ સાથે જણાવ્યું હતું કે મહામારી સામે એકસંપ થઈને લડવાની આંતરરાષ્ટ્રીય જરૂરિયાત છે અને WHOને ભંડાળ અટકાવવાની યુકેની કોઈ યોજના નથી. સંસ્થાને ભંડોળ આપવું તે વૈશ્વિક આરોગ્ય પ્રતિસાદ આપવાની ભૂમિકા માટે આવશ્યક છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભંડોળમાં પડેલી ખાઈ પૂરવી યુકે માટે જરૂરી નથી પરંતુ, આવી શક્યતા તેમણે નકારી ન હતી.

• કોવિડ-૧૯ માટે ટેસ્ટ પોઝિટિવ જાહેર કરાયેલા આઠ વ્યક્તિ સહિત ૨૪ નિવાસીઓનાં મોત નીપજ્યા છે તે નર્સિંગ હોમને સપોર્ટ કરવા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ કાર્યરત બન્યું છે. સ્ટેફોર્ડશાયર કાઉન્સિલે જણાવ્યું હતું કે ન્યૂકેસલ- અંડર- લીમે ખાતે કાઉન્ટીના આશરે ૧૪૦ રેસિડેન્ટ સાથેના સૌથી મોટા બ્રેડવેલ હોલ નર્સિંગ હોમમાં કુલ ૧૮ નિવાસી અને એક સ્ટાફ મેમ્બરના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. નર્સિંગ હોમમાં ૬ણ સપ્તાહના ગાળામાં ૨૪ મૃત્યુ થયા હતા, જેમાંથી ૧૬ના કોઈ પરીક્ષણ કરાયા ન હતા. નર્સિંગ હોમમાં પ્રવેશ બંધ કરાયો છે.

• બ્રિટનના લોકોમાં કોરોનાનો ડર એ હદે વ્યાપી ગયો છે કે ઘણા લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે અને હોસ્પિટલમાં દાખલ થયા પહેલાં જ તેમનાં મોત થઇ રહ્યાં છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે હાર્ટ એટેક આવતા ઘરમાં જ મોત થઇ ગયાના ઘણાં મોત નોંધ્યાં છે. એક રિપોર્ટ મુજબ લંડનમાં ૮૦ ટકા મોત એવાં છે કે દર્દી સુધી મેડિકલ હેલ્પ પહોંચે તે પહેલાં જ તેનું મોત થયું હોય. ડૉક્ટર્સનું કહેવું છે કે લોકો ડર હેઠળ જીવી રહ્યા છે અને ઇમરજન્સી સર્વિસને ફોન કરતા પણ ગભરાય છે. તેમને લાગે છે કે જો તેઓ હોસ્પિટલમાં દાખલ થશે તો તેમને કોરોનાનો ચેપ લાગી શકે છે.

• ન્યૂ ઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને સ્પષ્ટ કર્યું છે કે એક મહિના લાંબુ રાષ્ટ્રવ્યાપી કોરોના વાઈરસ લોકડાઉન હળવું કરાશે તો પણ નોંધપાત્ર નિયંત્રણો યથાવત રખાશે. દેશમાં માર્ચમાં લેવલ-૪ લોકડાઉન જાહેર કરાયું હતું. લેવલ-૩ લોકડાઉનમાં કેટલાક લોકો કામે જઈ શકશે અને બિઝનેસીસ ફરી ખોલી અર્થતંત્રને સલામત રીતે ખોલવાનો પ્રયાસ કરાશે પરંતુ, ઉતાવળ નહિ થાય. દુકાનો, મોલ્સ, રેસ્ટોરાં વગેરે બંધ જ રહેશે. શાળાઓ કદાચ ખુલે છતાં, હાજરી સ્વૈચ્છિક રહેશે. વધુમાં વધુ ૧૦ વ્યક્તિની હાજરી સાથે લગ્નો અને અંતિમવિધિ કરી શકાશે પરંતુ, ભોજન કે રિસેપ્શન પર પ્રતિબંધ રહેશે.

• ન્યૂ યોર્કના રહેવાસીઓએ તેઓ જાહેરમાં જાય અને અન્ય લોકોના નિકટ સંપર્કમાં આવતા હોય ત્યારે તેમણે ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવાયો હોવાની જાહેરાત ગવર્નર એન્ડ્રયુ ક્યુઓમોએ કરી છે. કોરોના મહામારી સામે જંગમાં નવા આદેશ મુજબ લોકોએ બીઝી સ્ટ્રીટ્સ, સબવેઝ, બસીસ તેમજ એવા સંજોગો જ્યાં ૬ ફૂટનું સામાજિક અંતર જાળવી ન શકાય ત્યાં માસ્ક પહેરવાનો અથવા ચહેરો ઢાંકવાનો રહેશે. શરૂઆતમાં પાલન ન કરવા માટે કોઈ પેનલ્ટી હશે નહિ પરંતુ, વેપારીઓએ પોતાના ગ્રાહકો પાસે અમલ કરાવવાનો રહેશે.

• યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ નવા કોરોના વાઈરસ ઈન્ફેક્શન બાબતે શિખર પર પહોંચી ગયું છે અને તેઓ ઈકોનોમીને ખોલવા નવી ગાઈડલાઈન્સ જારી કરશે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમની આક્રમક રણનીતિ કામ કરી રહી છે અને યુંક સમયમાં અર્થતંત્રને ખોલવાનું સલામત રહેશે.

• યુકેના હેલ્થ મિનિસ્ટર નાદિન ડોરિસે જણાવ્યું છે કે કોરોના વાઈરસ વેક્સિન શોધાઈ જાય નહિ ત્યાં સુધી બ્રિટન લોકડાઉનમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી શકશે નહિ. સ્ટે એટ હોમના આદેશો ક્યારે અને કેવી રીતે જાહેર કરાશે તે બાબતે બ્રિટિશ સરકાર પર દબાણ વધી રહ્યું છે. મિનિસ્ટરે કહ્યું છે કે વેક્સિન શોધાય ત્યાં સુધી બ્રિટનમાં લોકડાઉન રહેશે.

• કોરોના મહામારીમાં ગ્રેટર માન્ચેસ્ટરના બોલ્ટનના દંપતી એશ્લે ખાન અને કેટી બ્લેન્ડને જંગલમાં રહેવાનો વારો આવ્યો છે. મહામારીના કારણે પેઈન્ટર અને ડેકોરેટર એશ્લેએ નોકરી ગુમાવી હતી પરિણામે, ભાડું ચૂકવી ન શકતા ઘરવિહોણા થઈ તેમને જંગલમાં તંબુ બાંધી રહેવું પડ્યું છે. અગાઉ પણ આ દંપતી ઘરવિહોણું થયેલું છે પરંતુ, હવે બોલ્ટનના અન્ય લોકોનો સંપર્ક ટાળવા તેઓ જંગલમાં રહે છે. લોકડાઉનમાં કોઈને ભાડાના ઘરમાંથી દૂર નહિ કરી શકાય તેવા નિયમનું રક્ષણ આ દંપતીને મળી શક્યું નથી કારણકે તેઓ શેરિંગના ધોરણે રોકડ ભાડું ચૂકવતા હતા.

• કોરોના વાઈરસ લોકડાઉનમાં લગ્નો પર પ્રતિબંધ આવતા યુકેના ઘણા દંપતીઓ ઈમિગ્રેશનની સમસ્યા અનુભવે છે.  લગ્ન માત્ર કાગળનો ટુકડો નથી, તેના પર ઘણી કાનૂની બાબતો અવલંબે છે. યુનિવર્સિટી ઓફ એસેક્સમાં સાથે કામ કરતા ડો. ડોન લિયુ અને ડો. એન્ગસ હોલફોર્ડની સગાઈ ૨૦૧૯માં થઈ છે અને તેમના લગ્ન ૬ એપ્રિલે થવાના હતા. મૂળ સિંગાપોરની ડો. લિયુ લગ્ન પછી સ્પાઉસ વિઝા માટે અરજી કરી શકે તેમ હતી કારણકે તેના ટિયર-ટુ વર્કિંગ વિઝા ૧૪ જુલાઈએ પૂરા થવાના છે. જોકે, સરકારે  કોરોનાનો પ્રસાર અટકાવવા ૨૩ માર્ચથી લગ્નો પર પ્રતિબંધ લાદી દીધો છે. લગ્નોનું રજિસ્ટ્રેશન પણ થઈ શકતું નથી. હવે મહામારીથી ઈમિગ્રેશન સ્ટેટસ પર અસર થઈ શકે તેવા ઘણા યુગલ છે. સરકાર ૩૧ મે પછી વિઝા લંબાવશે કે કેમ તેની પણ સ્પષ્ટતા કરાતી નથી.

• કોરોના વાઈરસ મહામારીને આગળ ધરી છેતરપિંડી અને ચોરીની ઘટનાઓ પણ વધી છે. ફેસ માસ્કના શિપમેન્ટમાં દસ લાખ પાઉન્ડથી વધુ કિંમતનું કોકેન બોર્ડર ફોર્સ અધિકારીઓએ જપ્ત કર્યું છે. ફ્રાન્સથી ચેનલ ટનલ દ્વારા યુકેમાં પ્રવેશવા પ્રયાસ કરતી વાનમાં ૧૪ કિલો ક્લાસ એ ડ્રગ્સ પકડાયું હતું. પ્રોટેક્ટિવ ફેસ માસ્ક્સનું ટ્રાન્સપોર્ટેશન કરતી વાનમાં ૧૫ પેકેટ્સનું બોક્સ મળતા તેની ચકાસણી કરી હતી. આ ઘટનામાં ૩૪ વર્ષીય પોલીશ ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

• યુકેના મિનિસ્ટર્સને સોંપાયેલા એક રિપોર્ટમાં કોફી શોપ્સ, રેસ્ટોરાં અને એસ્ટેટ એજન્ટ્સ સહિત બ્રિટિશ હાઈ સ્ટ્રીટ બિઝનેસિસ ખોલવા પર ભાર મૂકાયો છે. ભલામણમાં જણાવાયું છે કે આવા બિઝનેસીસ ઈકોનોમીને ઉત્તેજન આપશે તેમજ વાઈરસના ફેલાવાનું સૌથી ઓછું જોખમ ધરાવે છે. એવો દાવો પણ કરાય છે કે નિયંત્રણો હળવાં કરવા માટે વસ્તીનું વર્ગીકરણ કરાશે જેમાં, યુવાવર્ગને કામે જવાની પરવાનગી સાથે પ્રાઈમરી સ્કૂલ્સને ખુલ્લી મૂકાશે. બીજી તરફ, પેન્શનર્સ અને અસલામત લોકોને ઘરમાં જ રહેવા આદેશ અપાશે.

• વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપ માટેના ડાયરેક્ટર ડો. હાન્સ ક્લૂજે જણાવ્યું છે કે રશિયા અને બેલારુસની સાથે યુકેના કારણે સમગ્ર યુરોપ ખંડ કોરોના વાઈરસ કટોકટીના તોફાનના કેન્દ્રમાં છે.

• યુકેના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે ઉનાળાની રજાઓ માટે કોઈ બૂકિંગ નહિ કરાવવા લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે યુકેમાં ઓછામાં ઓછાં બે સપ્તાહ સુધી તો કોરોના વાઈરસ લોકડાઉનમાંથી બહાર નીકળવાનો એક્ઝિટ પ્લાન જોવાં મળશે નહિ.  શાપ્સે કહ્યું હતું કે પ્રવાસ નિયંત્રણો મહિનાઓ સુધી લંબાતા રહેશે. સરકારે કઠોર સોશિયલ ડિસ્ટન્સિંગ પગલાંને હળવા કરવાના વિકલ્પો વિચારી રજૂ કરવા તબીબી અને વિજ્ઞાન સલાહકારોને ૧૫ દિવસનો સમય આપ્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter