કોરોના કટોકટીઃ થોડામાં ઘણું

Saturday 02nd May 2020 07:28 EDT
 
 

• યુકેમાં કોરોના વાઈરસ ઈન્ફેક્શનનો વર્તમાન દર અને કેટલા લોકોમાં વાઈરસ સામે એન્ટિબોડીઝનો વિકાસ થયો છે તે સમજવા સરકાર દેશની વસ્તીમાં કોવિડ-૧૯નું ટ્રેકિંગ કરવા નવો અભ્યાસ શરુ કરશે. સંશોધનના પ્રથમ તબક્કામાં ભાગ લેવા ઈંગ્લેન્ડના ૨૦,૦૦૦ જેટલા પરિવારોનો સંપર્ક કરાયો છે અને પ્રાથમિક તારણો મે મહિનામાં મળવાની ધારણા છે. અભ્યાસમાં ભાગ લેનારા તમામ પાસે ગળા અને નાકના સ્વેબ્સ મેળવાશે, જેથી તેઓને હાલ કોરોના વાઈરસ છે કે કેમ તેની જાણકારી મળી શકે. તેઓને પાંચ સપ્તાહ માટે દરેક સપ્તાહે અને તે પછી વર્ષના દરેક મહિને વધુ પરીક્ષણો કરાવવા જણાવાશે. બીજી તરફ, ૧૦૦૦ જેટલા પરિવાર પાસેથી બ્લડ સેમ્પલ્સ મેળવાશે જેના મારફત વસ્તીના કેટલા હિસ્સામાં કોવિડ-૧૯ માટેના એન્ટિબોડીઝ વિકસ્યા છે તે જાણી શકાશે. સરકારના જણાવ્યા અનુસાર પાઈલોટ તબક્કામાં આશરે ૨૫,૦૦૦ લોકો ભાગ લેસે અને આગામી ૧૨ મહિનામાં તેને વધારી ૩૦૦,૦૦૦ સુધી લઈ જવાની યોજના છે.
• લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ નવા સંશોધન અનુસાર કોવિડ-૧૯ પેશન્ટ્સની આમનેસામને સારવાર કરતા હેલ્થ વર્ક્સમાં ઈન્ફેક્શનનો દર નોન-ક્લિનિકલ ભૂમિકા ભજવનારા કરતા ઘણો વધુ નથી. આનાથી પ્રત્યક્ષ સારવાર કરનારાઓને રાહત મળી શકે છે. ન્યૂકેસલ અપોન ટાયને NHS હોસ્પિટલ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટના તબીબો અને ન્યૂકેસલ યુનિવર્સિટીના સંશોધકોએ કોવિડ-૧૯ના લક્ષણો અનુભવનારા ૧,૬૫૪ હેલ્થ વર્કર્સનો અભ્યાસ કર્યો હતો. હેલ્થ વર્કર્સના ત્રણ જૂથમાં ડોક્ટર્સ, નર્સીસ અને પોર્ટર્સ જેવા પેશન્ટ્સની પ્રત્યક્ષ સારવાર કરનારા, ડોમેસ્ટિક અને લેબોરેટરી સ્ટાફ સહિત ભારે જોખમ ધરાવનારા તેમજ વહીવટી કર્મચારીઓ અને સ્ટાફનો સમાવેશ થયો હતો. પ્રત્યક્ષ સારવાર કરનારા જૂથમાં ઈન્ફેક્શન દર ૧૫.૪ ટકા, નોન-પેશન્ટ ફેસિંગ જૂથમાં ૧૬.૩ ટકા તેમજ નોન-ક્લિનિકલ સ્ટાફના જૂથમાં ૧૮.૪ ટકા રહ્યો હતો.
• કોરોના વાઈરસ મહામારીનો સામનો કરવા NHS સ્ટાફ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટનો ઓર્ડર કરી શકે તે માટે ઈન્ટરનેશનલ ઈ-કોમર્સ જાયન્ટ eBay દ્વારા નવા પાયલોટ ઈ-પોર્ટલની સ્થાપના કરવામાં આવી છે. NHSને મદદ કરવાની જાહેરાતના ગણતરીના દિવસોમાં જ આ પોર્ટલ તૈયાર કરાયું છે અને તે ટેસ્ટિંગના આખરી તબક્કામાં છે. પ્રાઈમરી અને સોશિયલ કેર પ્રોવાઈડર્સ PPE ઉપકરણોનો ઓર્ડર કરી શકે છે. કંપનીએ જણાવ્યું છે કે NHS ના હેલ્થકેર વર્કર્સ ડેટાબેઝ પર રહેલા લોકો જ આ પોર્ટલની સેવા મેળવી શકશે. તેઓ લોગ ઈન કરી NHS કેટેલોગ મારફત નોન-એક્યુટ PPEની મર્યાદિત રેન્જ વિના કિંમતે ઓર્ડર કરી શકશે.
• યુકેના અન્ય વિસ્તારોની સરખામણીએ નોર્ધર્ન આયર્લેન્ડ વધુ ઝડપથી કોરોના વાઈરસ નિયંત્રણોમાંથી બહાર આવી જશે તેમ લાગે છે. ફર્સ્ટ મિનિસ્ટર આર્લેન ફોસ્ટરે જણાવ્યું હતું કે ચોક્કસ વૈજ્ઞાનિક અને તબીબી ધારાધોરણોનું પાલન થશે ત્યારે લોકડાઉનના પગલાં હળવાં કરી દેવાશે. તેમણે કસરત કરનારા લોકો સ્થાનિક રીતે જ કસરત કરી શકે તે માટે આઈરિશ રિપબ્લિકમાં ૨ કિલોમીટરનું અંતર નિયંત્રણ રખાયું છે તેવો નિયમ દાખલ કરવાનું નકાર્યું હતું.
• ચીનમાં ૧૦ મિલિયનની વસ્તી ધરાવતા હાર્બિન શહેરને લોકડાઉન કરી દેવાયું છે. મીડિયા અહેવાલો મુજબ ન્યૂ યોર્કથી પાછા ફરેલા એક વિદ્યાર્થી દ્વારા ૭૦થી વધુ વ્યક્તિને સંક્રમણ લાગ્યું હતું. હાર્બિનમાં ૪,૦૦૦થી વધુ લોકોનું પરીક્ષણ કરાયું હતું તેમજ લોકોના એકત્ર થવા અને મેળાવડા પર પ્રતિબંધ લાગ્યા છે. બહારથી આવનારા પ્રવાસીઓની તપાસ માટે એરપોર્ટ અને ટ્રેઈન સ્ટેશનો પર ચેકપોઈન્ટ લાગ્યા છે. કોરોના વાઈરસના ઉદ્ભવસ્થાન વુહાન સિટીમાં હવે કોઈ પેશન્ટ રહ્યા નથી. આખરી પેશન્ટને રવિવાર ૨૬ એપ્રિલે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.
• કોરોના વાઈરસના દર્દીઓની સારવાર માટે વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની સ્ટીફન હોકિંગના વેન્ટિલેટરનું કેમ્બ્રિજની રોયલ પેપવર્થ હોસ્પિટલને દાન કરવામાં આવ્યું છે. મોટર ન્યૂરોન રોગથી પીડાતા સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષની વયે ૨૦૧૮માં અવસાન થયું હતુ. તેમની પુત્રી લ્યૂસી હોકિંગે જણાવ્યું હતું કે તેમના પિતાને કેમ્બ્રિજની રોયલ પેપવર્થ અને એડેનબ્રૂક્સ હોસ્પિટલો દ્વારા શ્રેષ્ઠ તબીબી સારવાર અપાઈ હતી. તેમના મૃત્યુ પછી NHS ની માલિકીની તમામ ઉપકરણો પરત કરી દેવાયા હતા પરંતુ, તેમણે ખરીદેલા વેન્ટિલેટર સહિત કેટલાક ઉપકરણો હોસ્પિટલને દાન અપાયા છે.
• અમેરિકામાં પાલતુ પ્રાણીને કોરોના પોઝિટિવ આવ્યું હોય તેવી પહેલી ઘટનામાં ન્યૂ યોર્કની બે પાલતુ બિલાડીમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુએસ કૃષિ વિભાગ અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ બિલાડીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેને ઘરના કે પાડોશના કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિ દ્વારા ચેપ લાગ્યો હોઈ શકે તેમ મનાય છે. જોકે, પ્રાણીઓથી માણસોમાં ચેપ ફેલાવાના કોઈ પુરાવા મળ્યા નથી. પ્રાણીઓને કોરોનીની અન્ય એક ઘટનામાં ન્યૂ યોર્કના જ બ્રોન્ક્સ ઝૂમાં ૪ વાઘ અને ૩ સિંહ પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. અગાઉ પાંચ એપ્રિલે આ જ ઝૂમાં નાદિયા નામની ચાર વર્ષની વાઘણ કોરોના પોઝિટિવ જણાઈ હતી. બીજી તરફ, ચીનના સંશોધકોએ હવે પાલતુ બિલાડીઓ ધરાવતા લોકોએ ખાસ સતર્ક રહેવા નવી ચેતવણી આપી છે. ચીનની હાર્બિન વેટરિનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સંશોધકો કહે છે કે બિલાડીમાં કોરોનાનો ચેપ ફેલાય, તો તેમાંથી કૂતરાં, મરઘાં, ભૂંડ અને બતકમાં પણ કોરોના ફેલાવાનું જોખમ રહે છે.
• આશરે ૩૦ ઘરવિહોણાં લોકોએ હીથ્રો એરપોર્ટના ટર્મિનલ -૫ને સુવાનું સ્થળ બનાવી દીધું છે કારણકે તેમના ઈમિગ્રેશન દરજ્જાએ તેમને કોરોના વાઈરસ મહામારી દરમિયાન ઈમર્જન્સી એકોમોડેશન સહિતના લાભ કલેઈમ કરતા અટકાવી દીધા છે. આવી એક ૪૦ વર્ષીય પ્રોફેશનલ મહિલા વેસ્ટ આફ્રિકાથી આવી છે. તેણે ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે ઓક્ટોબર પછી એરપોર્ટ ખાતે ઘરવિહોણાં લોકોની સંખ્યા બમણી થઈ છે. લંડન બરો ઓફ હિલિંગ્ડોનમાં એરપોર્ટ પર સૂઈ રહેનારા ૩૦ વ્યક્તિને આશરો આપવા કાઉન્સિલો નકારે છે કારણકે આશરાનો ખર્ચ કાઉન્સિલોના માથે આવી પડે તેમ
છે. હિલિંગ્ડોન કાઉન્સિલનો દાવો છે કે ગમે ત્યાં સૂઈ રહેતા
લોકોની જવાબદારી હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રીની છે.
• યુકેની વર્તમાન કોવિડ-૧૯ નીતિ ૬૦થી ૬૯ વયજૂથના ૭.૩ મિલિયન લોકોને ગંભીર બીમારી અને મોતના ભારે જોખમમાં મૂકતી હોવાની ચેતવણી નિષ્ણાતોએ ઉચ્ચારી છે. જર્નલ ઓફ ધ રોયલ સોસાયટી ઓફ મેડિસીનમાં પ્રસિદ્ધ આર્ટિકલમાં વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે ચીન અને ઈટાલી જેવા દેશોમાંથી મળેલા ડેટા દર્શાવે છે કે ૬૦થી ૬૯ વયજૂથના લોકો નોવેલ કોરોના વાઈરસના કોમ્પ્લિકેશન્સ અને મોતનું ગંભીર જોખમ ધરાવે છે. આ જોખમ ૭૦ અને તેથી વધુ વયના લોકો માટે ઓછું રહે છે.
• બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રયુ બેઈલીએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયંત્રણો વહેલા હળવાં કરવા સામે સાવધાની જાળવવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે ‘ફોલ્સ સ્ટાર્ટ- ખોટા આરંભ’ની માનસિક અસરો બ્રિટિશરોને ફરીથી લોકડાઉનમાં ધકેલશે જેનાથી અર્થતંત્રને વધુ નુકસાન થશે. નિયંત્રણો વહેલા ઉઠાવી લેવાથી લોકોના આત્મબળને ખરાબ અસર થશે.

• ચીનના ગુઆંગઝોની જાન્યુઆરીની એક ઘટનના તપાસના તારણો જણાવે છે કે રેસ્ટોરાંના એરકન્ડિશનિંગથી કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિથી અન્ય નવ લોકોમાં ચેપ ફેલાયો હતો. કોરોના વાઈરસના લક્ષણ વિનાની વ્યક્તિ પાછળથી બીમાર પડી હતી અને તેની આજુહાજુના ટેબલ પરના લોકોને પણ ચેપ લાગ્યો હતો. અભ્યાસમાં જણાવાયું હતું કે સ્થળ પરના એરકંડિશનિંગના કારણે વાઈરસ સામાન્ય કરતા વધુ ધકેલાયો હતો. જોકે, રેસ્ટોરાંમાં બોજન લેતા કે કામ કરતા અન્ય ૮૧ લોકોને વાઈરસની કોઈ અસર થઈ ન હતી.

• જર્મનીના લોકપ્રિય બિલ્ડ અખબારે કોરોના વાઈરસથી દેશને થયેલા આર્થિક નુકસાનના વળતર પેટે ૧૩૦ બિલિયન પાઉન્ડ (૧૫૦ બિલિયન યુરો) ચૂકવવા જોઈએ તેવી માગણી કરતા ચીન રોષે ભરાયું છે. બર્લિનસ્થિત ચાઈનીઝ એમ્બેસીએ બિલ્ડ અખબારને પત્ર પાઠવી તે રાષ્ટ્રવાદની ઉશ્કેરણી કરવા સાથે ચીન પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે તેવો આક્ષેપ કર્યો હતો. જોકે, બિલ્ડના તંત્રીએ વળતા પ્રહારમાં વાઈરસ જ્યાંથી ઉદ્ભવ્યાની શંકા છે તેવા જંગલી પ્રાણીના બજારો બંધ કરવાની નિષ્ફળતા સાથે ચીને વિશ્વને જોખમમાં મૂક્યાનો આક્ષેપ કર્યો હતો. બિલ્ડના કોરોના વાઈરસ ઈનવોઈસમાં ૫૦ બિલિયન યુરો નાના બિઝનેસીસને નુકસાન, ૨૪ બિલિયન યુરો પર્યટન નુકસાન, લુફ્થાન્સાને પ્રતિ કલાક ૧ મિલિયન યુરોનાં નુકસાનનો પણ સમાવેશ કરાયો છે. જોકે, જર્મન સરકારે ચીન પાસેથી વળતર મેળવવાના વિચારને ભ્રામક ગણાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter