કોરોના કટોકટીઃ થોડામાં ઘણું

Wednesday 06th May 2020 01:44 EDT
 

 • ઈઝરાયલે કોરોના વાઈરસ સામેના જંગમાં ચાવીરુપ કોરોના વાઈરસ એન્ટિબોડી અલગ તારવવાની મોટી સફળતાનો દાવો કર્યો છે. ઈઝરાયલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચ (IIBR) દ્વારા તેની લેબોરેટરીમાં ‘મોનોક્લોનલ નેચરાલાઈઝિંગ એન્ટિબોડી’નો વિકાસ કરાયો છે, જે કોવિડ-૧૯ મહામારી માટે સંભવિત સારવાર તરફનું મહત્ત્વપૂર્ણ સાધન બની શકે છે. ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર નાફ્ટાલી બેનેટે જણાવ્યું છે કે વિકસાવાયેલું એન્ટિબોડી રોગના વાહકોના શરીરમાં રોગનું કારણ કોરોના વાઈરસને અસરહીન બનાવી શકે છે. IIBRના ડાયરેક્ટર શ્મુઅલ શાપિરાએ જણાવ્યા અનુસાર એન્ટિબોડી ફોર્મ્યુલાને પેટન્ટ કરી રહી છે જેના પછી તેના સામૂહિક ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય ઉત્પાદકોનો સંપર્ક કરાશે.

• યુકેના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જોનાથન વાન-ટામે ચેતવણી આપી છે કે કોરોના રોગના દર્દીઓનાં શરીર દ્વારા પેદા કરાયેલા એન્ટિબોડીઝ તે દર્દીને થોડાં વર્ષ પછી ફરી વખત કોરોનાથી સંક્રમિત થતા બચાવી શકશે કે કેમ તે વિશે હજુ શંકા છે. તેમણે કહ્યું હતું કે જે લોકો કોવિડ-૧૯માંથી સાજા થયા છે તેમાંથી બહુમતી લોકોના શરીરમાં રક્તપ્રવાહમાં એન્ટિબોડીઝ મળ્યા છે. જોકે, પ્રશ્ન એ છે કે આ એન્ટિબોડીઝ વધુ ચેપ લાગવા સામે તમારા શરીરને રક્ષણ આપી શકશે? હજુ તો આ રોગચાળો ગયો નથી ત્યારે આ પ્રશ્નનો ચોક્કસ જવાબ મેળવવામાં લાંબો સમય લાગી જશે. અન્ય હ્યુમન કોરોના વાઈરસીસના પ્રતિકારમાં પેદા થયેલા એન્ડિબોડીઝ વર્ષોના વર્ષો સુધી કાયમ રહેતા નથી અને કોવિડ-૧૯ બાબતે શું થશે તેની ખબર નથી. દરમિયાન, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે તેમને કોવિડ-૧૯ થઈ ગયો હોવાં છતાં, ભીડવાળા રુમમાં જવાનું તેમને કોઈ આશ્વાસન નહિ આપે.

• કોરોના મહામારીમાં અછત ધરાવતા સ્રોતોનો લાભ કોને મળી શકે તે બાબતે ઉંમર મહત્ત્વનું પરિબળ બની રહેશે. કોરોનાગ્રસ્ત યુવાન દર્દીઓને સારવારમાં પ્રાથમિકતા મુદ્દે ચાલતી ચર્ચામાં ન્યૂ યોર્કની NYU ગ્રોસમાન સ્કૂલ ઓફ મેડિસીન ખાતે બાયોથિક્સના પ્રોફેસર આર્થર કાપ્લાન કહે છે કે પેશન્ટની વયના માપદંડને ડેટાનું સમર્થન મળે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં કાપ્લાન લખે છે કે રેનલ ડાયાલિસિસ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી જીવ બચાવતી સુવિધા માટે દાયકાઓથી રેશનિંગ ચાલે છે અને વય તેમાં મોટી ભૂમિકા ભજવે છે. જોકે, આ સેવાઓની આવશ્યકતા હોય તેમને બાકાત રાખવામાં વયને આગળ ધરવાનું ભેદભાવપૂર્ણ ગણાશે. આમ છતાં, સ્રોતોની તંગીમાં સૌથી વધુ જિંદગી બચાવવાની હોય ત્યારે વધતી વય સાથે અસ્તિત્વની તક ઘટતી હોવાથી વયનું પરિબળ ધ્યાનમાં લેવું પડે છે.

• અમેરિકા લોકડાઉન હળવું કરી રહ્યું છે ત્યારે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)ના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઓગસ્ટ મહિના આરંભ સુધીમાં કોવિડ-૧૯થી મોત પામનારાની સંખ્યા આશરે ૧૩૫,૦૦૦ થઈ જશે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે મે ૧૧ સુધીમાં ૩૧ રાજ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાં હળવાં થવા સાથે લોકોમાં સંપર્કો વધવાથી નોવેલ કોરોના વાઈરસનું સંક્રમણ વધી જશે.

• કોરોના વાઈરસ સામે જંગમાં ફરજ બજાવતા ચેપથી મોતને ભેટેલા ફ્રન્ટલાઈન NHS અને સોશિયલ વર્કર્સના પરિવારોને ૬૦,૦૦૦ પાઉન્ડ આપવાની હેલ્થ અને સોશિયલ કેર સેક્રેટરી મેટ હેનકોકની જાહેરાતને આવકાર અપાયો છે છતાં, PPE પર વિશેષ ધ્યાન આપવાની માગણી પણ થઈ છે. મૃતકોના રિલેટીવ્ઝે કહ્યું છે કે નાણાથી તેમનું નુકસાન ભરપાઈ થશે નહિ પરંતુ, ઘણા પરિવારોને મદદ મળી રહેશે. આમ છતાં, PPEની અછત અને વિતરણ જેવી ચાવીરુપ સમસ્યાઓ તેમજ હોસ્પિટલોએ પાલન કરવાની ગાઈડલાઈન્સ પર ધ્યાન અપાવું જોઈએ

• અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્ષેપ કર્યો છે કે નવેમ્બરમાં તેઓ ફરી ચૂંટાય નહિ તે માટે ચીન જે કરવું પડે તે કરી શકે તેની સાબિતી કોરોના વાઈરસ છે. તેમણે કહ્યું છે કે ચીન તેમના ડેમોક્રેટિક હરીફ જો બિડેન ચૂંટાઈ આવે તે માટે આકાશપાતાલ એક કરી રહ્યું છે. વિશ્વમાં કોરોના વાઈરસથી મૃતકોની સંખ્યામાં અમેરિકા સૌથી આગળ છે અને મોત વધતાં જાય છે ત્યારે રિપબ્લિકન પ્રમુખ ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવવાની આશા રાખે છે. ચીન સામે ટેરિફ્સ અથવા કરજ રાઈટ ઓફ કરવા સહિતના પગલાં વિચારતા હોવાના પ્રશ્ને ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઘણું કરી શકે છે.

• અભિનેતા ટોમ હેન્ક્સે કોરોના વાઈરસ સામે જંગ જીત્યા પછી બ્લડ પ્લાઝમા દાન કરવાની તસવીર જારી કરી છે. હોલીવૂડ સ્ટાર ટોમ અને તેની પત્ની રિટા વિલ્સનને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હતો અને તેઓ બંને તેમાંથી સાજા થયાં છે. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના લોહીમાં વાઈરસવિરોધી એન્ટિબોડીઝ હોય છે જેનાથી ચેપગ્રસ્તોને સાજા કરી શકાય તેનું પરીક્ષણ ચાલે છે. ઘણા કિસ્સામાં આ સારવાર સફળ નીવડી હોવાનું કહેવાય છે. યુકેમાં પણ સાજા થયેલા દર્દીઓ પોતાના બ્લડ પ્લાઝમા દાન કરી રહ્યા છે.

• યુકેમાં કોરોના વાઈરસનો ચેપ લાગવાનું ભારે જોખમ હોઈ શકે તેવી ચિંતા વચ્ચે બ્લેક, એશિયન અને માઈનોરિટી એથનિક (BAME) પશ્ચાદભૂ ધરાવતા NHS વર્કર્સનું ‘જોખમ મૂલ્યાંકન’ કરવા નવી ગાઈડલાઈન્સમાં જણાવાયું છે. NHS ઈંગ્લેન્ડના પત્રમાં હેલ્થ ટ્રસ્ટોને યોગ્ય વ્યવસ્તા વિચારવા કહેવાયું છે, જેમાં વંશીય લઘુમતી બેકગ્રાઉન્ડના હેલ્થ વર્કર્સને ફ્રન્ટલાઈન પરથી ખસેડી દર્દીઓની સામે ન રહેવું પડે તેવી ફરજ આપવાનો સમાવેશ થાય છે. સત્તાવાર ગાઈડન્સ જણાવે છે કે યુકે ડેટા અનુસાર આ વર્કર્સ કોવિડ-૧૯થી અપ્રમાણસર અસર પામે છે.

• કોરોના વાઈરસની મહામારી સામેના જંગમાં વિશ્વના મોટા ભાગના દેશો ડોક્ટર્સ અને નર્સીસની ભારે અછત અનુભવે છે. અમેરિકામાં કોરોનાનાં એપીસેન્ટર ન્યૂ યોર્કની હોસ્પિટલોમાં ડોક્ટર, નર્સ અને સ્વાસ્થ્યકર્મીઓની અછત વર્તાય છે. શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર માટે કૂક, રિસેપ્શનિસ્ટ, સફાઈકર્મી અને સિક્યોરિટી ગાર્ડ સહિત નોન-મેડિકલ સ્ટાફની મદદ લેવાઈ રહી છે. આ લોકોને દર્દીઓની સારવારમાં મદદ ઉપરાંત, દર્દીઓના બેડ ચેક કરવા અને તેમનો મેડિકલ રેકોર્ડ રાખવાની જવાબદારી પણ સોંપાઈ છે. આવા અનેક કર્મચારી કોરોના ચેપને કારણે જીવ પણ ગુમાવી ચૂક્યા છે.

ન્યૂ યોર્કની હોસ્પિટલોમાં કામ કરનારા ૭૯ ટકા નોન- મેડિકલ સ્ટાફ ડોક્ટર અને નર્સોની મદદમાં છે. હોસ્પિટલ કર્મચારી યુનિયનના કાર્મેન ચાર્લ્સ કહે છે કે ન્યુયોર્કની હોસ્પિટલોમાં ૮,૫૦૦ નોન મેડિકલ સ્ટાફ કામ કરે છે જે ખતરામાં છે કારણકે તેમને સુરક્ષા માસ્ક કે ગ્લોવ્ઝ જેવા સાધન અપાતાં નથી.

• કોરોના વાઈરસ સામેની લડાઈમાં હોસ્પિટલોમાં દાખલ ચેપગ્રસ્તો પર ટ્રાયલમાં ઈબોલા પેશન્ટ્સની સારવારમાં ઉપયોગમાં લેવાયેલી વૈશ્વિક દવા રેમડેસિવિરના સારા પરિણામ જોવાં મળ્યાં છે. રેમડેસિવિર દવા અપાયેલા પેશન્ટ્સમાં સાજા થવાનો દર પ્લેસિબો અપાયેલા પેશન્ટ્સની સરખામણીએ ત્રણ ગણો ઝડપી જણાયો હતો. પ્રાથમિક પરિણામો અનુસાર આ દવા અપાયેલા પેશન્ટ સમૂહમાં મૃત્યુદર ૮ ટકા જેટલો નીચો જણાયો હતો.

• કોરોના વાઈરસે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે વિચારતા કરી દીધાં છે. જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પહેલી વખત સંસદમાં નહિ પરંતુ, અન્ય સ્થળે સામાજિક અંતર સાથે બેઠક યોજાઈ હતી. જર્મનીના સાંસદોએ પહેલી વાર એક થિયેટરમાં બેઠક યોજી હતી જેમાં, આગામી કેટલાય મહિનાઓ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાનો સર્વસંમત નિર્ણય લેવાયો હતો. સ્વિટ્ઝરલેન્ડમાં પહેલી વાર ૪ દિવસનું કોવિડ-૧૯ વિશેષ સત્ર સંસદની અને શહેરની બહાર એક હોલમાં યોજાયું હતું. નોંધપાત્ર છે કે આ હોલમાં અત્યાર સુધી વ્યાપાર મેળાનું આયોજન થતું હતું.

• કોરોના વાઈરસ લોકડાઉને ઘણી જિંદગીઓ બદલી નાખી છે. સગાંસંબંધીના અંતિમસંસ્કાર પણ ઓનલાઈન જોવા પડે છે તો લગ્નો પણ ફેસબૂકના માધ્યમથી લાઈવ થાય છે. અમેરિકાના ઓહાયો રાજ્યમાં ઓટમ અને ક્રિસ્ટીયને મહેમાનો અને મિત્રો સમક્ષ ઘરના બગીચામાં ઓનલાઈન લગ્ન કર્યાં હતા. લગ્નું પ્લાનિંગ તો ઘણા સમય અગાઉ થયું હતું પરંતુ લોકડાઉન વેરી બન્યું હતું. વરરાજાના ભાઈએ પાદરીની ભૂમિકા ભજવી આ કપલના લગ્ન કરાવ્યા અને પાલતુ શ્વાનોએ નવવધૂની સખીઓની ગરજ સારી હતી.

• કોરોના વાઈરસ લોકડાઉનના કારણે લોકો ઘરમાં રહી કામ કરતા થયા છે. જોકે, ઘર અને ઓફિસમાં વર્ક કલ્ચર તદ્દન અલગ હોવાનો સર્વે રિસર્ચ એનાલિસ્ટ સંસ્થા YouGov દ્વારા કરાયો છે. આ સર્વે કહે છે કે ૪૭ ટકા અમેરિકન લોકો ઘરે કામ કરતી વખતે પેન્ટ પહેરતા નથી. ૩ ટકા મહિલાઓ વર્ક ફ્રોમ હોમમાં પેન્ટ નહિ પરંતુ, ખુલ્લા પાયજામા કે શોર્ટસ પહેરવાનું પસંદ કરે છે. અન્ય તારણો એવાં છે કે અમેરિકામાં ૩૯ ટકા લોકો વીડિયો કોલ પહેલાં વ્યવસ્થિત કપડાં પહેરે છે, ૭૦ ટકા મહિલા અને ૪૦ ટકા પુરુષ સાથે કુલ ૫૪ ટકા લોકો વીડિયો કોલિંગ શરુ થવાં પહેલાં વાળ સરખા કરે છે, ૧૯ ટકા લોકો મેકઅપ પણ કરે છે. વીડિયો કોલ પહેલાં ૫૧ ટકા લોકો મોઢું ધોઈ લે છે અને ૫૦ ટકા લોકો બ્રશ અને ૨૪ ટકા લોકો શેવિંગ કરે છે.

• યુકેમાં લોકડાઉને લોકોની આર્થિક હાલત ખરાબ કરી છે. નોકરીઓ ન રહેવાથી વિદ્યાર્થી અને સામાન્ય લોકો પણ ભાડું ચૂકવી શકે તેમ ન હોવાથી મકાનમાલિકો અને યુનિવર્સિટીઓએ તેમને કાઢી મૂક્યા છે. લંડનમાં શરુ કરાયેલી રેન્ટ સ્ટ્રાઈકમાં વિદ્યાર્થીઓ સાથે અન્ય લોકો પણ ભાડાંમાં છૂટછાટની માગણી સાથે સામેલ થયા છે. જોકે, મોટાભાગની યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનું ભાડું માફ કરી દેવાયું છે પરંતુ, ખાનગી મકાનમાલિકો ભાડું માફ કરવા તૈયાર નથી અને ઘણાં તો બમણું ભાડું માગી રહ્યા છે. સૌથી વધુ મુશ્કેલી સ્ટૂડન્ટ લોન કે મેન્ટેનન્સ લોન લેનારા ઘરેલુ વિદ્યાર્થીઓને છે તો બીજી તરફ, પાર્ટ ટાઇમ કામ કરી ખર્ચો કાઢતા વિદેશી વિદ્યાર્થીઓ માટે મકાન ભાડું ચુકવવું બહુ મુશ્કેલ થયું છે.

• કોરોના વાઈરસ સામેના જંગ સંદર્ભે ગ્રીનપીસ સંસ્થાએ કહ્યું છે કે મોટા ભાગના દેશો સંરક્ષણ બજેટ વધારે છે પરંતુ, તેનો  થોડો પણ હિસ્સો આરોગ્યક્ષેત્રે ખર્ચાય તો મોટા પાયે સુધારા થઇ શકે છે. સંસ્થાના રિપોર્ટ મુજબ એક યુદ્ધવિમાનને બદલે ૩,૨૪૪ આઇસીયુ બેડ સબમરીનના ખર્ચમાં આધુનિક સુવિધા સાથેની ૯,૧૮૦ એમ્બ્યુલન્સ તેમજ એક ટેન્કના ખર્ચમાં ૪૪૦ વેન્ટિલેટર્સ ખરીદી શકાય છે. આ ઉપરાંત, નાના મલ્ટિપર્પઝ જહાજની ખરીદી ન કરાય તો ૧૦,૬૬૨ ડોક્ટરોને આખા વર્ષનો પગાર પણ આપી શકાશે, એક ટ્રાઈડન્ટ મિસાઈલની કિંમતમાં ૧૭ કરોડ માસ્ક્સ ખરીદી શકાશે અને તોપના એક ગોળાની કિંમતમાં ૧૦૦ લોકોનો કોરોના ટેસ્ટ થઇ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter