લંડન
કોરોના મહામારીમાં તત્કાલિન ચાન્સેલર રિશી સુનાક દ્વારા જાહેર કરાયેલી યોજનાઓમાં થયેલી ભૂલો અને છેતરપિંડીમાં સલવાયેલી રકમમાંથી પૃથ્વીને ફરતે એક પાઉન્ડના સિક્કાની ચાર હાર બનાવી શકાય. રિશી સુનાક પર કરદાતાઓના નાણા ક્રિમિનલ ગેંગોને ઓળવી જવાની પરવાનગી આપવાનો આરોપ મૂકાયો છે. બિઝનેસ અને વ્યક્તિગતોને અપાયેલી સહાયમાં ભૂલથી અથવા તો છેતરપિંડી દ્વારા 6.7 બિલિયન પાઉન્ડનું કૌભાંડ થયું હોવાનો અંદાજ છે. જો એક પાઉન્ડના સિક્કાની હાર બનાવવામાં આવે તો તે 97,419 માઇલ જેટલી લાંબી હાર બની શકે છે તે પૃથ્વીને ફરતે 3.9 વખત એટલે કે 4 વખત લપેટી શકાય છે.
લેબર પાર્ટીના શેડો ચાન્સેલર રીવ્ઝે જણાવ્યું હતું કે, લોકો આવક માટે આકરી મહેનત કરીને સરકારને ટેક્સ ચૂકવે છે. જનતા ઇચ્છે છે કે તેમણે ચૂકવેલા ટેક્સના નાણાનો ઉપયોગ પ્રામાણિકતાથી કરવામાં આવે. તેમણે આરોપ મૂક્યો હતો કે ટોરી પાર્ટીએ સર્જેલી આર્થિક અંધાધૂંધીના પરિણામ જનતા અને વેપાર ધંધા ભોગવી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન રિશી સુનાકે ભૂલો સુધારીને કોવિડ ફ્રોડમાં જનતાના ગુમાવેલા નાણા પરત મેળવવાનો આકરો પ્રયાસ કરવો જોઇએ. કર્મચારીઓની ફર્લો સ્કીમ પાછળ 3.5 બિલિયન પાઉન્ડ ખર્ચવામાં આવ્યા હતા. આ એક મોટી ભૂલ અથવા તો ફ્રોડ હતાં. સરકાર આ પ્રકારની યોજનાઓમાં ફક્ત 770 મિલિયન પાઉન્ડની જ વસૂલાત કરી શકી છે.


