લંડનઃ કોરોના મહામારી બાદ દેશમાં મકાન ભાડામાં તીવ્ર વધારો નોંધાયો છે. ઝૂપલાના એક રિપોર્ટ અનુસાર નવા ભાડૂઆતને અગાઉની સરખામણીમાં માસિક સરેરાશ 270 પાઉન્ડ ભાડુ વધારે ચૂકવવું પડે છે.
2021માં લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ ભાડાના મકાનની માગ વધતાં મકાન ભાડામાં વધારો શરૂ થયો હતો. છેલ્લા 3 વર્ષમાં મકાન ભાડું વાર્ષિક 27 ટકા સુધી એટલે કે 3240 પાઉન્ડ વધી ગયું છે. કોરોના મહામારી અગાઉ આ સરેરાશ વધારો 19 ટકાની આસપાસ રહેતો હતો.
પ્રોપર્ટી પોર્ટલના જણાવ્યા અનુસાર 2024માં મકાન ભાડા વધવાની ગતિમાં ઘટાડો થયો છે કારણ કે ભાડૂઆતોને આટલા મોંઘા ભાડા પોષાતા નથી. તાજેતરના વર્ષોમાં ભાડાના મકાનના માર્કેટમાં લાલચોળ તેજી જોવા મળી છે. ભાડૂઆતોમાં પણ જાણે કે પ્રોપર્ટી મેળવવાની હોડ જામી છે. કોરોના મહામારી પહેલાની સરખામણીમાં ભાડાના મકાનની માગમાં 33 ટકાનો વધારો નોંધાયો છે.
મકાન ભાડા આસમાને પહોંચે તે પહેલાં ભાડૂઆતો ઝડપથી મકાન પ્રાપ્ત કરવા એજન્ટોને સીવી જેવા લેટર્સ લખી રહ્યાં છે. જોકે પ્રોપર્ટી માર્કેટમાં 80 ટકા કરતાં વધારે હિસ્સો ધરાવતું ઝુપપલા કહે છે કે હવે માર્કેટ થોડું મંદ પડી રહ્યું છે.


