કોરોના મહામારી બાદ જોબ રિકવરીમાં બ્રિટનનો સૌથી બદતર દેખાવ

બે વર્ષમાં આર્થિક રીતે નિષ્ક્રિય લોકોની સંખ્યામાં 6 લાખનો ઉમેરો

Wednesday 16th November 2022 04:34 EST
 
 

લંડન

કોરોના મહામારી બાદ નોકરીઓના મામલામાં વિશ્વમાં સૌથી ખરાબ દેખાવ કરનારા દેશોમાં બ્રિટનનો સમાવેશ કરાયો છે. એક નવા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે 2023માં વિકસિત દેશોમાં બ્રિટન એકમાત્ર એવો દેશ બની રહેશે જ્યાં રોજગારનો દર સૌથી નીચો રહેશે. ઇન્સ્ટિટ્યુટ ફોર એમ્પ્લોયમેન્ટ સ્ટડીઝે જણાવ્યું છે કે બ્રિટનમાં કોરોના મહામારી પહેલાંના સ્તર કરતાં પણ નોકરી કરનારાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 2019માં આર્થિક રીતે નિષ્ક્રિય હતા તેવા લોકોની સંખ્યામાં અત્યારે 6 લાખનો ઉમેરો થઇ ચૂક્યો છે. જોબ રિકવરીના મામલામાં બ્રિટન કરતાં પણ ખરાબ દેખાવ કરનારા દેશોમાં ફક્ત લેટવિયા અને સ્વિત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. 2023માં બ્રિટન વિકસિત દેશોમાં એકમાત્ર દેશ બની રહેશે જ્યાં 2019ની સરખામણીમાં ઓછા લોકો નોકરી કરતા હશે. નિષ્ણાતોનું કહેવું છે કે બેરોજગારી ભથ્થા માટે દાવો કરનારા લોકોની સંખ્યા ઓછી હોવાના કારણે આ ગંભીર સમસ્યા નજરે પડી રહી નથી.

આઇઇએસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાદુરસ્ત આરોગ્ય અને વહેલી નિવૃત્તિના કારણે નોકરિયાતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. 2019ની સરખામણીમાં ખરાબ તબિયતના કારણે નોકરી છોડી દેનારાની સંખ્યા બે લાખથી વધુ છે. છેલ્લા બે વર્ષમાં 50,000 કરતાં વધુ લોકો વહેલી નિવૃત્તિ લઇ ચૂક્યાં છે. દેશમાં વિકલાંગો માટેના રોજગારની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આઇઇએસે રિશી સુનાક સરકારને આ સમસ્યા પર ધ્યાન આપવાની અપીલ કરતાં જણાવ્યું છે કે સરકાર પાસે ભવિષ્યના નિર્માણ માટેની વાસ્તવિક તક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter