કોરોના મહામારી માટેની સ્કીમોમાં 6.4 બિલિયન પાઉન્ડના ફ્રોડનો આરોપ

સૌથી વધુ છેતરપિંડી ઇટ આઉટ હેલ્પ આઉટ સ્કીમમાં થઇ હોવાનો અંદાજ

Wednesday 27th July 2022 07:33 EDT
 

લંડન

રેવન્યુ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના સુધારેલા અંદાજ પ્રમાણે બ્રિટનમાં કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓમાં 3.2 બિલિયનથી 6.4 બિલિયન પાઉન્ડની છેતરપિંડીઓ આચરવામાં આવી હોવાનો અંદાજ છે. ડિપાર્ટમેન્ટના વર્ષ 2021-22 માટેના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસ જોબ રિટેન્શન સ્કીમ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇનકમ સપોર્ટ સ્કીમ અને ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમમાં આ છેતરપિંડીઓ આચરવામાં આવી છે.

એચએમઆરસીના વાર્ષિક રિપોર્ટ અનુસાર આ ત્રણ સ્કીમ પાછળ કુલ 98.2 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો હતો. 28.1 બિલિયન પાઉન્ડ એસઇઆઇએસએસ સ્કીમ અને 840 મિલિયન પાઉન્ડ ઇટ આઉટ હેલ્પ આઉટ સ્કીમ પાછળ ખર્ચાયા હતા. કોરોના વાઇરસ જોબ રિટેન્શન સ્કીમ પાછળ 69.3 બિલિયન પાઉન્ડનો ખર્ચ થયો હતો. સૌથી વધુ ફ્રોડ ઇટ આઉટ હેલ્પ આઉટ સ્કીમમાં થયું છે.

સુનાકની નીતિઓના કારણે અબજો પાઉન્ડનો ચૂનો લાગ્યો હોવાનો આરોપ

કોરોના કાળમાં સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્કીમોમાં ફ્રોડ અને ખામીઓના કારણે બ્રિટિશ તિજોરીન અબજો પાઉન્ડનો ચૂનો લાગ્યો હોવાનો આરોપ ટોરી પાર્ટીના વરિષ્ઠ સાંસદો દ્વારા લગાવવામાં આવ્યો છે અને આ માટે તેઓ તત્કાલિન ચાન્સેલર રિશિ સુનાકની નીતિઓને જવાબદાર ગણાવી રહ્યાં છે. પોતાની જ પાર્ટીના સાંસદો દ્વારા મૂકાયેલા આરોપોના કારણે સુનાકે પોતાના બચાવમાં આગળ આવવું પડ્યું છે. તેઓ પોતાને જાહેર નાણાના રખેવાળ તરીકે રજૂ કરી રહ્યાં છે.

ટોરી પાર્ટીના વરિષ્ઠ સાંસદો સુનાક પર પોતાની કામગીરીના બણગા ફૂંકવાના આરોપો મૂકી રહ્યાં છે. તેમનો આરોપ છે કે સુનાક મહામારીના ખર્ચાઓ માટે કરવેરામાં વધારો કરવાની વાત કરી રહ્યાં છે. હાલ દેશમાં 1940ના  દાયકા પછી કરવેરા સૌથી ટોચની સપાટી પર છે.

બ્રિટનમાં કોરોનાના દર્દીઓમાં ગળાની ખારાશ સૌથી સામાન્ય લક્ષણ

બ્રિટનમાં કોરોનાના કેસ ઘટી રહ્યાંના સંકેતો મળી રહ્યાં છે પરંતુ ઓમિક્રોનના બે વેરિઅન્ટ બીએ.4 અને બીએ.5 હજુ પણ લોકોને સંક્રમિત કરી રહ્યાં છે. વાઇરસના સૌથી સામાન્ય લક્ષણોમાં પણ હવે બદલાવ આવ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના તાજેતરના આંકડા અનુસાર 15 જુલાઇથી સાત દિવસમાં કોરોનાના 150591 નવા કેસ નોંધાયા હતા જે અગાઉના સપ્તાહ કરતા 14.4 ટકાનો ઘટાડો દર્શાવે છે.

હવે નોંધાઇ રહેલા કોરોનાના કેસમાં ગળાની ખારાશ સૌથી સામાન્ય લક્ષણ બની રહી છે. ઝૂ હેલ્થ સ્ટડી એપના અનુસાર હાલ 3 લાખ સક્રિય કેસ છે જેમાંથી 58 ટકા દર્દીઓમાં ગળાની ખારાશનું લક્ષણ જોવા મળ્યું છે. ત્યારબાદ માથાનો દુખાવો,  બંધ નાક અને ખઆંસી જેવા લક્ષણો જોવા મળે છે.

આ એપના અગ્રણી વૈજ્ઞાનિક ટીમ સ્પેક્ટરે જણાવ્યું હતું કે, હજુ કોરોના વાઇરસ પ્રસરી રહ્યો છે. જો તમને શરદી જેવા લક્ષણ જણાય તો  તે કોરોના હોવાની સંભાવના બમણી થઇ જાય છે. રસી લેનારા અને ભૂતકાળમાં સંક્રમિત થયેલા લોકો પણ ફરીથી કોરોનાના ચેપનો શિકાર બની રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter