કોરોના મહામારીમાં 140 બિલિયન પાઉન્ડનું પેકેજ આપવા માટે સુનાકને અફસોસ

વ્યવસાયોને અપાયેલી સહાય મર્યાદા કરતાં વધુ હતી જેના કારણે નબળી કંપનીઓ બજારમાં ટકી રહી અને અર્થતંત્ર ખોરવાયુઃ પૂર્વ વડાપ્રધાન

Tuesday 07th July 2026 10:41 EDT
 
 

લંડનઃ એક અખબારી આર્ટિકલમાં પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે સ્વીકાર્યું છે કે કોરોના મહામારી અમલમાં મૂકાયેલી કટોકટીની આર્થિક સહાયે અર્થતંત્રની કુદરતી પ્રક્રિયાઓને અવરોધિત કરી હોઈ શકે છે. સરકાર દ્વારા વ્યવસાયોને સહાય આપવા માટે આશરે 140 બિલિયન પાઉન્ડનું બેલઆઉટ પેકેજ જાહેર કરાયુ ત્યારે રિશી સુનાક ચાન્સેલર હતા. તેમણે જણાવ્યું હતું કે, તે સમયે વૈશ્વિક મહામારીને કારણે સરકારે અત્યંત ઝડપથી નિર્ણયો લેવા પડ્યા હતા અને ઉતાવળમાં આ બિઝનેસ સપોર્ટ સ્કીમ્સ તૈયાર કરવી પડી હતી.

વર્તમાન પરિસ્થિતિને જોતાં સુનાકે ચિંતા વ્યક્ત કરી છે કે આ કટોકટીના પગલાંઓએ કદાચ એવી નબળી કંપનીઓને લાંબા સમય સુધી જીવંત રાખી જે વાસ્તવમાં બંધ થઈ જવી જોઈતી હતી. નિષ્ફળ જતા વ્યવસાયો બંધ થાય અને તેમના સ્થાને વધુ મજબૂત કંપનીઓ આગળ આવે ત્યારે જ અર્થતંત્ર શ્રેષ્ઠ રીતે કામ કરે છે. આ પ્રક્રિયાને તેમણે ક્રિએટિવ ડિસ્ટ્રક્શન તરીકે ઓળખાવી છે.

 તેમણે લેબર સરકારની વર્તમાન નીતિઓ, ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ રાઈટ્સ એક્ટની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ કાયદાએ બ્રિટનના ફ્લેક્સિબલ લેબર માર્કેટને નબળું પાડ્યું છે. સરકારે દરેક નાના-મોટા વ્યવસાયને બચાવવાનો પ્રયાસ બંધ કરવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter