લંડનઃ ઈંગ્લેન્ડમાં બાળશોષણ, બેદરકારી અને ગરીબીની પણ મહામારીનો ઘટસ્ફોટ થયો છે. કોરોના મહામારીના ગાળામાં ઈંગ્લેન્ડની કેટલીક સૌથી કચડાયેલી કોમ્યુનિટીઓના બાળકોને મોટા પ્રમાણમાં સોશિયલ સર્વિસ કેર હસ્તક લેવાયાં હતા. બાળઉછેરના સ્થળોની તંગી અને કાઉન્સિલના બજેટ્સ પર ભાર પડેલો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં સોશિયલ સર્વિસના રેફરલ્સમાં ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ગાર્ડિયન અખબાર દ્વારા મહામારીના ગત ૧૮ મહિનામાં કરાયેલી તપાસમાં લોકડાઉન્સ દરમિયાન સોશિયલ સર્વિસના રેફરલ્સમાં તીવ્ર ઉછાળો, મેન્ટલ હલ્થ સપોર્ટનો આસમાને જતા ખર્ચા અને કોરોના વાઈરસના કારણે વધુપડતા બોજા હેઠળ દબાયેલી કાઉન્સિલોની જાણકારી મળી હતી. સેલ્ફ આઈસોલેશન અને હોમ સ્કૂલિંગના લીધે પરિવારોમાં બેરોજગારી અને ગુમાવેલા વેતન, માનસિક આરોગ્યની સમસ્યાઓ અને વધેલા વ્યસનના સમયમાં નાણાકીય બોજો વધ્યો હતો. કેટલીક લોકલ ઓથોરિટીઝે બાળકો માટેની સર્વિસીસ પાછળ ૧૨ મિલિયન પાઉન્ડ સુધીનો વધુ ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે.
લંડનમાં ૫૦૦ જટલા બાળઉછેર કેન્દ્રોની અછત સર્જાવાથી કાઉન્સિલોએ લોકલ ઓથોરિટી કરતા બમણાં ભાવ વસુલતી ખાનગી પેઢીઓ સામે હરીફાઈ કરવી પડી હતી. કેટલાક બાળકોને ખાનગી સ્થળોમાં મૂકવાથી કાઉન્સિલોએ સપ્તાહમાં આશરે ૧૦,૦૦૦ પાઉન્ડ જેટલો ખર્ચ કરવો પડે છે. રોશડેલ (ગ્રેટર માન્ચેસ્ટર), હલ, નોસ્લી ( મર્સીસાઈડ)માં પણ બાળકોની સંભાળ લેતા કેરર્સની ભારે અછત જોવા મળી હતી. ઈંગ્લેન્ડમાં સૌથી ઓછી આવક ધરાવતી મિડલ્સબરો ઓથોરિટીમાં ગયા વર્ષે સોશિયલ સર્વિસના રેફરલ્સમાં ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો.