લંડન
બ્રિટનમાં દર 12 પૈકીનો એક બિઝનેસ કોરોના મહામારી દરમિયાન લીધેલી સરકાર સમર્થિત લોન ચૂકવવામાં નિષ્ફળ ગયો છે. બિઝનેસ, એનર્જી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં બાકી સરકાર આ પ્રકારની બાકી લોનની ચૂકવણી માટે 414 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી ચૂકી છે. હજુ તો આ પ્રારંભિક આંકડા છે. અંતિમ આંકડા ઘણા ઊંચા જઇ શકે છે. કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા 77.1 બિલિયન પાઉન્ડની લોન વેપાર ઉદ્યોગોને અપાઇ હતી. તેની રિકવરી માટે સરકારે 40 ટકા જેટલી રકમ ખર્ચી નાખવી પડશે.
કોરોના મહામારીના પ્રારંભે લદાયેલા લોકડાઉનના કારણે બંધ થઇ ગયેલા વેપાર-ઉદ્યોગને મદદ માટે સરકારે 3 લોન યોજના શરૂ કરી હતી. જેમાં બેન્કો દ્વારા અબજો પાઉન્ડ લોન તરીકે અપાયા હતા. લોન આપવા માટે બેન્કોને પ્રોત્સાહિત કરવા સરકાર એમ જણાવ્યું હતું કે, જો તેઓ લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ જશે તો સરકાર તેની ચૂકવણી કરશે.
હવે પહેલીવાર આંકડા જાહેર થઇ રહ્યાં છે. મેટ્રો બેન્ક અને બાર્કલેઝ દ્વારા સૌથી મોટી રકમના દાવા સરકાર સમક્ષ કરાયા છે. સરકાર મેટ્રો બેન્કને 122 મિલિયન પાઉન્ડ અને બોર્કલેઝને 88 મિલિયન પાઉન્ડ બાઉન્સ બેક થયેલી લોન માટે ચૂકવી રહી છે. ટાઇડ અને કેપિટલ ઓન ટેપ નામની નાની સંસ્થાઓએ તેમણે આપેલી લોનના 25 ટકા જેટલી રકમ પરત મેળવવા સરકાર સમક્ષ દાવો કર્યો છે.

