લંડનઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ કોવિડ-૧૯ સામેના યુદ્ધમાં બ્રિટિશ વિજ્ઞાનીઓ અગ્રેસર છે અને સંભવિત સારવાર માટે આગામી સપ્તાહથી ક્લિનિકલ પરીક્ષણો શરૂ કરી દેવાશે. યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન ખાતે સંશોધકોની ટીમ શ્વાસમાં લઈ શકાય તેવી દવા SNG001 માટે આશા ધરાવે છે. આ દવા ફેફસાનાં ગંભીર રોગના વાઈરસને હટાવવા સક્ષમ છે અને કોરોના સામે તે અસરકારી બને તેવી આશા છે. પ્રોફેસર ટોમ વિલ્કિન્સનની આગેવાની હેઠળની ટીમ યુનિવર્સિટી હોસ્પિટલ સાઉધમ્પ્ટનમાં ૧૦૦ પેશન્ટ્સ અને અન્ય ૧૦ NHS હોસ્પિટલોમાં પણ તેની ટ્રાયલ કરવાની છે.
વિશ્વમાં કોરોનાના કેસ ૨૨૫,૦૦૦ને આંબી ગયા છે ત્યારે તેની વેક્સિન વિકસાવવા વિજ્ઞાનીઓ દિવસરાત એક કરી રહ્યા છે. યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનના સંશોધકોની ટીમ પણ તેમાં સામેલ થઈ છે. તેમના માનવા અનુસાર ફેફસાનાં ગંભીર રોગના વાઈરસને હટાવવા અક્સીર રહેલી દવા SNG001 કોવિડ-૧૯ વિરુદ્ધ પણ કામ કરશે. સંશોધકો આગામી સપ્તાહથી SNG001ના ક્લિનિકલ પરીક્ષણો શરૂ કરશે. આ દવા અસ્થામાં ગંભીર દર્દીઓમાં ફેફસાની એન્ટિવાઈરલ કામગીરીને વધારી શરદી અથવા ફ્લુના ચેપમાં ફેફસાનું કાર્ય સુધારે છે.
રેસ્પિરેટરી મેડિસીનના પ્રોફેસર ટોમ વિલ્કિન્સને જણાવ્યું છે કે આપણે મહામારી વિશે દરરોજ કશું નવું જાણીએ છીએ. આ દવા કામ કરી શકે કે નહિ તેનો અભ્યાસ પણ જરૂરી છે. ટ્રાયલમાં ભાગ લેનારાને કોવિડ-૧૯ની વર્તમાન સારવાર સાથે પ્લેસિબો અથવા કુદરતી રીતે પ્રાપ્ય એન્ટિવાઈરલ પ્રોટીન ‘ઈન્ટરફેરોન બીટા ૧એ (IFN-beta)’ ધરાવતી ખાસ દવા SNG001 ૧૪ દિવસ સુધી અપાશે. યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનના પ્રોફેસરો સ્ટીફન હોલગેટ, ડોના ડેવિસ અને રેટકો જોકાનોવિક દ્વારા સ્થાપિત ડ્રગ ડેવલપમેન્ટ કંપની સીનેર્જેન સાથે મળી આ ટ્રાયલ હાથ ધરાનારા છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ક્લોરોક્વીન તેમજ એન્ટિ-ઈબોલા વાઈરસની સારવાર માટે વિકસાવાયેલી રેમ્ડેસિવિર દવા સહિત ચોક્કસ એન્ટિ-વાઈરસ દવાઓનો ઉપયોગ કોવિડ-૧૯ સામે કરી શકાય કે કેમ તેનું સંશોધન પણ ચાલી રહ્યું છે.