કોરોના વેક્સિનથી ગંભીર બીમારી કે મોતને અટકાવવા સામે પ્રશ્નાર્થ

Tuesday 03rd November 2020 09:33 EST
 

લંડનઃ બ્રિટિશ મેડિકલ જર્નલ લાન્સેટના એસોસિયેટ એડિટર પ્રોફેસર પીટર દોશીએ ચેતવણી ઉચ્ચારી છે કે કોવિડ-૧૯ વેક્સિન્સ લોકોને કદાચ ગંભીરપણે બીમાર થતા કે મૃત્યુ પામતા અટકાવી નહિ શકે. સૌથી વધુ ચિંતા વયોવૃદ્ધ લોકોની છે જેમના માટે કોરોના વાઈરસનો ચેપ લાગવાનું જોખમ સૌથી વધારે રહે છે. સામાન્ય રીતે ૬૦થી વધુ વર્ષનાં લોકોમાં રોગ પ્રતિકારક સિસ્ટમ પણ વૃદ્ધાવસ્થામાં આવી જવાથી વેક્સિન પણ બરાબર કામ આપતી નથી.

કોવિડ- ૧૯ની પ્રોયોગિક રસી વ્યક્તિને સંક્રમિત થવાથી બચાવી શકશે કે નહિ તે બાબતે હજારો વોલન્ટીઅર્સ પર ટ્રાયલ્સ થઈ રહી છે. જોકે, પ્રોફેસર પીટર દોશીએ એક લેખમાં જણાવ્યું છે કે વોલન્ટીઅર્સને ગંભીર બીમારી લાગે કે મોત થાય તેની સામે કેવી સુરક્ષા મળશે તે બાબત ચકાસવા વિજ્ઞાનીઓ રાહ જોઈ રહ્યા નથી. વેક્સિન બહાર આવે તે પહેલા જો તે સારી કામગીરી ન બજાવે તો આમ થઈ શકે છે.

યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડના પ્રોફેસર દોશીએ જણાવ્યા અનુસાર લોકો વચ્ચે સંક્રમણ અટકાવી શકાય તે પણ  અભ્યાસોમાં પૂરવાર થતું નથી. જે લોકોને સંક્રમણ લાગે છે તે પોતાના મિત્રો કે પરિવારને ચેપ લગાવે છે કે કેમ તેની ચકાસણી પણ વિજ્ઞાનીઓ કરી રહ્યા નથી. વેક્સિનની શોધમાં અગ્રણી મોડેર્ના, ફાઈઝર, એસ્ટ્રેઝેનેકા, જાન્સેન, સિનોફાર્મ અથવા સિનોવેકમાંથી કોઈ પણ તેમના આખરી તબક્કાની ટ્રાયલ્સમાં તેમની વેક્સિન્સ લોકોની જાન બચાવશે તેનું માપ કાઢી રહ્યા નથી. કેટલા લોકોને કોરોના વાઈરસ લાગે છે તેની સંખ્યા જોવા વિજ્ઞાનીઓ રાહ જુએ છે જેથી, પ્લેસીબો ગ્રૂપ કે પ્રાયોગિક કોવિડ- ૧૯ રસી મેળવનારામાંથી કોનામાં સંક્રમણ દર ઊંચા છે તેની સરખામણી કરી શકાય.

જોકે, પ્રોફેસર દોશીના લેખના પ્રતિભાવમાં વિજ્ઞાનીઓનું કહેવું છે કે ટ્રાયલ્સ ચલાવવાના શ્રેષ્ઠ કારણો પણ છે જેમાંથી મુખ્ય કારણ કોવિડ-૧૯થી ઓછાં લોકો તીવ્રપણે બીમાર પડે તે માટે વેક્સિનની શોધમાં ઝડપ લાવવાનું છે અન્યથા તેને શોધવામાં વર્ષો લાગી જતાં હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter