લંડનઃ ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર જોનાથન વાન-ટામે કહ્યું છે કે કોરોના મહામારીનો અંત આવ્યો નથી. જોકે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના નવા સત્તાવાર અંદાજ અનુસાર વેક્સિનેશન અભિયાનના કારણે ૬૦,૦૦૦ જેટલા કોરોના વાઈરસ મોત અને ૨૨ મિલિયન લોકોને સંક્રમિત થવાથી બચાવી શકાયા છે. PHEના નવા અંદાજ મુજબ વયસ્ક વસ્તીના ૯૫.૫ ટકા લોકોમાં હવે ઈન્ફેક્શન અથવા વેક્સિનેશનના પરિણામે કોવિડ-૧૯ના સામે એન્ટિ-બોડીઝ સર્જાયા છે અને દેશ કદાચ ‘હર્ડ ઈમ્યુનિટી’ તરફ આગળ વધી રહ્યો હોવાની આશા સર્જાઈ છે.
પ્રોફેસર વાન-ટામે કહ્યું છે કે વેક્સિનેશન પ્રોગ્રામને વ્યાપક સફળતા સાંપડી છે. જોકે, તેમણે એક વરિષ્ઠ મિનિસ્ટરના તાજેતરના ‘કોરોના કટોકટી બૂમબરાડાને બાજુએ રાખતા ખતમ થઈ’ હોવાના દાવાને સ્પષ્ટપણે ફગાવી જણાવ્યું હતું કે ‘મહામારીનો હજુ અંત આવ્યો નથી. મોટા ભાગે ખરાબ હાલત પાછળ રહી ગઈ છે પરંતુ, ઓટમ અને વિન્ટરમાં હજુ એક-બે ઉછાળા આવવાની સંપૂર્ણ શક્યતા છે.’
ઉલ્લેખનીય છે કે ફ્રીડમ ડે અગાઉ, ૧૭ જુલાઈએ ૫૪,૬૭૪ કેસ નોંધાયા પછી ધીરે ધીરે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. એક સપ્તાહ સુધી કેસીસ સતત ઘટ્યા પછી ગુરુવાર ૨૯ જુલાઈએ ૩૧,૧૧૭ સંક્રમિત કેસ નોંધાયા હતા જે બુધવાર કરતાં ૩૫૦૦ વધુ હતા. આ ઉપરાંત ગુરુવારે વધુ ૮૫ના અને સપ્તાહમાં કુલ ૪૯૯ મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોના વાઈરસથી કુલ મોતની સંખ્યા ૧૨૯,૫૧૫ની થઈ હતી.