કોરોનાએ આઝાદી છીનવીઃ લેસ્ટરમાં લોકલ લોકડાઉન લાગુ

Wednesday 01st July 2020 06:20 EDT
 
 

લેસ્ટરઃ યુકેમાં સૌપ્રથમ સ્થાનિક લોકડાઉન લેસ્ટરમાં દાખલ કરાયું છે. લેસ્ટરના લોકોને નવી આઝાદી મળે તે પહેલા જ છીનવાઈ ગઈ છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કોરોના વાઇરસના કેસીસમાં નોંધપાત્ર ઉછાળો આવવાના કારણે લેસ્ટર અને આસપાસના વિસ્તારોમાં ફરી કોરોના લોકડાઉન લાદવાની જાહેરાત હાઉસ ઓફ કોમન્સમાં કરી છે. આ નિયંત્રણો ઓછામાં ઓછાં બે સપ્તાહ સુધી અમલી રહેશે.
આ જાહેરાત અનુસાર મંગળવારથી બિન-આવશ્યક શોપ્સ બંધ કરી દેવાઇ છે અને ગુરુવારથી મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે શાળાઓ આગામી ટર્મ સુધી બંધ રહેશે. આ ઉપરાંત, ૪ જુલાઈથી દેશભરમાં જે નિયંત્રણો હળવાં થઈ રહ્યા છે તે લેસ્ટરમાં લાગુ કરાશે નહિ. ગત સપ્તાહમાં દેશભરમાં કોરોના પોઝિટિવ કેસીસ આવ્યા તેના ૧૦ ટકા તો લેસ્ટરમાં જોવાં મળ્યા છે. લોકોને આવશ્યકતા સિવાય ઘરની બહાર નહિ નીકળવા સલાહ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નિયંત્રણો હળવા કરવાની જાહેરાત વેળાએ જ પરિસ્થિતિ કાબુ બહાર જશે તો નિયંત્રણો ફરી લાદવાની ચેતવણી આપી હતી. બે દિવસ અગાઉ, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પણ લેસ્ટરમાં લોકડાઉન લાદવાની ફરજ પડશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. લેસ્ટર અને આસપાસના વિસ્તારોમાં કોરોના કેસમાં તીવ્ર ઉછાળો આવતા હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ફરી લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે.

દેશ ભલે ખૂલ્યો, અહીં બધું બંધ રહેશે

આ લોકડાઉનના પરિણામે દેશભરમાં ૪ જુલાઈથી હળવાં કરાનારા નિયંત્રણો લેસ્ટર અને આસપાસના વિસ્તારોમાં અમલી કરાશે નહિ. આનો અર્થ એ થાય છે કે રેસ્ટોરાં, પબ્સ, કાફેઝ, હેર ડ્રેસર્સ અને સિનેમા પણ ખુલી શકશે નહિ તેમજ સૌથી નિર્બળ- અશક્ત લોકોને વધુ સમય બહાર ગાળવાની છૂટછાટ ૬ જુલાઈથી મળવાની હતી તે પણ હવે મળશે નહિ. અગાઉ, ખોલવામાં આવેલી રિટેઈલ સહિત બિનઆવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ફરી બંધ કરાઇ છે. જોકે, આના પરિણામે, સ્થાનિક બિઝનેસીસ અને નોકરિયાતોમાં નિરાશા ફેલાઈ છે.

બાળકોના અભ્યાસને ગંભીર અસર

મહત્ત્વપૂર્ણ કર્મચારીઓના બાળકો અને અશક્ત બાળકો સિવાય તમામ વિદ્યાર્થીઓ માટે શાળાઓ આગામી ટર્મ સુધી બંધ રહેવાની છે. હેનકોકે શાળાઓ બંધ રાખવા વિશે જણાવ્યું હતું કે બાળકોને કોવિડ-૧૯થી સૌથી ઓછું જોખમ છે પરંતુ, તેઓ સંક્રમણ ફેલાવી શકે છે. લેસ્ટરમાં પાંચ શાળા તો કોરોના કેસના કારણે જૂનની શરૂઆતથી જ બંધ હતી પરંતુ, ગુરુવારથી બધી શાળા બંધ થતાં બાળકોના શિક્ષણને ગંભીર અસર થશે.

બે સપ્તાહમાં ૯૪૪ કોરોના કેસ

લેસ્ટર સિટી કાઉન્સિલે કહ્યું છે કે નવાં કડક નિયંત્રણો ઓછામાં ઓછાં બે સપ્તાહ અમલી રહેશે. કાઉન્સિલે કહ્યું છે કે રોગચાળાની શરૂઆત થઈ તે પછી લેસ્ટરમાં કોવિડ-૧૯ના ૩,૨૧૬ કેસ કન્ફર્મ થયાં છે. આમાંથી ૯૪૪ કેસ તો ગત બે સપ્તાહમાં જ જોવાં મળ્યા છે. લેસ્ટરનો સંક્રમણ દર પ્રતિ ૧૦૦,૦૦૦ વ્યક્તિએ ૧૩૫નો છે જે નજીકના સ્થાનિક એરિયાની સરખામણીએ ત્રણ ગણો છે. હોસ્પિટલોમાં એડમિશન્સ પણ રોજના ૬-૧૦ વચ્ચે રહે છે જે સામાન્ય કરતાં વધારે છે.

કેસ વધવાના કારણ અંગે મતભેદ

અલબત્ત, લેસ્ટરમાં ખરેખર કેસ વધી રહ્યા છે કે સારા પરીક્ષણોથી વધુ પ્રમાણમાં કેસ જોવા મળે છે તે મુદ્દે સરકારી અધિકારીઓ, સ્થાનિક રાજકારણીઓ અને વિજ્ઞાનીઓ વચ્ચે મતભેદ છે. નિષ્ણાતો કહે છે કે લેસ્ટરમાં જોખમનાં ઘણાં પરિબળો ઈંગ્લેન્ડના તમામ મોટાં શહેરોની સમાન જ છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને અગાઉ જ ચેતવણી ઉચ્ચારી હતી કે જો વાઇરસ ફરી ઉછાળો મારશે તો તેઓ લોકડાઉન હળવું કરવામાં બ્રેક મારતા અચકાશે નહિ. તેમણે કહ્યું હતું કે, ‘સરકારે ઘણી સારી કામગીરી કરી છે પરંતુ, સૌથી મોટી વાત તો પબ્લિકે સારી રીતે કર્યું તે છે. જેઓ મોટા સમૂહોમાં બહાર નીકળે છે તે લોકોને મારે કહેવું છે કે તમે કદાચ પોતાને અમર માનતા હશો, તમને સહન કરવું નહિ પડે પરંતુ, તમે જે વાઇરસ લઈ જાઓ છો તે તમારા પરિવાર અને મિત્રોને ખતમ કરી શકે છે.’

નિયંત્રણો આકરા, પણ આવશ્યકઃ મેયર

લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ કહ્યું હતું કે સરકારે લાદેલા નિયંત્રણો અમારી ધારણા કરતા વધુ કડક છે પરંતુ, કડક કાર્યવાહીની જરૂર અમે સમજીએ છીએ. આંકડા દર્શાવે છે તે કરતાં પણ લેસ્ટરમાં સંક્રમણનું સ્તર ઘણું ઊંચુ છે. લેસ્ટશાયર કાઉન્ટી કાઉન્સિલના નેતા નિક રશ્ટને કહ્યું હતું કે અમારી મુખ્ય ચિંતા રહેવાસીઓના રક્ષણની છે અને શહેરની નજીકના વિસ્તારોમાં પણ નિયંત્રણો યોગ્ય જ છે. નાગરિકોને વિવિધ ભાષાઓમાં કોરોના વાઇરસ વિશે વધુ જાગૃત કરવા સરકાર સિટી અને કાઉન્ટી કાઉન્સિલોને વધારાનું ભંડોળ પણ આપશે. શહેરમાં મોબાઈલ ટેસ્ટિંગ યુનિટ્સની સાથોસાથ વોક-ઈન ટેસ્ટ સેન્ટર્સ પણ ખોલવામાં આવશે.

લેસ્ટરમાં લોકડાઉનના શું નિયમો રહેશે?

• તમામ બિનઆવશ્યક ચીજવસ્તુની દુકાનો મંગળવારથી બંધ.
• ગુરુવારથી શાળાઓ બંધ થશે અને આગામી ટર્મ સુધી ફરી ખુલશે નહિ.
• જોકે, નિર્બળ-અક્ષમ બાળકો અને મહત્ત્વપૂર્ણ વર્કર્સના બાળકો માટે શાળાઓ ખુલ્લી રહેશે.
• લોકોએ લેસ્ટરમાં કે ત્યાંથી આવવા-જવાના અતિ આવશ્યક ન હોય તેવો પ્રવાસ ટાળવાનો રહેશે. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું જોઈએ.
• આ નિયંત્રણો માત્ર લેસ્ટર સિટીમાં જ નહિ, આસપાસના વિસ્તારોમાં પણ લાગુ કરાશે, જેમાં ઓડબી, બિરસ્ટાલ અને ગ્લેનફિલ્ડનો પણ સમાવેશ થાય છે.
• લેસ્ટશાયર કાઉન્ટી કાઉન્સિલ આ વિસ્તારો બાબતે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ સાથે વાતચીત કરી રહી છે.
• લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા તેમજ વારંવાર હાથ ધોવાનો અનુરોધ પણ કરાયો છે.
• ઈંગ્લેન્ડમાં ૪ જુલાઈથી કેટલાક નિયંત્રણો હળવાં થઈ રહ્યાં છે તેમાંથી લેસ્ટર બાકાત રહેશે. રેસ્ટોરાં, પબ્સ, કાફેઝ, હેર ડ્રેસર્સ અને સિનેમા બંધ રહેશે.
• સરકાર કોઈ પણ પગલાં ઉઠાવી શકાય છે કે કેમ તેની સમીક્ષા બે સપ્તાહમાં કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter