કોરોનાકાળમાં લાખો ડોલરનું ફુલેકુ ફેરવનાર જોગેશ ભંડારી આણિ મંડળી દોષી

પીપીઇ કિટ સપ્લાય કરવાના નામે મળેલા નાણા વૈભવી જીવનમાં ઉડાવ્યા

Tuesday 21st July 2026 10:23 EDT
 
 

લંડનઃ કોવિડ મહામારી દરમિયાન પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઇ) ની ભારે અછત અને આપાતકાલીન માગનો દુરુપયોગ કરી વૈભવી જીવનશૈલી માણવા માટે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકીને નેશનલ ક્રાઈમ એજન્સીની સઘન તપાસ બાદ દોષિત ઠેરવવામાં આવી છે.

બ્રિટનના લાઉબરોમાં રહેતા 59 વર્ષીય જોગેશ ભંડારી અને લેન્કેશાયરના 43 વર્ષીય ક્રેગ મોરિસે યુકે અને યુએસની વિવિધ હોસ્પિટલો તેમજ વ્યવસાયિક સંસ્થાઓને લાખો કરોડોની સંખ્યામાં નાઈટ્રાઈલ ગ્લોવ્ઝ સપ્લાય કરવાનો ખોટો દાવો કર્યો હતો. પીપીઈ સપ્લાય કરવાને નામે આ કૌભાંડીઓએ ગ્રાહકો પાસેથી કરોડો પડાવી લીધા હતા. જોકે ગ્લોવ્ઝ સપ્લાય કરવાને બદલે આ રકમનો ઉપયોગ કૌભાંડીઓએ મોંઘીદાટ લક્ઝરી કાર, સોના-ઝવેરાત, બ્રાન્ડેડ ઘડિયાળો ખરીદવા, વિદેશ પ્રવાસો માણવા અને પોતાના વ્યક્તિગત દેવા ચૂકવવામાં કર્યો હતો. આ કૌભાંડમાં અમેરિકાના લૂઇઝિયાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના તત્કાલીન આસિસ્ટન્ટ એટર્ની જનરલ ફ્રેન્ક લેબ્રુઝો પણ સામેલ હતા.

આ કૌભાંડમાં જોગેશ ભંડારીની પત્ની મીનાક્ષી ભંડારી પણ સામેલ હતી. તે જાણતી હતી કે બિઝનેસ એકાઉન્ટ્સમાં આવી રહેલા નાણાં કૌભાંડ અને છેતરપિંડીના છે તેથી કોર્ટે તેને મની લોન્ડરિંગના ગુનામાં દોષિત ઠેરવી છે. આ ત્રણેય ગુનેગારોને આગામી 21 ઓગસ્ટના રોજ સજા સંભળાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter