કોરોનાથી અમેરિકામાં ૨૨ લાખ અને બ્રિટનમાં ૫ લાખ લોકોના મોત થઇ શકે

Wednesday 25th March 2020 02:02 EDT
 
 

લંડન: ચીનના વુહાન શહેરથી શરૂ થયેલા અને દુનિયાભરમાં મહામારી રુપે ફેલાઇ ચૂકેલા કોરોના વાયરસને લઇને યૂકેમાં રોગશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા રિસર્ચ મુજબ, રોગના વધી રહેલા પ્રકોપને ઝડપથી રોકવા કે દબાવવાના બદલે તેની ગતિને ધીમી પાડવાના પ્રયત્નને લીધે બ્રિટનની હોસ્પિટલ્સમાં બેડ્સની અછત ઉભી થઇ છે. આ અભ્યાસ મુજબ બ્રિટનમાં આશરે ૫,૦૦,૦૦૦ અને અમેરિકામાં ૨૨ લાખ લોકોથી વધારે લોકોના મોત થઇ શકે છે.

આ રિપોર્ટ લંડનની ઇમ્પીરિયલ કોલેજની કોરોના વાઈરસ રિસ્પોન્સ ટીમે જાહેર કર્યો હતો, જેમાં બ્રિટન સરકારને પણ આ મહામારી સામે રણનીતિનો સુઝાવ આપવામાં આવ્યો હતો.  વડાપ્રધાન બોરિસ જ્હોનસને કોરોનાના પડકારનો સામનો કરવા વધુ આકરા પગલાં ભર્યા છે. વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બ્રિટનમાં લોકોને ઘરમાંથી બહાર નહીં નીકળવા અને વિવિધ બીમારીનો સામનો કરી રહેલા ૭૦ લાખ લોકો અલગ અલગ કરવા આદેશ કરવામાં આવ્યા છે. નીલ ફર્ગુસને પોતાના સ્ટડીમાં કોરોના વાયરસની અસર અને ઇ.સ. ૧૯૧૮માં ફેલાયેલા ફ્લૂની અસરની તુલના કરી છે. તેમની ટીમે કહ્યું કે જો કોરોના વાયરસની બિમારીને રોકવા ગંભીર પ્રયાસ કરવામાં નહીં આવે તો બ્રિટનમાં પાંચ લાખ અને અમેરિકામાં ૨૨ લાખ લોકોના મોત થઈ શકે છે.

આ સ્ટડી રિપોર્ટ તૈયાર કરવામાં સામેલ પ્રોફેસર અઝરા ઘનીએ કહ્યું કે, ‘કોરોના આપણા સમાજ અને અર્થવ્યવસ્થા પર ખૂબ જ મોટી અસર કરવા તરફ આગળ પ્રસરી રહ્યો છે.’ જ્યારે રિસર્ચ ટીમના અન્ય સંસોધક કોલબર્ને કહ્યું કે, ‘આવનાર સમય ખૂબ જ કઠિન છે.’

આ સ્ટડી રિપોર્ટ સામે આવ્યા બાદ બ્રિટિશ સરકારે ખૂબ જ આકરા પગલાં ભરવાનું શરૂ કરી દીધુ છે. સાથે જ કહેવામાં આવ્યું છે નવા સૂચનો અને ઉપાયોને પણ બ્રિટિશ સરકારના એકશન પ્લાનમાં સામેલ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter