લંડનઃ આંતરરાષ્ટ્રીય થિન્ક ટેન્ક ધ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા કોરોના વાઈરસના પગલે વિશ્વના મુખ્ય અર્થતંત્રો પર વિપરીત આંચકાઓ વિશે અંદાજો જાહેર કર્યા છે, જેમાં યુકેના અર્થતંત્રને જીડીપીમાં ૧૧.૫ ટકાના ભારે ઘટાડા સાથે સૌથી ખરાબ અસર પહોંચશે તેમ જણાવાયું છે. વાઈરસ મહામારી દરમિયાન ફ્રાન્સ અને ઈટાલી માટે કરાયેલી આગાહી કરતાં પણ આ મોટો ઘટાડો હશે. OECD અહેવાલમાં કોરોના મહામારીના પગલે ૧૦૦ વર્ષની સૌથી ગંભીર મંદી જોવા મળશે અને ૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્રમાં ૬ ટકાનો નોંધપાત્ર ઘટાડો થશે તેમ જણાવતા કહેવાયું છે કે સુધારો ધીમો અને અચોક્કસ રહેશે. જો ચાલુ વર્ષના અંતે કોરોના સંક્રમણ ફરીથી ઉથલો મારશે તો વૈશ્વિક અર્થતંત્રમાં ૭.૬ ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે તેવી ચેતવણી પણ અપાઈ છે.
આંતરરાષ્ટ્રીય થિન્ક ટેન્ક OECDના અહેવાલમાં યુકેએ વિશ્વની કોઈ પણ મુખ્ય અર્થતંત્ર કરતાં સૌથી ભારે આંચકો સહન કરવા પડશે તેવી ચેતવણી આપી છે. ફ્રાન્સના ૧૧.૪ ટકા અને ઈટાલીના ૧૧.૩ ટકાની સરખામણીએ યુકેનો જીડીપી ૧૧.૫ ટકા નીચો ઉતરી જશે. જો કોરોના રોગચાળાનો સંક્રમણનો બીજો તબક્કો આવે તો આંચકો ૧૪ ટકા જેટલો વધુ ખરાબ બની રહેશે. આ સિવાય કેનેડા, યુએસ, જર્મની અને જાપાનમાં જીડીપીનું ધોવાણ એકી સંખ્યામાં રહેશે. યુકેનું અર્થતંત્ર ૨૦૨૧માં ૯ ટકાના ઉછાળા સાથે તેજીમાં આવશે પરંતુ, કોરોનાનો બીજો તબક્કો આવે તો ધીમી રીકવરી સાથે વૃદ્ધિ માત્ર પાંચ ટકાની રહેશે. યુકેનું અર્થતંત્ર મોટા ભાગે સેવા આધારિત છે. ફાઈનાન્સિયલ સર્વિસીસ, રીટેઈલ, હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ અને ટુરિઝમ સહિતનું સર્વિસ સેક્ટર યુકેના જીડીપીનો આશરે ૭૫ ટકા હિસ્સો ધરાવે છે અને કોવિડ-૧૯ને નિયંત્રણમાં રાખવા સર્વિસ સેક્ટરને લોકડાઉન નિયમોની ગંભીર અસરો પહોંચી છે.
ઓઇસીડીના નિવેદનમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસને પગલે ગત ૧૦૦ વર્ષની સૌથી ગંભીર મંદી જોવા મળશે અને સંક્રમણના બીજા તબક્કાની શક્યતા ન હોવા છતાં જોખમ હજુ દૂર થયું નથી. જોકે, કોરોનાનો બીજો તબક્કો નહિ આવે તો પણ તેની અસર લાંબા ગાળા સુધી જોવા મળશે. લાખો લોકો નોકરીઓ ગુમાવી ચૂક્યા છે. આ કટોકટીની સૌથી વધુ અસર ગરીબો અને યુવાનોને થવાથી તેના કારણે અસમાનતા વધશે તેમ સંસ્થાના સેક્રેટરી જનરલ એન્જેલ ગુરીયાએ જણાવ્યું છે. જો કોરોનાનો બીજો તબક્કો જોવા મળશે તો ૩૭ વિકસિત દેશોમાં સરેરાશ બેકારીનો દર બમણો થઇને ૧૦ ટકા થઇ જશે અને ૨૦૨૧માં ખૂબ જ ઓછી રિકવરી જોવા મળશે. આશાવાદી વલણ અપનાવીએ તો પણ બેકારીદર ૯.૨ ટકા રહેશે. જોકે, ગરીબ દેશોમાં આ આંકડો ખૂબ મોટો હશે.