કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના ભયે સાઉથ આફ્રિકા માટે ટ્રાવેલ પ્રતિબંધ

Wednesday 01st December 2021 04:52 EST
 

લંડનઃ યુકેમાં બ્રિટિશરોએ ક્રિસમસ દરમિયાન ફરી લોકડાઉનમાં મૂકાવે પડે તેવું જોખમ હોવાની ચેતવણી અપાઈ છે. સાઉથ આફ્રિકા અને બોટ્સવાનાથી ઉદ્ભવેલા કોવિડના સુપરમ્યુટન્ટ વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસારને અટકાવવા યુકેએ સાઉથ આફ્રિકા, નામિબિયા, લિસોથો, બોટ્સવાના, એસ્વિટિની અને ઝિમ્બાબ્વેથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ પછી, ઈઝરાયેલે પણ આ છ દેશોની ફ્લાઈટ્સ બંધ કરાવી છે. ઓમિક્રોન વેરિએન્ટ હોંગ કોંગમાં પણ ફેલાયો છે જ્યારે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં થઈ કુલ ૧૧ કેસ પોઝિટિવ જણાયા છે.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે કહ્યું હતું કે પ્રવાસ નિયંત્રણોનો હેતુ દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના સંભવિત પ્રવેશને ધીમો પાડવાનો છે. હાલ સાઉથ આફ્રિકાથી દરરોજ ૫૦૦થી ૭૦૦ પ્રવાસીઓ યુકે આવે છે અને તહેવારોની મોસમમાં તે વધી શકે છે. યુકેના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે લોકોએ નિયંત્રણોમાં બદલાવ અને ક્રિસમસ લોકડાઉન માટે તૈયાર રહેવું પડશે. આ કોવિડ વેરિએન્ટના ૩૦થી વધુ મ્યુટેશન્સ જોવા મળ્યાં છે જેના પરિણામે, વેક્સિનની અસરકારકતા ઓછામાં ઓછી ૪૦ ટકા ઘટી જશે.

ડેલ્ટા કરતાં પણ વધુ ખતરનાક

બીજી તરફ, નિષ્ણાતોએ જણાવ્યું છે કે પ્રવાસ પ્રતિબંધોથી ઓમિક્રોનના ફેલાવામાં થોડો વિલંબ થશે પણ અટકાવી શકાશે નહિ. બ્રિટન, જર્મની, ઈટાલી, બેલ્જિયમ, બોત્સવાના, હોન્ગ કોન્ગ, ઈઝરાયલ અને કેનેડામાં પણ આ વેરિઅન્ટની એન્ટ્રી થઈ છે. આ વેરિઅન્ટ અત્યાર સુધીના સૌથી ખતરનાક વેરિઅન્ટ ડેલ્ટા કરતાં પણ ઘાતક હોઈ શકે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ નવાં વેરિઅન્ટના મ્યુટેશનમાં વેક્સિનથી બનેલી ઈમ્યુનિટી ભેદવાની ક્ષમતા છે. વેક્સિનેટેડ લોકોને પણ તેનું જોખમ છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું છે કે નવો વેરિએન્ટ B.1.1.52 માણસોના પ્રકાર પ્રમાણે બદલી રહ્યો છે. તે પોતાને જે-તે વ્યક્તિ પ્રમાણે અનુકૂળ બનાવી રહ્યો છે. એ ઉપરાંત એ સતત મ્યૂટેટ- પરિવર્તિત થઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter