લંડનઃ બ્રિટિશ યુનિવર્સિટીઓને કોરોના મહામારીના કારણે ભંડોળની ભારે સંકડામણ નડી રહી છે. કોરોના વાઈરસ મહામારીના લીધે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જવાની સાથે ૨.૫ બિલિયન પાઉન્ડના ભંડોળનો ખાડો પડશે તેવી આગાહી પણ થઈ છે. યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયન દ્વારા કરાયેલા સંશોધન મુજબ સરકાર કટોકટીની અસરને હળવી બનાવવા તત્કાળ પગલાં નહિ ભરે તો હજારો લોકોને નોકરી ગુમાવવી પડે તેવો પણ ભય છે. વિદ્યાર્થીઓ ઘટવાના પરિણામે ભંડોળમાં જે નુકસાન થાય તેને માંડવાળ કરવાની વિનંતી પણ યુનિયને સરકારને કરી છે.
રિપોર્ટ અનુસાર સમગ્ર યુકેમાં ચારમાંથી આશરે ત્રણ યુનિવર્સિટી એટલે કે આશરે ૯૧ શિક્ષણસંસ્થાઓને કોરોના મહામારી મધ્યે નાણાકીય કટોકટીનો સામનો કરવો પડી શકે છે. જોકે, વધુ ટ્યુશન ફી ચુકવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોટા પાયે સેવા આપતી યુનિવર્સિટીઓને આગામી શૈક્ષણિક વર્ષ (૨૦૨૦-૨૦૨૧)માં આવકનું ભારે નુકસાન સહન કરવાનું થશે. યુનિવર્સિટીઓ દ્વારા સર્જાતી આર્થિક પ્રવૃત્તિમાં ભારે ઘટાડાથી આવકમાં ઘટાડા ઉપરાંત, કુલ આર્થિક નુકસાન ૬ બિલિયન પાઉન્ડથી વધારે હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયન (UCU) માટે આ અભ્યાસ લંડન ઈકોનોમિક્સ દ્વારા કરાયો હતો, જેમાં ચેતવણી અપાઈ છે કે વિદ્યાર્થીની સંખ્યા ઘટવાથી ૨.૫ બિલિયન પાઉન્ડની ફી અને ટીચિંગ ગ્રાન્ટની આવકમાં નુકસાન થશે. તેમાં એવી આગાહી પણ કરાઈ છે કે મહામારી અને તેના પછી આર્થિક મહામંદીના પરિણામે ઓટમ પછી બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરનારા ઘરેલુ ૧૧૧,૦૦૦ વિદ્યાર્થી અને પ્રથમ વર્ષના ૧૨૧,૦૦૦ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ઘટશે. રિપોર્ટ એવી ચેતવણી આપે છે કે સરકારી હસ્તક્ષેપ વિના ૩૦,૦૦૦ યુનિવર્સિટી નોકરીઓ પર ગંભીર જોખમ છે તેમજ સંપૂર્ણ અર્થતંત્રમાં વધુ ૩૨,૦૦૦ નોકરી ગુમાવવાની શક્યતા છે.