લંડનઃ યુકે સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ફેલાયો છે ત્યારે અનેક દેશોમાં તાળાબંધી થઈ રહી છે. યુકેમાં ચેપગ્રસ્તો સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે અને આગામી વીકેન્ડથી જાહેર મેળાવડાઓ પર લગભગ પ્રતિબંધ લાગી જશે તેમ જાહેર કરાયું હતું પરંતુ, બ્રિટિશરોને કોરોના વાઈરસનો ભય હોય તેમ જણાતું નથી. હજારો સંગીતપ્રેમીઓ સેન્ટ પેટ્રિક્સ ડે ઉજવવા સ્ટીરીઓફોન્ક્સ ગ્રૂપની કાઈન્ડ ૨૦૨૦ ટૂરને સાંભળવા કાર્ડિફના ૫૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતા મોટરપોઈન્ટ એરીનામાં એકત્ર થયા હતા. જોકે, સોશિયલ મીડિયામાં આ કાર્યક્રમને બેજવાબદાર ગણાવી તેની ભારે ટીકા થઈ હતી.
બીજી તરફ, આઠ લોકો ચેપગ્રસ્ત જાહેર કરાયા છે તેવા લિવરપૂલમાં હાફ મેરેથોન રેસમાં ૬,૦૦૦ દોડવીર સ્પર્ધામાં જોડાયા હતા તેમજ બાથ શહેરની હાફ મેરેથોનમાં ૧૨,૦૦૦ લોકોએ દોડમાં ભાગ લીધો હતો. લિબરલ ડેમોક્રેટ સાંસદ વેરા હોબહાઉસે આ કાર્યક્રમ યોજવા સામે વિરોધ પણ નોંધાવ્યો હતો. સૌથી વધુ ૭૮,૦૦૦ લોકો ચાર દિવસની ચેલ્ટનહામ રેસીસમાં સામેલ થયા હતા.
યુકેમાં કોવિડ-૧૯ના કારણે આગામી સપ્તાહથી સામૂહિક મેળાવડાઓ પર પ્રતિબંધ લાગી રહ્યો છે પરંતુ, બ્રિટિશરોને કોરોના વાઈરસનો જરા પણ ભય ન હોય તેમ તેઓ મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. વાઈરસથી ચેપગ્રસ્તોની સંખ્યા વધીને ૧૫૫૧ અને મૃત્યુઆંક વધીને ૫૫ થયો છે