લંડનઃ ઈંગ્લેન્ડનું ન્યૂકેસલ સિટી કોરોના વાઈરસ સંક્રમણનું સૌથી મોટું હોટસ્પોટ બની ગયું છે અને સંક્રમણ દર ૬૦ ટકા જેટલો વધી રહ્યો છે. ન્યૂકેસલની નોર્ધમ્બ્રીઆ યુનિવર્સિટીના ૭૭૦ વિદ્યાર્થીઓને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમના ફ્લેટમેટ્સ અને નિકટના કોન્ટેક્ટ્સ સાથે ૧૪ દિવસના એકાંતવાસમાં છે. ચિંતાની બાબત એ છે કે ૭૭૦ વિદ્યાર્થીમાંથી ૭૮ વિદ્યાર્થીને કોરોનાના કોઈ લક્ષણો જણાયા ન હતા. દરમિયાન, યુકેની ૫૦ યુનિવર્સિટીઓએ તેમના કેમ્પસમાં કોરોના રોગચાળો ફેલાયાને સમર્થન આપ્યું છે. ગ્લાસગો યુનિવર્સિટીમાં ૧૨૪ તેમજ યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં ૨૨૧ કન્ફર્મ કેસ સાથે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ૧૮૦૦ કોરોના કેસીસ હોવાનું બહાર આવ્યું છે. ન્યૂકેસલ અપોન ટાયનેમાં આ સપ્તાહે પ્રતિ ૧૦૦,૦૦૦ની વસ્તીએ ૨૫૦ કોરોના કેસ સાથે સંક્રમણમાં ૬૦ ટકાનો ઉછાળો જોવાં મળ્યો છે.
ન્યૂકેસલ અપોન ટાયનેમાં લગભગ ૮૦૦ વિદ્યાર્થી કોરોના વાઈરસ માટે ટેસ્ટ પોઝિટિવ આવતા બારે ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. યુકેના સૌથી મોટા યુનિવર્સિટી યુનિયનોમાં એક યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયને કેમ્પસ ખોલવા બદલ નોર્ધમ્બ્રીઆ યુનિવર્સિટીને અટકાવી શકાય તેવી હેલ્થ કટોકટી સર્જવા માટે દોષી ગણાવી હતી. નોર્ધમ્બ્રીઆ યુનિવર્સિટીના ૭૭૦ વિદ્યાર્થીઓ તેમના મિત્રો અને સંપર્કમાં આવેલા લોકો સાથે ૧૪ દિવસના સેલ્ફ આઈસોલેશનમાં છે. આટલી મોટી સંખ્યામાં કેસીસ બહાર આવતા ન્યૂકેસલ સિટી ઈંગ્લેન્ડમાં કોરોના સંક્રમણનું સૌથી મોટું હોટસ્પોટ બની ગયું છે.
એકાંતવાસમાં રહેલા આ વિદ્યાર્થીઓએ તેમની બારીઓ પર ‘Covid +’ નિશાની ઉપરાંત ‘બિયર મોકલી આપો’ તેમ પણ લખ્યું છે. યુનિવર્સિટી સત્તાવાળાઓ અને સિટી કાઉન્સિલ દ્વારા તેમને ખોરાક, લોન્ડ્રી, સફાઈની સામગ્રી અને વેલ્ફેર સપોર્ટ અપાય છે. જે વિદ્યાર્થીઓને ક્વોરેન્ટાઈન ગાળામાં રુબરુ અભ્યાસ –ટ્યુશન કરવા નહિ મળે તેમના માટે યુનિવર્સિટી દ્વારા વધારાનો શૌક્ષણિક સપોર્ટ પણ પૂરો પાડવામાં આવશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પાછા ફર્યા તેના એક સપ્તાહમાં જ કોરોના કેસીસમાં ઉછાળો આવ્યો છે. કોરોના ટેસ્ટિંગની સરળ પ્રાપ્યતા તેમજ મજબૂત રિપોર્ટિંગ સિસ્ટમના પરિણામે આની જાણ ઝડપથી થઈ શકી હતી. જોકે, તેમણે આ રોગચાળો વિદ્યાર્થીઓના વસવાટના એક હોલમાં મર્યાદિત છે કે અનેક હોલમાં અથવા ન્યૂકેસલ સિટીના પ્રાઈવેટ ફ્લેટ્સમાં ફેલાયેલો છે તે કહેવાનો ઈનકાર કર્યો હતો.
યુકેની ૫૦થી વધુ યુનિવર્સિટીમાં ફેલાયેલું કોવિડ-૧૯નું સંક્રમણ
યુકેની ૫૬ જેટલી યુનિવર્સિટીઓએ તેમના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં કોરોના સંક્રમણ ફેલાયાની હકીકતને સમર્થન આપ્યું છે. એક રિસર્ચમાં ૧૪૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંબંધિત યુનિવર્સિટીના પ્રત્યાઘાતો અને મીડિયા રિપોર્ટ્સના એનાલિસીસ અનુસાર કોવિડ-૧૯ના ઓછામાં ઓછા ૧,૭૯૮ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.
માન્ચેસ્ટર મેટ્રોપોલીટન (૨૨૧) અને ગ્લાસગો યુનિવર્સિટી (૧૨૪)ના હોલ્સમાં વિદ્યાર્થીઓ એકાંતવાસમાં છે. યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ (૨૦૦થી વધુ) તેમજ યુનિવર્સિટી ઓફ લિવરપૂલ (૧૭૭) સહિત સૌથી વધુ કેસ ઈંગ્લેન્ડના ઉત્તરના શહેરોની સંસ્થાઓ અને સ્કોટિશ યુનિવર્સિટીઓમાં જણાયા છે. ઓક્સફર્ડ બ્રૂક્સ યુનિવર્સિટીના ૪૭ વિદ્યાર્થી જ્યારે સસેક્સ યુનિવર્સિટીના એક કર્મચારી અને ૧૦ વિદ્યાર્થી કોવિડ-૧૯ પોઝિટિવ આવતા એકાંતવાસમાં છે. જોકે, તમામ કોરોના કેસીસ યુનિવર્સિટી કેમ્પ્સમાં જ રિપોર્ટ થયાં નથી. કેટલાક કેસ સ્થાનિક કોમ્યુનિટીઝ અથવા રહેઠાણના પ્રાઈવેટ હોલ્સમાં પણ જોવાં મળ્યા છે.
બીબીસીના અહેવાલ અનુસાર યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર દ્વારા વિદ્યાર્થીઓને રેસિડેન્શિયલ સ્ટાફ દ્વારા એકાંતવાસ વિશે વિરોધાભાસી સલાહો પણ અપાઈ હતી. તેમાં કહેવાયું હતું કે ઘરમાં એકાંતવાસમાં રહેતા હોય તેઓને ઘરમાં ડિલિવરી ન મળે તો માસ્ક પહેર્યો હોય તો દુકાનોમાં ફૂડ ખરીદવા જઈ શકે છે અને લોન્ડ્રી સર્વિસનો ઉપયોગ કરી શકે છે. યુનિવર્સિટી દ્વારા વિરોધાભાસી માહિતી અપાયા બદલ માફી માગવામાં આવી હતી.