લંડનઃ કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ સામે આવતાં કોરોના રસી આપવાનો પ્રારંભ અગાઉ નિર્ધારિત સમય કરતાં વહેલો કરાશે. યુકેમાં કોરોના વાઇરસનો નવો BA.2.86 વેરિઅન્ટ ઓગસ્ટ મહિનામાં મળી આવ્યો હતો. એનએચએસના જણાવ્યા અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટ બાદ આ સૌથી ચિંતાજનક વેરિઅન્ટ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરના જણાવ્યા અનુસાર યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીની સલાહને પગલે હવે ઓક્ટોબરને બદલે 11 સપ્ટેમ્બરથી કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાશે. એજન્સીના વડા ડેમ જેની હેરિસે જણાવ્યું હતું કે, આપણે કોરોનાના વાઇરસ સાથે જીવી રહ્યાં છીએ તેથી નવા નવા વેરિઅન્ટ સામે આવતા રહેશે. આપણો વેક્સિન પ્રોગ્રામ સફળ રહ્યો છે. આપણે કોરોના વાઇરસની સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિઓ વિકસાવી શક્યાં છીએ. જોકે કેટલાંક લોકો માટે કોરોના વાઇરસ હજુ પણ જોખમી છે.

