કોરોનેશન કોન્સર્ટઃ વિન્ડસર કેસલમાં ઝાકઝમાળથી ભરપૂર ઉજવણી

Wednesday 10th May 2023 05:07 EDT
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કેમિલાની તાજપોશીના ભાગરૂપે રવિવારે રાત્રે વિન્ડસર કેસલમાં કોરોનેશન કોન્સર્ટનું આયોજન કરાયું હતું જેમાં ક્વાયર દ્વારા ગીતોની રજૂઆત, નૃત્યકારો દ્વારા બેલે ડાન્સ, ડ્રોન ડિસ્પ્લે અને ભવ્ય લાઇટ શો દ્વારા ભરપૂર ઉજવણી કરાઇ હતી. રોયલ બોક્સમાં હાજર કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા અને રાજવી પરિવારના સભ્યો સહિત આ કોન્સર્ટમાં 20,000થી વધુ લોકો હાજર રહ્યાં હતાં. આ કોન્સર્ટને સમગ્ર વિશ્વમાં કરોડો લોકોએ નિહાળી હતી. કોન્સર્ટમાં પ્રિન્સ વિલિયમ દ્વારા પિતા માટે હૃદયસ્પર્શી સંદેશ પણ અપાયો હતો. આ કોન્સર્ટમાં બોલિવૂડની અભિનેત્રી સોનમ કપૂરે પણ ભાગ લીધો હતો.

 સોનમ કપૂરે કોન્સર્ટમાં કોમનવેલ્થનું મહત્વ સમજાવ્યું

વિન્ડસર કેસલ ખાતે આયોજિત કિંગ ચાર્લ્સની કોરોનેશન કોન્સર્ટમાં બોલિવૂડની અભિનેત્રી સોનમ કપૂરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સોનમ કપૂરે કોન્સર્ટ ખાતે 20,000 કરતાં વધુની જનમેદનીને સંબોધન કરતાં કોમનવેલ્થનું મહત્વ સમજાવ્યું હતું. સોનમે તેના સંબોધનનો પ્રારંભ નમસ્તેથી કર્યો હતો. આ પ્રસંગે સોનમની માતા સુનિતા કપૂરે એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, આ પ્રકારના સન્માન માટે અમને તારા પર ગર્વ છે.

અને પ્રિન્સ વિલિયમે પિતાને કહ્યું, પા, અમને બધાને તમારા માટે ગૌરવ છે....

લંડનઃ યુકેના ભાવિ રાજા અને પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ વિલિયમ્સે વિન્ડસર કેસલ ખાતે આયોજિત કોન્સર્ટમાં પિતા કિંગ ચાર્લ્સ તૃતિયનું જાહેર અભિવાદન કરતાં જણાવ્યું હતું કે, પા, અમને બધાને તમારા પર ખૂબ જ ગૌરવ છે. પ્રિન્સ વિલિયમે તેમના દાદી ક્વીન એલિઝાબેથ દ્વિતિયને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેઓ ઉપર આકાશમાં છે અને આપણા તમામને જોઇ રહ્યાં છે. તેઓ અત્યારે ઘણું ગૌરવ અનુભવતા હશે. ભાવિ કિંગ વિલિયમે પોતે એક ઐતિહાસિક પ્રતિજ્ઞા લેતાં જણાવ્યું હતું કે, હું તમારા બધાની, કિંગ, દેશ અને કોમનવેલ્થની સેવા માટે પ્રતિબદ્ધ છું. મારા દાદીએ તેમની તાજપોશી સમયે જણાવ્યું હતું કે, તાજપોશી ભવિષ્ય માટેની આપણી આશાઓની ઘોષણા હોય છે.તેમણે પોતાના પિતાને સંબોધીને જણાવ્યું હતું કે, પા, અમને બધાને તમારા માટે ગૌરવ છે. હું સેના, શાળા, હોસ્પિટલ અને સ્થાનિક સમુદાયોમાં કામ કરતાં કરોડો લોકો માટે પણ ગૌરવ અનુભવું છું. તમારી સેવાઓ અમને પ્રેરણા આપે છે. આજે રાત્રે આપણે તમારી સેવાઓને પણ ઉજવી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter