લંડન: પેલેસ્ટાઈન એક્શનના કાર્યકરો સામે ચાલી રહેલા ફોજદારી નુકસાનના કેસ દરમિયાન ન્યાયાધીશના આદેશોની અવજ્ઞા કરવાના આરોપમાં બેરિસ્ટર રાજીવ મેનન (KC) અત્યારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.
રાજીવ મેનન પર આરોપ છે કે તેમણે બ્રિસ્ટોલ નજીક આવેલી એલ્બિટ સિસ્ટમ્સ ફેક્ટરીમાં તોડફોડ કરનાર છ આરોપીનો બચાવ કરતી વખતે પોતાની અંતિમ દલીલોમાં જ્યુરીને ગેરમાર્ગે દોરી હતી અને ન્યાયાધીશની સૂચનાઓની અવગણના કરી હતી.
કોર્ટ ઓફ અપીલના ન્યાયાધીશો હાલમાં એ બાબતની સમીક્ષા કરી રહ્યા છે કે રાજીવ મેનન સામે વિધિવત કાર્યવાહી શરૂ કરવી કે નહીં. આ મામલે આગામી સુનાવણી 15 જૂન ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. આ કેસ કાયદાકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે તે બચાવ પક્ષના વકીલની સ્વતંત્રતા અને અદાલતી શિસ્ત વચ્ચેની સીમારેખા પર સવાલો ઊભા કરે છે.

