લંડન, મુંબઈઃરોયલ કોર્ટ ઓફ જસ્ટિસે બુધવાર,૧૨ જૂને ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વોન્ટેડ આરોપી નિરવ મોદીની જામીન અરજી ચોથી વખત પણ ફગાવી દીધી હતી. જજે નિરવ મોદી સંદર્ભે એવી ટિપ્પણી કરી હતી કે, જો નિરવને જામીન આપવામાં આવશે તો પુરાવાઓ સાથે છેડછાડ થઈ શકે છે. જજે નિરવના વકીલને ફટકાર લગાવતા કહ્યું કે, જામીન મળ્યા પછી કોઈ પુરાવા નષ્ટ નહિ કરાય એ વાત પર વિશ્વાસ નથી કરી શકાતો. ભવિષ્યમાં શું થશે, કોણ જાણે છે. જજે કહ્યું હતું કે, અરજદાર પર અનેક દેશોમાં ગોટાળાના મામલા દાખલ છે, તેવામાં જામીન આપવા યોગ્ય નથી. જો ભાગેડ઼ુ આરોપી નિરવ મોદીના પ્રત્યાર્પણમાં ભારતની ઈડી અને સીબીઆઈ એજન્સીઓને સફળતા મળે તો તેને આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨માં રાખવામાં આવે તેવી શક્યતા છે.
સુનાવણી દરમિયાન નિરવના વકીલ ક્લેર મોન્ટેગોમરીએ તેમના અસીલને જામીન દરમિયાન ઈલેકટ્રોનિક ડિવાઈસથી ટેગ કરવા અથવા ટ્રેક કરવા માટે ફોન આપવાની ઓફર પણ કોર્ટ સમક્ષ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમનો અસીલ કોઈ એમ્બેસીમાં શરણ લઈ શકે તેવા વિકીલીક્સના સ્થાપક જૂલિયન અસાંજે જેવો નથી. તે તો સામાન્ય માનવી, સામાન્ય ભારતીય ઝવેરી છે. ભારત તરફથી ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસે કહ્યું હતું કે જો નિરવને જામીન આપવામાં આવશે તો તે પુરાવાઓની સાથે છેડછાડ કરી શકે છે.
અગાઉ, વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ચીફ જજ એમ્મા આર્બુથ્નોટે નિરવની જામીન અરજીને ત્રણ વાર ફગાવી તેના રિમાન્ડ ૨૭ જૂન સુધી લંબાવી દીધા હતા. પીએનબી કૌભાંડનો આરોપી નિરવ સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્સવર્થ જેલમાં છે. સેન્ટ્રલ લંડનની મેટ્રો બેન્ક બ્રાન્ચમાં બેન્ક ખાતુ ખોલાવવા ગયેલા નિરવની ૧૯ માર્ચે ધરપકડ થઈ હતી.
નિરવ મોદી માટે આર્થર રોડ જેલમાં વ્યવસ્થા
ભારત સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે યુ.કે.માં વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં નિરવ મોદીને ભારત પાછા લાવવાની કામગીરીમાં પ્રગતિ થઈ રહી છે. જો ભાગેડ઼ુ આરોપી નિરવ મોદીને ભારત પાછા લાવવામાં ઈડી અને સીબીઆઈ એજન્સીઓને સફળતા મળે તો તેને આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨માં રાખવામાં આવશે તેમ મહારાષ્ટ્રના જેલ વિભાગે કેન્દ્ર સરકારને જણાવ્યું છે. જો વિજય માલ્યા અને મેહુલ ચોકસીનું પણ પ્રત્યાર્પણ થાય તો તેમને પણ આ બેરેકમાં રાખી શકાશે.
જેલ વિભાગે સરકારને આપેલી વિગત મુજબ ૧૨ નંબરની બેરેકમાં બે રૂમ છે અને દરેક રૂમમાં ત્રણ વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે. અત્યારે એક રૂમમાં ત્રણ વ્યક્તિ છે. બીજા રૂમમાં નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યાનો સમાવેશ થઈ શકે છે. નિરવ મોદીને ત્રણ ચોરસ મીટરની પર્સનલ સ્પેસ સાથે કોટન શેતરંજી, ઓશિકાં, ચાદર અને બ્લેન્કેટ તેમજ મેડિકલ ગ્રાઉન્ડના આધારે મેટલ અથવા લાકડાના પલંગની પણ સુવિધા મળી શકશે. આ બેરેકમાં પ્રકાશ અને વેન્ટીલેશનની પૂરતી સુવિધા છે. અંગત ચીજવસ્તુઓ રાખવા માટે સ્ટોરેજ છે. નિરવ મોદીને ચોખ્ખું પીવાનું પાણી, ૨૪ કલાક તબીબી સુવિધા તેમજ ટોઈલેટ અને વોશિંગની પુરતી સુવિધા પણ મળશે. એકાદ કલાક કરતાં વધુ સમય માટે કસરત તેમ જ રિક્રિએશન માટે સેલમાંથી બહાર જવાની છૂટ પણ મળી શકશે. બેરેક નંબર ૧૨ના પ્રવેશદ્વાર પર સીસીટીવી કેમેરા સાથે પુરતી સુરક્ષા પણ છે.