કોર્ટે હીથ્રો એરપોર્ટના ત્રીજા રનવે પ્રોજેક્ટને ગેરકાયદે ગણાવ્યો

Saturday 29th February 2020 06:18 EST
 
 

લંડનઃ હીથ્રો એરપોર્ટના ત્રીજા રનવેની યોજનાનો કોર્ટ ઓફ અપીલે ગેરકાયદે ગણાવી ફગાવી દીધી છે. ગુરુવાર, ૨૭ ફેબ્રુઆરીના ચુકાદામાં જજ લોર્ડ જસ્ટિસ લિન્ડબ્લોમે જણાવ્યું હતું કે મિનિસ્ટર્સે ક્લાઈમેટ ચેન્જની સરકારની પ્રતિબદ્ધતાઓને પૂરતાં ધ્યાનમાં લીધી નથી. સાંસદોએ બહુમતીથી જે યોજનાને ટેકો આપ્યો હતો તેને સરકારે ૨૦૧૮માં લીલી ઝંડી આપી હતી પરંતુ, આ ચુકાદાએ પ્રોજેક્ટને મોટો ફટકો માર્યો છે.

લંડનના હીથ્રો એરપોર્ટના ત્રીજા રનવે પ્રોજેક્ટને ગેરકાયદે ગણાવાતા બોરિસ જ્હોન્સન સરકાર તેને પડતો મૂકી શકે છે અથવા રનવેને મંજૂર રાખવા નવો પોલિસી ડોક્યુમેન્ટ જાહેર કરી શકે છે. લોર્ડ જસ્ટિસે જણાવ્યું હતું કે,‘સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા પેરિસ એગ્રીમેન્ટને ધ્યાનમાં લેવાવું જોઈતું હતું. કાયદા મુજબ નેશનલ પ્લાનિંગ સ્ટેટમેન્ટ પણ રજૂ કરાયું નથી.’ તેમણે કહ્યું હતું કે સરકારે ચુકાદાની આગોતરી જાણકારી મેળવી હતી પરંતુ, સુપ્રીમ કોર્ટમાં અપીલ માટે પરવાનગી લીધી નથી.

જહોન્સન ૨૦૧૫થી ત્રીજા રનવેનો વિરોધ કરતા આવ્યા છે. વિશ્વમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં એક હીથ્રો દ્વારા વાર્ષિક ૮૦ મિલિયન પ્રવાસીની હેરફેર થાય છે. ૧૪ બિલિયન પાઉન્ડના ખર્ચે ૨૦૨૮માં બંધાઈ રહેનારા ત્રીજા રનવેથી દૈનિક વધુ ૭૦૦ વિમાન આવવાના હતા અને તેના કારણે કાર્બન એમિશનમાં ભારે વધારો થવાનો હતો.

હીથ્રો અને ત્રીજા રનવેની તરફેણ કરનારાઓ અનુસાર તેનાથી આર્થિક ઉત્તેજન મળશે તેમજ બ્રેક્ઝિટ પછી આંતરરાષ્ટ્રીય બિઝનેસ માટે તે જરૂરી છે. જોકે, કોર્ટ ઓફ અપીલે વાયુ અને અવાજ પ્રદુષણ તેમજ ટ્રાફિક અને મલ્ટિબિલિયન પાઉન્ડના ખર્ચ સંબંધિત હાઈ કોર્ટે ફગાવેલી અન્ય ચેલેન્જીસને ઉલટાવી નથી. જોકે, ચુકાદામાં મિનિસ્ટરોએ સરકારના ઝીરો નેટ કાર્બન એમિશન અભિયાનને ધ્યાનમાં લીધું ન હોવાનું પણ જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter