લંડનઃ નેશનલ લોટરી 1994માં લોન્ચ કરાયા પછી બ્રિટનની કોર્નર શોપ્સ દ્વારા લોટરી ટિકિટોના વેચાણ થકી સારા ઉદ્દેશો માટે 10 બિલિયન પાઉન્ડથી વધુ રકમનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે લોટરીનું વિજેતા ઈનામ જીતવાની ખેલાડીઓની ઈચ્છા ઉપરાંત, લોટરી પાછળ ખર્ચાતા પ્રત્યેક પાઉન્ડમાંથી સરેરાશ 23 પેન્સ કોમ્યુનિટી ગ્રૂપ્સ, સ્પોર્ટ્સ સંસ્થાઓ અને હેરિટેજ પ્રોજેક્ટ્સ માટે જાય છે.
ઓનલાઈન ગેમ્સ રમનારા લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે પણ ઘણા લોકો ડ્રો અથવા સ્ક્રેચકાર્ડ માટે ટિકિટ ખરીદવા દુકાનોમાં આંટો મારતા રહે છે. સુપરમાર્કેટ્સ અને અન્ય ચેઈન સ્ટોર્સની માફક કોર્નર શોપ્સ પણ આવા ખરીદારો પર આધાર રાખે છે.
ત્રણ દાયકા જેટલા લાંબા સમયથી કાર્યરત લોટરી ઓપરેટર કેમલોટ પાસેથી બે વર્ષ અગાઉ એલ્વિન દ્વારા નેશનલ લોટરીના સંચાલનનો હવાલો સંભાળી લેવાયો છે ત્યારે 22,000થી વધુ સ્વતંત્ર રિટેઈલ ટિકિટ વેચાણકારો દ્વારા સારા કાર્યો માટે 10 બિલિયન પાઉન્ડનું સીમાચિહ્ન હાંસલ કરાવા બદલ તેમને સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો છે. આમાંથી 1,623 દુકાનોએ ચિકિટોના વેચાણ થકી 500,000 પાઉન્ડથી વધુ રકમ જ્યારે 469 દુકાનોએ 1,000,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી છે . લોઉથ અને વેસ્ટ બ્રોમવિચની બે સ્વતંત્ર દુકાનોએ સારા કાર્યો માટે અલગ અલગ3,000,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી છે.
સ્થાનિક રિટેઈલર્સ દ્વારા સારા ઉદ્દેશો માટે એકત્ર કરાયેલી 10 બિલિયન પાઉન્ડથી વધુ રકમ થકી ઓલિમ્પિક અને પેરાલિમ્પિક એથ્લીટ્સને તાલીમ, એવોર્ડવિજેતા બ્રિટિશ ફિલ્મ્સ અને પ્રતિષ્ઠિત મ્યુઝિયમ્સ અને આર્ટ ગેલેરીઝને ફંડ તેમજ મહત્ત્વના કોમ્યુનિટી, એજ્યુકેશન અને હેરિટેજ પ્રોજેક્ટ્સને સપોર્ટ સહિતના કાર્યો થાય છે. જોકે, હવે લોટરીની ટિકિટોનું વેચાણ ઘટી રહ્યું હોવાથી નેશનલ લોટરી ઓપરેટર એલ્વિન ભારે દબાણ હેઠળ છે.


