લંડન
બ્રિટનના વડાંપ્રધાન લિઝ ટ્રસે પોતાના મિની બજેટના કારણે ડામાડોળ બનેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના ધમપછાડાના ભાગરૂપે વધુ એક ગુલાંટ મારતાં કોર્પોરેશન ટેક્સમાં વધારો નહીં કરવાના નિર્ણયને ઉલટાવી નાખ્યો છે. જોકે કરવેરામાં કાપ મૂકવાના પોતાના નિર્ણયો અંગે ખેદ વ્યક્ત કરવાનો તેમણે ઇનકાર કરી દીધો છે. પોતાની ખુરશી બચાવવા હવાંતિયા મારી રહેલા લિઝ ટ્રસે 14 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે કોર્પોરેશન ટેક્સમાં વધારો કરાશે. અગાઉ તેમણે આ વધારો નહીં કરવાનું વચન આપ્યું હતું.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ફક્ત 8 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં વડાંપ્રધાનપદેથી રાજીનામુ આપવાનો ઇનકાર કરતાં ટ્રસે જણાવ્યું હતું કે, મેં દેશના હિતમાં કામ કર્યું છે. શું તમારી કોઇ વિશ્વસનિયતા બચી છે કે કેમ તે અંગેનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.
લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, કોર્પોરેશન ટેક્સમાં વધારો નહીં કરવાના મારા નિર્ણયને હું પડતો મૂકું છું. અમારા મિની બજેટનો હિસ્સો બજારોની અપેક્ષા કરતાં વધુ ઝડપી રહ્યો તેથી હવે અમે અમારા મિશનમાં બદલાવ કરી રહ્યાં છીએ. હું પ્રામાણિક બનવા ઇચ્છું છું. મારા માટે આ મુશ્કેલ છે પરંતુ આપણે આ તોફાનમાંથી બહાર આવીશું અને આપણે મજબૂત વિકાસદર હાંસલ કરીશું જે આપણા દેશમાં સમૃદ્ધિ લાવશે.
અગાઉ લિઝ સરકારે કોર્પોરેશન ટેક્સ 19 ટકા પર યથાવત રાખવા વચન આપ્યું હતું
લિઝ ટ્રસે જણાવ્યું હતું કે બ્રિટનમાં કોર્પોરેશન ટેક્સ હવે 25 ટકા કરાશે. આ પહેલાં 23 સપ્ટેમ્બરના રોજ લિઝ ટ્રસ સરકારે રજૂ કરાલે મિની બજેટમાં જણાવવામાં આવ્યું હતું કે, કોર્પોરેશન ટેક્સ 19 ટકાના દરે યથાવત રખાશે. કોર્પોરેશન ટેક્સમાં આ વધારાના કારણે સરકારની તિજોરીને 18 બિલિયન પાઉન્ડની વધારાની આવક થશે.
લિઝ સરકારનું આ પગલું બૂમરેંગ પૂરવાર થશે - ઉદ્યોગજગત
કોર્પોરેશન ટેક્સમાં વધારાની જાહેરાતના પગલે બ્રિટનના ઉદ્યોગજગતે મદદ માટે નવા વિકલ્પો શોધી કાઢવા લિઝ સરકારને અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા તાકિદે કોઇ પગલાં નહીં લેવાય તો દેશમાં મૂડીરોકાણ પર ગંભીર અસર થશે. ઉદ્યોગજગતના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, બિઝનેસ કરવો મુશ્કેલ બની રહેશે કારણ કે લેન્ડર્સને તેમના પ્રોફિટ પર 33 ટકાનો કર ચૂકવવો પડશે. ટ્રસ સરકારનું આ પગલું બૂમરેંગ પૂરવાર થશે.

