કોર્બીન અને બ્રેક્ઝિટ નીતિ લેબર પાર્ટીના પરાજયનું મુખ્ય કારણ

Wednesday 08th January 2020 02:24 EST
 
 

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં જેરેમી કોર્બીન તેમજ બ્રેક્ઝિટ અંગે ખોટાં વલણના કારણે જ લેબર પાર્ટીએ પરાજય વેઠવો પડ્યો તેમ માનનારાની સંખ્યા વધતી જાય છે. યુગવ દ્વારા ૨૦૧૭માં લેબર પાર્ટીને મત આપનારા પરંતુ ૨૦૧૯માં તેનાથી વિમુખ થયેલા ૫૦૦ મતદારોનો સર્વે કરાયો હતો.

યુગવ પોલમાં જણાયું છે કે આ વર્ષની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીનું સમર્થન નહિ કરવાનું મુખ્ય કારણ જેરેમી કોર્બીનની નેતાગીરી હતી જેના કારણે જ બોરિસ જ્હોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટીને અભૂતપૂર્વ વિજય મળ્યો હતો. આ ચૂંટણીમાં લેબર પાર્ટીનો મતહિસ્સો આશરે આઠ ટકા ઘટ્યો હતો. ૩૫ ટકા મતદારોએ કહ્યું હતું કે કોર્બીનની નેતાગીરીના કારણે તેમણે લેબરને સમર્થન આપ્યું ન હતું. બે વર્ષ અગાઉના ૪૬ ટકાની સરખામણીએ આ વર્ષે માત્ર ૨૧ ટકા મતદારે લેબરનેતાની તરફેણ કરી હતી.

મોટા ભાગના લોકોએ પક્ષ ચલાવવામાં કોર્બીનની ભૂલો વિશે વિગતે જણાવ્યું ન હતું પરંતુ, તેમનો ભ્રમ ભાંગી જવામાં બ્રેક્ઝિટ મુદ્દે અસ્પષ્ટ વલણ કે નીતિ મુખ્ય પરિબળ હતું. પાંચમાંથી એક વ્યક્તિએ કહ્યું કે ઈયુ છોડવા મુદ્દે નેતાગીરીની રણનીતિ તેમના અળગા થવાનું મુખ્ય કારણ હતું. કોર્બીન બ્રેક્ઝિટ મુદ્દે તટસ્થ વલણના લીધે કોર્બીન તદ્દન નબળા અને અનિર્ણાયક નેતા સાબિત થયા હોવાનું ૧૩ ટકા મતદારોએ જણાવ્યું હતું.

સુનિયોજિત મતદાનથી પણ પાર્ટીને નુકસાન થયું હતું. આ કારણે કોર્બીનને મત નહિ આપ્યો હોવાનું ૧૦ ટકા મતદારોએ જણાવ્યું છે. ઈયુતરફી મતદારોમાં આ સંખ્યા વધીને ૧૫ ટકા તેમજ ઈયુવિરોધી મતદારોમાં ત્રણ ટકા થઈ હતી. સતત ચાર ચૂંટણીમાં નિષ્ફળ જવા વિશે પાર્ટીમાં સ્વતંત્ર તપાસસમીક્ષા હાથ ધરાઈ છે. ૨૦૧૫માં પરાજય પછી નેતાગીરી છોડનારા એડ મિલિબેન્ડ, પૂર્વ શેડો એજ્યુકેશન સેક્રેટરી લ્યૂસી પોવેલ, બર્મિંગહામ લેડીવૂડના સાંસદ શબાના મહેમૂદ પણ આ સમીક્ષામાં સાથ આપી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter