એડિનબરાઃ યુકેમાં સામાન્ય માનવીની સરેરાશ વાર્ષિક આવક ૨૬,૫૦૦ પાઉન્ડ ગણાય છે, જેની સામે પાંચ ગણું વાર્ષિક ૧૩૭,૦૦૦ પાઉન્ડનું તગડું વેતન મેળવતા લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન પોતાને ધનવાન ગણવાનો ઈનકાર કરે છે. વેતન ઉપરાંત, કોર્બીન ૬૦૦,૦૦૦ પાઉન્ડ કિંમતનું ઘર અને ૧.૬ મિલિયન પાઉન્ડનું પેન્શન ધરાવે છે.
લેબર નેતા કોર્બીને એડિનબરાની મુલાકાત દરમિયાન કળાભંડોળની નવી નીતિ જાહેર કરી ત્યારે આવી ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘બેલે અને ઓપેરાનો આનંદ માત્ર ધનવાન લોકો જ લઈ શકે તેમ ન હોવું જોઈએ. હું પોતાને ધનવાન ગણતો નથી, છતાં ક્લાસિકલ મ્યુઝિકના કેટલાંક પાસાનો આનંદ માણું છું.
સત્તાવાર રેકોર્ડ્ઝ અનુસાર કોર્બીને ગત ૩૦ વર્ષમાં સરકાર પાસેથી ૩૦ લાખ પાઉન્ડથી વધુ રકમ મેળવી છે. તેમણે સાંસદ તરીકે વેતનમાં ૧૫ લાખ પાઉન્ડથી વધુ આવક મેળવી છે અને તેઓ નિવૃત્ત થશે ત્યારે ઉદાર ૧.૬ મિલિયન પાઉન્ડના પેન્શન ફંડનો લાભ મેળવશે, જેમાંથી સાંસદ તરીકે તેઓ વાર્ષિક ૫૦,૦૦૦ પાઉન્ડ મેળવશે.
આ ઉપરાંત, તેમને સરકારી પેન્શન અને નોર્થ લંડનની હેરિન્જ કાઉન્સિલના સભ્ય હતા તેમાંથી પણ લાભ મેળવશે. આની સરખામણીએ યુકેમાં સરેરાશ વાર્ષિક આવક ૨૬,૫૦૦ પાઉન્ડ છે અને સરકારી બેઝિક પેન્શનના હકદારોને વાર્ષિક ૬,૦૦૦ પાઉન્ડ જેટલું જ પેન્શન મળી શકે છે. સત્તાવાર રેકોર્ડ્ઝ એમ પણ જણાવે છે કે કોર્બીનની માતાનું ૧૯૮૭માં અવસાન થયું ત્યારે કોર્બીનને વારસામાં ૩૭,૪૭૮ પાઉન્ડ મળ્યા હતા, જેનું વર્તમાન મૂલ્ય લગભગ ૧૦૦,૦૦૦ પાઉન્ડ ગણી શકાય.


