કોર્બીન- ઓવરસીઝ કોંગ્રેસની બેઠકમાં કાશ્મીર મુદ્દો ઉખેળાયોઃ ભાજપમાં રોષ

Wednesday 16th October 2019 06:03 EDT
 
 

લંડનઃ કમલ ધાલીવાલના વડપણ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC)નું પ્રતિનિધિમંડળ લેબર પાર્ટીનાં નેતા જેરેમી કોર્બિનને મળ્યા પછી ભારતની કોંગ્રેસ પાર્ટી ફરી સંકટમાં આવી છે. કોર્બીને આ બેઠકમાં કાશ્મીરમાં માનવ અધિકારોના હનનનો મુદ્દો ઉખેળ્યો હતો. કાશ્મીર અંગે કોર્બીનના વલણથી ભારતીય જનતા પક્ષમાં રોષ પ્રવર્તે છે. જેરેમી કોર્બીને કોંગ્રેસ પ્રતિનિધિઓ સાથેની મુલાકાતને ફળદાયી ગણાવી ટ્વિટ કર્યું હતું કે, ‘કોંગ્રેસનાં પ્રતિનિધિઓ સાથેની મુલાકાત સારી રહી. અમે મિટિંગમાં કાશ્મીરમાં માનવ અધિકાર મુદ્દે ચર્ચા કરી હતી. કાશ્મીરમાં ઘણા સમયથી ફેલાયેલા હિંસા અને ડરનો માહોલ દૂર કરવા ભારત સરકારે પગલાં લેવા જોઈએ.’

ભાજપે કોંગ્રેસના નેતાઓ વિદેશી નેતાઓ સાથે શું વાતચીત કરી રહ્યા છે તેની કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માગી છે.. ભાજપના વિદેશ વિભાગના ઈન્ચાર્જ વિજય ચોથાઈવાલેએ જણાવ્યું હતું કે, ‘આ કોંગ્રેસ યુકેના લેબરનેતા પાસેથી સલાહ મેળવી રહી છે, કદાચ તેઓ સીધા પાકિસ્તાનમાં તેમના માસ્ટર્સ પાસે પણ જઈ શકે છે.’

કમલ ધાલીવાલે ટ્વીટ કર્યું હતું કે,‘જેરેમી કોર્બીન સાથે અમારી બેઠક તેમની પાર્ટીએ પસાર કરેલા કાશ્મીર ઠરાવને વખોડવા તેમજ જમ્મુ-કાશ્મીર આંતરિક બાબત છે અને બાહ્ય હસ્તક્ષેપ ચલાવી લેવાશે નહિ તેનો પુનરુચ્ચાર કરવા માટેની હતી. ભાજપના દ્વેષપૂર્ણ નિવેદનો લોકોનું ધ્યાન તેમની સરકારની નિષ્ફળતાથી દૂર કરવાના પ્રયાસ જ છે.’

કોંગ્રેસીનેતા આનંદ શર્માએ બચાવમાં કહ્યું છે કે કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે. આર્થિક મંદી, બેરોજગારી અને બેન્કોની કટોકટી સંદર્ભે જવાબ આપવામાં નિષ્ફળ ભાજપ આ મુદ્દે જુઠ્ઠાણુ ફેલાવવા કોશિષ કરી રહ્યું છે.

આ મિટિંગમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનાં પ્રમુખ કમલ ધાલીવાલ, જનરલ સેક્રેટરી ગુરમિન્દર રંધાવા હાજર હતા. ધાલીવાલ રાહુલ ગાંધીની નિકટ ગણાય છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત સરકાર પર હુમલો કરવામાં કોંગ્રેસના નિવેદનો ક્વોટ કર્યા હતા. તેમણે ન્યૂ યોર્કમાં યુએન મહાસભામાં સંબોધન કરતી વેળાએ પણ કોંગ્રેસ પાર્ટીનો ઉલ્લેખ કર્યો હતો.

બ્રિટનના વિપક્ષ લેબર પાર્ટીએ ૨૬ સપ્ટેમ્બરે બ્રાઈટનમાં પક્ષના વાર્ષિક અધિવેશનમાં કાશ્મીર પર ઈમર્જન્સી ઠરાવ પસાર કર્યો હતો, જેમાં આ પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય નીરિક્ષકોના પ્રવેશની હાકલ કરાઈ હતી. જમ્મુ અને કાશ્મીરને આર્ટિકલ ૩૭૦ અન્વયે અપાયેલા વિશેષ દરજ્જાને પાછા ખેંચવા સાથે બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના મોદી સરકારના પગલાં સામે આ ઠરાવ કરાયો હતો. તે સમયે પણ ભાજપે આ ઠરાવને ભારતની આંતરિક બાબતોમાં અવિચારી હસ્તક્ષેપ સમાન ગણાવી વિરોધ કર્યો હતો. કાશ્મીર વિશે યુકેનું સત્તાવાર વલણ તે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી મુદ્દો હોવાનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter