કોર્બીન વડા પ્રધાન બને તો સુપર-રિચ લોકો દેશ છોડી જવાની તૈયારીમાં?

જેરેમી કોર્બીનની યાદીમાં સ્પોર્ટ્સ ડાયરેક્ટ અને ન્યૂકેસલ યુનાઈટેડના બિલિયોનેર માલિક માઈક એશ્લે, હેજ ફંડ મેનેજર ક્રિસ્પિન ઓડે, કેમિકલ્સ બિલિયોનેર જિમ રેટક્લિફ, ધ સન અને સન્ડે ટાઈમ્સના માલિક રુપર્ટ મુર્ડોક અને સેન્ટ્રલ લંડનમાં વિશાળ પ્રોપર્ટી સામ્રાજ્ય ધરાવતા ડ્યૂક ઓફ વેસ્ટમિન્સ્ટરનો સમાવેશ

Wednesday 13th November 2019 02:09 EST
 
 

લંડનઃ આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીનું શાસન આવે અને જેરેમી કોર્બીન વડા પ્રધાન બને તો ભારે કરવેરા લગાવાશે તેવી સંભાવના યુકેના સુપર-રિચ લોકો નિહાળી રહ્યા છે અને આ કારણે તેઓ ગણતરીની મિનિટોમાં દેશ છોડવાની તૈયારી કરી રહ્યા છે. યુકેના સુપર-ધનવાન લોકોને લેબર સરકાર દ્વારા સંપત્તિ પર નવા ઊંચા ટેક્સીસ, મૂડી નિયંત્રણો અને ખાનગી શાળાઓ પર પ્રતિબંધ સહિતના પગલાં લેવાવા સાથે બિલિયન્સ પાઉન્ડ ગુમાવવા પડે તેવો ભય સતાવી રહ્યો છે. તેઓને હાર્ડ બ્રેક્ઝિટ કરતાં પણ કોર્બીનની નેતાગીરીમાં લેબર સરકાર તેમના બિઝનેસીસ અને સંપત્તિ માટે વધુ ધમકીરુપ બનશે તેવો ડર છે.

દેશના સૌથી ધનાઢ્ય પરિવારો સાથે સંકળાયેલા ધારાશાસ્ત્રીઓ અને એકાઉન્ટન્ટ્સનું કહેવું છે કે ૧૨૫,૦૦૦ પાઉન્ડથી વધુની તમામ વારસાઈ પર ટેક્સ લગાવવાની લેબરનેતા કોર્બીનની ધમકીને ટાળવા બાળકોને વેળાસર બક્ષીસો આપવા તેમજ તેમની સંપત્તિ દેશ બહાર ખસેડવા વિશે મિલિયોનેર્સ અને બિલિયોનેર્સ ક્લાયન્ટો સલાહ માગી રહ્યા છે. ઘણા કિસ્સામાં તો સંપત્તિની ટ્રાન્સફરના દસ્તાવેજો પણ તૈયાર છે અને માત્ર સહીઓ કરવાની બાકી છે. નવા માલિકો અને નવા સ્થળે મૂડી-સંપત્તિની હેરફેરની તૈયારી માટે આખરી મંજૂરીની જ રાહ જોવી રહી છે.

જેરેમી કોર્બીને દેશમાં સમતુલા વ્યવસ્થિત કરવા પાંચ અતિ ધનાઢ્યોને નજરમાં રાખવાની જાહેરાત કરી છે. તેમણે સ્પોર્ટ્સ ડાયરેક્ટ અને ન્યૂકેસલ યુનાઈટેડના બિલિયોનેર માલિક માઈક એશ્લેને વર્કર્સનું શોષણ કરનારા ‘બેડ બોસ’ તરીકે ગણાવ્યા છે. આ ઉપરાંત, તેમની યાદીમાં હેજ ફંડ મેનેજર ક્રિસ્પિન ઓડે, કેમિકલ્સ બિલિયોનેર જિમ રેટક્લિફ, ધ સન અને સન્ડે ટાઈમ્સના માલિક રુપર્ટ મુર્ડોક અને સેન્ટ્રલ લંડનમાં વિશાળ પ્રોપર્ટી સામ્રાજ્ય ધરાવતા ડ્યૂક ઓફ વેસ્ટમિન્સ્ટરનો સમાવેશ થાય છે. જિમ રેટક્લિફે તો યુકે છોડી ટેક્સ-ફ્રી મોનાકો જતા રહેવાનું પસંદ કર્યું છે. માઈક એશ્લેએ ઉત્તર વાળતા એમ કહ્યું હતું કે દેશની વાત તો બાજુએ રાખો, સારા નસીબે લેબરને તો કેમ્પેઈન ચલાવતા પણ નથી આવડતું.

કોર્બીનથી એક ડગલું આગળ વધીને શેડો ટ્રેઝરી મિનિસ્ટર ક્લાઈવ લેવિસે બીબીસીના ન્યૂઝનાઈટ પ્રોગ્રામમાં કહ્યું હતું કે, ‘બિલિયોનેર્સનું તો અસ્તિત્વ જ ન હોવું જોઈએ. વિડંબના એ છે કે આ પૃથ્વી પર એવા લોકો છે જેઓ દિવસમાં એક ડોલરથી ઓછી કમાણીમાં જીવન ગુજારે છે. વિશ્વમાં સૌથી ધનાઢ્યોમાં છઠ્ઠા ક્રમના આ દેશમાં લોકો શેરીઓમાં ખુલ્લા-ગમે ત્યાં રાત ગુજારે છે.’ તેમણે ખાનગી શાળાઓને અસમાનતાને આગળ વધારનારા એન્જિન જેવી ગણાવી હતી. ઘણા ધનવાન લોકો તેમના સંતાનો એટોન, હેરો કે વિન્ચેસ્ટરમાં અભ્યાસ કરાવી નહિ શકાય તેવી ચિંતાથી સારી ખાનગી શાળાઓ ધરાવતા સ્વિટ્ઝર્લેન્ડ અને ઓછાં ટેક્સ સાથેના દેશોમાં સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે. Phones4u ના બિલિયોનેર સ્થાપક જ્હોન કૌડવેલે તો કોર્બીન વડા પ્રધાન બને તો દેશ છોડી જવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું હતું કે કોર્બીનની નેતાગીરી હેઠળની સરકાર સંપૂર્ણ ફિયાસ્કો બનશે.

કોર્બીને તેઓ ધનવાનોને કેવી રીતે નિશાન બનાવશે તે સ્પષ્ટ કર્યું નથી પરંતુ, લેબર પાર્ટીના ૨૦૧૭ના મેનિફેસ્ટોમાં ૮૦,૦૦૦ પાઉન્ડથી વધુ કમાનાર લોકો પર ૪૫ ટકા તેમજ ૧૨૩,૦૦૦ પાઉન્ડથી વધુ કમાનાર લોકો માટે ૫૦ ટકાના ટેક્સદર લાદવાની તરફેણ કરી હતી. હાલ ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ કમાનાર લોકો માટે ઈન્કમટેક્સનો સૌથી ઊંચો દર ૪૫ ટકાનો છે. સ્ટોકબ્રોકર હારગ્રીવ્ઝ લેન્સડાઉનના બિલિયોનેર સહસ્થાપક પીટર હારગ્રીવ્ઝનું કહેવું છે કે તેમણે ગત વર્ષે આશરે ૪૦ મિલિયન પાઉન્ડનો ટેક્સ ભર્યો હતો. ‘જો સૌથી મોટા ૫૦ ટેક્સદાતા વિમાનમાં બેસી દેશ છોડી દેશે તો ચાન્સેલરના બજેટમાં મોટું કાણું જ પડી જશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter