લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન સામે બળવાના એંધાણ દેખાઈ રહ્યા છે. પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કોર્બીન વિરુદ્ધ પડકાર સર્જાયો છે. લિઝ કેન્ડાલ, ચુકા ઉમન્ના અને સ્ટીફન કિનોક સહિત પાર્ટીના ૧૨ મધ્યમમાર્ગી સાંસદો સસેક્સના ફાર્મહાઉસમાં એકત્ર થયા હતા. જોકે, બેઠકમાં સામેલ સાંસદો હાલ ખુલ્લી રીતે બહાર આવવા ઈચ્છતા નથી.
અગાઉ પણ કોર્બીનને પડકાર આપવા એક બેઠક યોજાઈ હતી. છેલ્લે મે મહિનામાં સસેક્સના સુંદર ફેર ઓક ફાર્મમાં યોજાએલી બેઠકમાં પાર્ટી લીડરશિપના પૂર્વ ઉમેદવાર લિઝ કેન્ડાલ, પૂર્વ શેડો બિઝનેસ સેક્રેટરી ચુકા ઉમન્ના, પક્ષના પૂર્વ નેતાના પુત્ર સ્ટીફન કિનોક અને સ્વતંત્ર સાંસદ જ્હોન વૂડકોક પણ બેઠકમાં સામેલ થયાં હોવાનું કહેવાય છે. બેઠકમાં સામેલ એક સૂત્રના જણાવ્યા અનુસાર કોઈ વખત કોર્બીનની નેતાગીરી પડી ભાંગવાની છે ત્યારે પક્ષ પર ફરી નિયંત્રણ કેવી રીતે મેળવવું તેની ચર્ચા કરવા તેઓ નિયમિત મળે છે. પક્ષમાં યહુદીવાદ વિરોધી ચરુ ઉકળી રહ્યો છે તેનું શું પરિણામ આવે છે તેની રાહ જોવાઈ રહી છે.
જે યોજનાઓ ચર્ચાઈ રહી છે તેમાં નવી પાર્ટીની સ્થાપના તેમજ કોર્બીન ચૂંટણી જીતે તો પણ તેમને વડા પ્રધાન ન બનવા દેવાનો સમાવેશ થાય છે.

