લંડનઃ જેરેમી કોર્બીન તેમના સાથી કેન લિવિંગસ્ટનને લેબર પાર્ટીમાંથી હાંકી ન કાઢે તો શેડો કેબિનેટમાંથી રાજીનામા આપવાની સિનિયર નેતાઓએ ચેતવણી ઉચ્ચારી છે. આ ચેતવણી યહુદીઓ વિરુદ્ધ નિવેદનના વિવાદમાં કોર્બીનના વલણ બદલ તેમને હોદ્દો છોડી દેવા એક મુખ્ય દાતાએ જણાવ્યા પછી અપાઈ છે. લેબર નેતા કોર્બીને હોદ્દો સંભાળ્યો તે પછી તેમના માટે આ સૌથી મોટો પડકાર ઉભો થયો છે. લેબર પાર્ટીએ તેના ૫૦ સભ્યોને યહુદી વિરુદ્ધ નિવેદન તથા રંગભેદી ટીકા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. લંડનના મેયરની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લેબર નેતાએ બ્રિટનની હિન્દુ અને ભારતીય કોમ્યુનિટીને નારાજ કરી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે બ્રિટનમાં પ્રવેશબંધીની હિમાયત કરીને કોર્બીને ભારતીયોનો વિરોધ અને નારાજગી વહોરી લીધી છે. જેની અસર ચૂંટણી પર પડવાની શક્યતા છે.
સ્થાનિક ચૂંટણીઓ અગાઉ લેબર પાર્ટીના નેતા પર દબાણ વધી રહ્યું છે. આ ચૂંટણીમાં તેમનો પક્ષ ૧૦૦થી વધુ બેઠકો ગુમાવશે તેવી આગાહી કરાઈ છે. આ વિવાદ અંગે વરિષ્ઠ નેતાઓ એટલા બધા ચિંતિત બન્યા છે કે ઈયુ જનમત પછી બળવાની શક્યતા વિશે તેઓ જાહેરમાં ચર્ચા કરી રહ્યા છે. ચૂંટણીનું પરિણામ સારું નહિ આવે તો ચૂંટણી પછી કોર્બીનને હટાવવા માટે સાંસદો બળવાની તૈયારી કરી રહ્યા હોવાનું કહેવાય છે. શેડો ચાન્સેલર જહોન મેકડનેલ તેમનું સ્થાન સંભાળશે. કોર્બીને પહેલી વખત સમસ્યા હોવાનું સ્વીકારીને તે બહુ મોટી ન હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું, ‘અમુક લોકો ન બોલવા જેવું બોલ્યા હતા. અમે તેમને કહ્યું હતું કે તેમને સસ્પેન્ડ કરીને તપાસ કરાશે.’
બીજી બાજુ ઈઝરાયેલને અમેરિકામાં ભેળવી દેવું જોઈએ તેવી ફેસબુક પર એક પોસ્ટ સહિત સોશિયલ મીડિયા પર યહુદીઓ વિરુદ્ધ પોસ્ટસ મૂકવા બદલ બ્રેડફોર્ડ વેસ્ટના સાંસદ નાઝ શાહને લેબર પાર્ટીએ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા હતા. જેરેમી કોર્બીને જણાવ્યું હતું કે નાઝ શાહે કરેલી ટિપ્પણી ‘અપમાનજનક અને અસ્વીકાર્ય’ છે પરંતુ પોતે માને છે કે નાઝના મંતવ્યો તેવા નથી.
યહુદીઓ વિરુદ્ધના નિવેદનથી પક્ષને ગંભીર નુક્સાન થવાના ભયને લીધે લેબર પાર્ટીએ નાઝ ઉપરાંત નોટિંગહામના કાઉન્સિલર ઈલ્યાસ અઝીઝ, બ્લેકબર્નના કાઉન્સિલર સલીમ મુલ્લા અને બર્નલેના કાઉન્સિલર શાહ હુસૈન એમ અન્ય ત્રણને સસ્પેન્ડ કરી દીધા હતા. આ વિવાદના પરિણામે કોર્બીન માનવ અધિકાર ગ્રૂપ લિબર્ટીના પૂર્વ ડિરેક્ટર શમી ચક્રબર્તીના અધ્યપક્ષપદે સ્વતંત્ર તપાસ સમિતિ નીમી છે. બીજી તરફ, હાઉસ ઓફ કોમન્સમાં નાઝ શાહે માફીદર્શક નિવેદનમાં કહ્યું હતું કે ‘યહૂદી વિરોધ એ રંગભેદ છે. એક સાંસદ તરીકે હું મુસ્લિમ, યહૂદીઓ તેમજ વિવિધ ધર્મોના લોકો વચ્ચે સંબંધોના નિર્માણ માટે તમામ કરી છૂટીશ.’
લંડનના મેયરની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લેબર નેતાએ બ્રિટનની હિન્દુ અને ભારતીય કોમ્યુનિટીને નારાજ કરી છે. કોર્બિન દ્વારા લેબર પાર્ટીના મેયર પદના ઉમેદવાર તરીકે નિયુક્ત સાદિક ખાને મધ્યમમાર્ગીય મતો જીતવા માટે કોર્બિનથી અળગા થવાનું પસંદ કર્યું છે. પરંતુ કોર્બિનની નેતાગીરીએ બ્રિટનની હિન્દુ કોમ્યુનિટીમાં કડવાશનું વાતાવરણ સર્જ્યું છે.
હિન્દુ કોમ્યુનિટી અને યુકેના ૧૨ લાખ ભારતીયો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સમર્થકો છે. મોદીની ઐતિહાસિક મુલાકાત વેળા કોર્બિનના વલણને અણદેખ્યું કરી શકાય નહીં. ખાસ કરીને સપ્ટેમ્બર ૨૦૧૩માં કોર્બીન ભારતમાં ૨૦૦૨માં બ્રિટિશ નાગરિકો સહિત સેંકડો મુસ્લિમોનો જાન લેવાયાના દાવા સાથેની સાંપ્રદાયિક હિંસામાં કથિત ભૂમિકાને ધ્યાનમાં રાખીને મોદીને બ્રિટનમાં પ્રવેશ માટે પ્રતિબંધિત કરવા સપ્ટેમ્બર ૨૦૧૩ની અર્લી ડે મોશન-૪૭૯ પર સહી કરી હતી. કોર્બીન એ સમજવામાં નિષ્ફળ રહ્યાં હતા કે આજ રમખાણોમાં હિન્દુઓ પણ સમાન રીતે માર્યા ગયા હતા અને ભારતની સુપ્રીમ કોર્ટે ભારતીય વડા પ્રધાન દોષિત નહીં હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
પૂર્વ લિબ ડેમ કાઉન્સિલર ચુની ચાવડાએ મોદી સમર્થકો વતી લેબર પાર્ટીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘જેરેમી કોર્બીન અને અન્યો સામે હકીકત સ્પષ્ટ થઈ છે ત્યારે કોર્બીન પોતાની ભૂલ સુધારે તે સમય પાકી ગયો છે. તેમણે પોતાને ઈડીએમ ૪૭૯થી અળગા કરવા પડશે તેમજ જાહેરમાં નરેન્દ્ર મોદીની બિનશરતી માફી માગવી જોઈએ. જો તેઓ આમ ન કરે તો કોઈપણ માની શકે છે કે જેરેમી કોર્બીન રેસીસ્ટ, હિન્દુ વિરોધી અને ભારત વિરોધી છે. ભારત અને હિન્દુઓએ લેબર પાર્ટી સાથે તેમના સંબંધો વિશે વિચારવું જોઈએ. આ સંદર્ભે ભારતીયો અને હિન્દુઓએ નાઝ શાહ અને કેન લિવિંગ્સ્ટનના તાજેતરના પ્રકરણોને અનુસરી યહૂદી કોમ્યુનિટીમાંથી પાઠ શીખવો જોઈએ.’
બીજી તરફ, યહૂદી મૂળના તેમજ વિશાળ સંપત્તિ સાથે સમાજમાં સ્થાન ધરાવતા ઝેક ગોલ્ડસ્મિથે લેબર ઉમેદવાર ખાનના મેનિફેસ્ટો અને તેના કથિત ત્રાસવાદીઓ સાથે તેમના પરિવાર સાથેના સંબંધો વિશે ભારે હૂમલો કર્યો છે.
તેમણે વિશેષ મેનીફેસ્ટો સાથે લંડનના ભારતીયોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે એક વિરોધાભાસ દેખાઈ આવે છે કે પ્રસિદ્ધ પાકિસ્તાની રાજકારણી ઇમરાન ખાનની પૂર્વ પત્ની અને પોતાની બહેન જેમીમા ખાનને અંગત વિશ્વાસુ ગણાવી સાદિક ખાનની વિશ્વસનીયતા અને ધર્મ સામે આંગળી ચિંધી છે. તે બાબત જાણીતી છે કે ઇમરાન અને જેમીમાનો એક કિશોર પુત્ર ગોલ્ડસ્મિથના મેયરની ચૂંટણીમાં યુવાનોના પ્રચારમાં આગળ છે. તો બીજી તરફ ઈમરાને પોતાના પૂર્વ સાળાને ચૂંટણીમાં વિજયી બનાવવા પોતાના અનુભવોને કામે લગાવ્યો હોવાનું કહેવાય છે.


