કોર્બીનના નેતૃત્વ અભિયાનને ધક્કો

Monday 15th August 2016 12:07 EDT
 
 

લંડનઃ કોર્ટ ઓફ અપીલ દ્વારા છ મહિના કરતા ઓછાં સમયથી લેબર પાર્ટીમાં જોડાયેલા સભ્યોને મતાધિકાર નહિ આપવાના લેબર પાર્ટીના નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (NEC)ના નિર્ણયને સમર્થન અપાતા જેરેમી કોર્બીનના નેતૃત્વ અભિયાનને ધક્કો પહોંચ્યો છે. આનો અર્થ એ છે કે નવા ૧૩૦,૦૦૦ સભ્ય કોર્બીન અને ઓવેન સ્મિથ વચ્ચે નેતૃત્વની આગામી ચૂંટણીમાં મત આપી શકશે નહિ. આ ચુકાદાથી કોર્બીનના સમર્થકોમાં રોષ અને નિરાશા વ્યાપ્યાં છે.

અગાઉ, NECનું એવું વલણ હતું કે ૧૨ જાન્યુઆરી પછી પાર્ટીમાં જોડાયેલાં સભ્યો નેતાની ચૂંટણીમાં મત આપી શકશે નહિ. આની સામે, પાર્ટીના પાંચ નવા સભ્યોએ હાઈ કોર્ટમાં કાનૂની પડકાર આપ્યો હતો. હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આ કોન્ટ્રાક્ટ કાયદાનો ભંગ ગણાય.

જોકે, NECએ ચુકાદાને પડકારતા કોર્ટ ઓફ અપીલે ૧૨ ઓગસ્ટના ચુકાદામાં હાઈ કોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો. લોર્ડ જસ્ટિસ બીટ્સન, લેડી જસ્ટિસ માકુર અને લોર્ડ જસ્ટિસની કોર્ટે કહ્યું હતું કે NEC પાસે નેતૃત્વ ચૂંટણીમાં મત આપવાની લાયકાતના ધોરણો નિર્ધારિત કરવાની સત્તા છે. NECના ચેરમેન પેડ્ડી લિલિસે ભારપૂર્વક કહ્યું હતું કે પાર્ટી પાસે તેની પ્રક્રિયાઓને રક્ષવાનો અધિકાર છે.

લેબર પાર્ટીના નેતાની ચૂંટણીના મતપત્રો ૨૨ ઓગસ્ટથી પોસ્ટ અને ઈમેઈલ દ્વારા મોકલાશે, જે ૨૧ સપ્ટેમ્બર સુધી પરત મોકલવાના રહેશે. લિવરપૂલમાં ૨૪ સપ્ટેમ્બરે યોજાનારી વિશેષ કોન્ફરન્સમાં પરિણામોની જાહેરાત કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter