લંડનઃ ઓલ્ધામ વેસ્ટ એન્ડ રોયટોન પેટાચૂંટણીમાં વિજય મેળવ્યા પછી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીનની હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે. તેઓ પોતાની યુદ્ધવિરોધી નીતિઓ સાથે સંમત નહિ થનારા શેડો કેબિનેટ મિનિસ્ટર્સની હકાલપટ્ટી કરવા સજ્જ થઈ રહ્યા છે. સીરિયા પર હવાઈહુમલાની તરફેણમાં શેડો મિનિસ્ટર્સ સહિત પાર્ટીના ૬૬ સભ્યો બહાર આવ્યા હતા. પક્ષના સાંસદો પર પકડ મજબૂત બનાવવા નવા વર્ષના રીશફલમાં મધ્યમમાર્ગી નેતાઓના હોદ્દાઓ છીનવી લેવાશે. એક શેડો મિનિસ્ટરે ચેતવણી આપી છે કે નેતાઓની હકાલપટ્ટીથી કોર્બીન કશું હાંસલ કરી શકશે નહિ.
સીરિયા પર હવાઈહુમલાના મતદાન પછી કોર્બીનના ગાઢ સાથીઓએ સંકેત આપ્યો હતો કે પાર્લામેન્ટરી લેબર પાર્ટીમાં ડાબેરી સભ્યોની સંખ્યા ઓછી છે અને તે સ્થિતિ બદલવામાં આવશે. ચુકા ઉમન્ના જેવા બ્લેરવાદી નેતાઓના સ્થાને ૨૦૨૦ની ચૂંટણીમાં ડાબેરી ઉમેદવારોને પસંદ કરાશે. શેડો ચાન્સેલર જ્હોન મેકડોનેલે તો ઉમન્નાને સાંસદપદેથી બરખાસ્ત કરવાની હાકલ કરી છે. જોકે, ટીકાકારો એમ કહે છે કે બદલો લેવાની ભાવનાથી પક્ષમાં કાયમી યુદ્ધ છેડાશે.
કોર્બીનનો સ્પષ્ટ વિરોધ છતાં સીરિયા પર હુમલાની તરફેણમાં ૨૧ ફ્રન્ટ બેન્ચ સાંસદો સરકારની સાથે રહ્યા હતા. શેડો ડિફેન્સ સેક્રેટરી મારિયા ઈગલ, શેડો બિઝનેસ સેક્રેટરી એન્જેલા ઈગલ અને ભાવવાહી પ્રવચન આપનારા શેડો ફોરેન સેક્રેટરી હિલેરી બેનના હોદ્દા અસલામત બની ગયા છે. આ ઉપરાંત, મતદાનમાં ગેરહાજર રહેલાં ઓપોઝિશન ચીફ વ્હીપ રોઝી વિન્ટરટન અને તરફેણમાં મત આપનારા વ્હીપ- એલાન કેમ્પબેલ, કોનોર મેકગિન હોલી લીન્ચને પણ બદલવાની યોજના છે.


