કોર્બીનનું નામ બેલેટમાં રાખવા લેબર પાર્ટીની NECનો ચુકાદો

Wednesday 13th July 2016 07:01 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીના ઈતિહાસમાં કદાચ જેરેમી કોર્બીનને સૌથી ખરાબ નેતા ગણવામાં આવતા હશે. ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનના સુકાન હેઠળ બ્રિટનમાં ૨૦૧૦ સુધી ૧૩ વર્ષ માટે શાસન કરનારા ૧૧૬ વર્ષ જૂના પક્ષમાં સર્જાયેલી અરાજકતાને લીધે દેશના ઝડપથી બદલાતા જતા રાજકીય ચિત્રની સાથે પક્ષ ડામાડોળ સ્થિતિમાં મૂકાઈ ગયો છે. જોકે, મંગળવારે રાત્રે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીએ કોર્બીનનું નામ બેલેટ પેપરમાં રાખવાનો નિર્ણય લઈ લીધો છે.  એન્જેલા ઈગલે નેતૃત્વ સ્પર્ધામાં ઝંપલાવ્યાં પછી ઓવેન સ્મિથ પણ બીજા યુનિટી ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા છે. કોર્બીને પેઢીઓ સુધી પક્ષની સાથે રહેનારા બ્રિટિશ ભારતીયોનું સમર્થન પણ ખોઈ દીધું છે. લેબર પાર્ટીના કાર્યકરોના સમર્થનનું પણ બલિદાન અપાયું છે. હાઉસ ઓફ કોમન્સમાં તેમની કામગીરી નુક્સાનકારક રહી, મીડિયા સમક્ષ પણ તેમનો દેખાવ ખૂબ ખરાબ રહ્યો અને તેઓ નવા વિચારો અને પ્રેરણાથી વંચિત થઈ ગયા હોય તેમ લાગે છે.

લેબર પાર્ટીના સાંસદોએ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત ૧૭૨-૪૦ના તફાવતથી પસાર કરી દીધી છે તેવા સંજોગોમાં ચુકાદો તેમની વિરુદ્ધમાં આવશે તો પોતાના પ્રયાસને સમર્થન આપે તેવા સાંસદો મેળવવા માટે કોર્બીને ભારે જહેમત કરવી પડશે. પરંતુ, પાર્ટીના પાયાના કાર્યકર સભ્યોનું મજબૂત સમર્થન તેમણે યથાવત જાળવી રાખ્યું છે.

લેબર પાર્ટી આગામી વાટાઘાટોની પ્રાથમિકતાઓ નક્કી કરી રહી છે તેવા સમયે કોર્બીન મતદારોનો સંપર્ક જાળવવામાં નિષ્ફળ ગયા છે અને તેઓ નેશનલ ઈલેક્શન જીતવા માટે સક્ષમ નથી તેમ કહીને તેમની હરીફ સાંસદ એન્જેલા ઈગલે નેતૃત્વ વિશે સ્પર્ધામાં ઝંપલાવ્યું છે. જોકે, કોર્બીને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેઓ પક્ષના નેતા તરીકે ચૂંટાયા ત્યારે પાયાના કાર્યકરોના મળેલા ભારે સમર્થનને ટાંકીને પોતે રાજીનામું નહીં આપે તેવો વળતો પ્રહાર કર્યો છે. આને લીધે વર્ષ ૧૯૮૦ના દાયકાની માફક પક્ષમાં ભંગાણ થઈ શકે અને બ્રેક્ઝિટ વાટાઘાટો અંગે કેન્દ્ર – ડાબેરીઓનો પ્રભાવ ઘટી જશે તેવો ભય સર્જાયો છે.

પક્ષના આંતરિક વિખવાદે તેના ટેકેદારોમાં તંગદિલી વધારી દીધી છે. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે ઉત્તર ઈંગ્લેન્ડમાં ઈગલની કોન્સ્ટિટ્યુઅન્સી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. કોર્બીને જણાવ્યું હતું કે તેમને અને અન્ય સાંસદોને મોતની ધમકી મળી હતી.

એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું, ‘એન્જેલા ઈગલ એક ડરાવી દેનારા કૃત્યનો ભોગ બની છે તે ભારે ચિંતાની બાબત છે અને અન્ય સાંસદોને પણ ધમકીઓ મળી રહી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter