લંડનઃ લેબર પાર્ટીના નેતાપદેથી જેરેમી કોર્બીનને દૂર ન કરાય તો ડઝન જેટલા સાંસદોએ પાર્લામેન્ટ છોડવા તૈયારી દર્શાવી છે. એક શેડો કેબિનેટ મિનિસ્ટરે એટલે સુધી કહ્યું હતું કે આ સાંસદો વૈકલ્પિક કારકીર્દિનો વિચાર કરી રહ્યા છે. આ સાંસદો માને છે કે કોર્બીનના નેતૃત્ત્વમાં પક્ષ વધુ એક દાયકો સત્તાથી દૂર થઈ જશે. બીજી તરફ, સીરિયા મુદ્દે પોતાના આદેશની અવગણના કરનારા સાંસદોને સત્તાવિમુખ કરવાની કોર્બીનની યોજના હોવાનું મનાય છે.
મે મહિનાની સંસદીય ચૂંટણીમાં ૩૭ લેબર સાંસદોએ પાર્લામેન્ટમાં ન રહેવાનું પસંદ કર્યું હતું. જો કોર્બીન નેતાપદે રહેશે તો ૨૦૨૦માં આ સંખ્યા ઘણી વધુ હશે તેમ પક્ષના જ વરિષ્ઠ સૂત્રે જણાવ્યું હતું. કોર્બીનના યુદ્ધવિરોધી વિચારોની ટીકા કરનારા શેડો ફોરેન સેક્રેટરી હિલેરી બેન અને ડિફેન્સ પ્રવક્તા મારિઆ ઈગલ સહિત મવાળ નેતાઓ સામે કોરડો ઝીંકાય તેવી શક્યતાઓ નવા વર્ષમાં જણાઈ રહી છે. પૂર્વ નેતા એડ મિલિબેન્ડ શેડો કેબિનેટમાં વરિષ્ઠ સ્થાન સંભાળે તેમ કોર્બીન ઈચ્છે છે. જોકે, મિલિબેન્ડ ફ્રન્ટલાઈન રાજકારણમાં પાછા ફરવા તૈયાર નથી.


