લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન માટે મુશ્કેલીઓ વધી રહી છે. નેતાપદની ચૂંટણી માટે અંદાજે ૬૪૦,૦૦૦ મતદાર અને સમર્થકોને મતપત્રો મોકલી અપાયા છે ત્યારે લંડનના મેયર સાદિક ખાન પછી સ્કોટિશ લેબર નેતા કેઝિઆ ડગડેલે પણ જેરેમી કોર્બીનને નેતાપદેથી પડતા મૂકવા સભ્યોને અનુરોધ કર્યો છે. ડગડેલે નેતાપદના સ્પર્ધક ઓવેન સ્મિથને પોતાનો ટેકો જાહેર કર્યો છે. એક પોલના તારણો અનુસાર કોર્બીનના કારણે સંખ્યાબંધ સભ્યો પક્ષ છોડી રહ્યા છે.
સીનિયર સ્કોટિશ લેબર નેતા કેઝિઆ ડગડેલ પણ જેરેમી કોર્બીનની નેતાપદેથી હકાલપટ્ટી કરવાના અભિયાનમાં સામેલ થઈ ગયાં છે. તેમણે કહ્યું હતું કે ઓવેન સ્મિથ પક્ષને એકસંપ બનાવી આગામી સામાન્ય ચૂંટણીમાં વિજય અપાવી શકશે. અગાઉ, એક સમયે કોર્બીનના સમર્થક રહેલા લંડનના મેયર સાદિક ખાને પણ સભ્યોને અપીલ કરી કોર્બીનને દૂર કરવા હાકલ કરી હતી.
ગત છ મહિનામાં પક્ષમાં જોડાયેલાં ૧૩૦,૦૦૦ સભ્યને મતાધિકાર નહિ આપવાના કોર્ટ ઓફ અપીલના ચુકાદા પછી આશરે ૬૪૦,૦૦૦ મતદારને મતપત્રો મોકલી અપાયા છે. ઘણા સભ્યો આગામી દિવસોમાં પોતાનો મત આપે તેવી ધારણા છે. જોકે, મતદાન ૨૧ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને ૨૪ સપ્ટેમ્બરે લેબર પાર્ટી કોન્ફરન્સમાં પરિણામ જાહેર કરાશે.
સ્કોટિશ પાર્લામેન્ટની ચૂંટણીમાં લેબર પાર્ટી ત્રીજા સ્થાને રહી હતી. કોર્બીન સમર્થકો આશા રાખે છે કે તેમની નેતાગીરી સ્કોટલેન્ડના મતદારોનું મન જીતી શકશે. જોકે, ડગડેલે તેમને આંચકો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે મતદારોને સાંભળવાનો ઈનકાર કરનારા નેતા વિજય અપાવી શકે નહિ. જેરેમીએ તેમના સંસદીય સાથીદારોનો વિશ્વાસ પણ ગુમાવ્યો છે. બીજી તરફ, ઓબ્ઝર્વરમાં લખતા સાદિક ખાને જણાવ્યું હતું કે બ્રિટિશ પ્રજાનો વિશ્વાસ અને માન જીતવામાં નિષ્ફળ કોર્બીનમાં વડા પ્રધાન બનવાની ક્ષમતા નથી. આથી જ મેં ઓવેન સ્મિથને મત આપવા નિર્ણય કર્યો છે.
યુગવના એક પોલના તારણો મુજબ પાર્ટીના સભ્યો કોર્બીનના કારણે પક્ષ છોડી રહ્યા છે. મે મહિનામાં લેબર પાર્ટીને મત આપવા ઈચ્છુક પાંચમાંથી એક વ્યક્તિએ પક્ષ છોડી દીધો છે. ૨૯ ટકા સભ્યોએ કોર્બીનના કારણે, ૨૦ ટકાએ પક્ષમાં અરાજકતા, જ્યારે ૧૨ ટકાએ પક્ષમાં વિશ્વાસ રહ્યો ન હોવાથી પક્ષ છોડવાનું કહ્યું હતું.


