કોર્બીને આખરે લેબર પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમ મુદ્દે જ્યુઈશ કોમ્યુનિટીની માફી માગી

Wednesday 04th December 2019 02:20 EST
 
 

લંડનઃ આખરે લેબરનેતા જેરેમી કોર્બીનના મગજમાં અજવાળું થયું છે અને લેબર પાર્ટીમાં પ્રવર્તતા એન્ટિ- સેમેટિઝમ મુદ્દે જ્યુઈશ કોમ્યુનિટીની માફી માગી લીધી છે. ITVના ‘ધીસ મોર્નિંગ’ કાર્યક્રમમાં ઈન્ટરવ્યુ દરમિયાન પ્રેઝન્ટર ફિલિપ સ્કોફિલ્ડ દ્વારા તેમને સીધા જ માફી માગવાનું કહેવાતા કોર્બીને કહ્યું હતું કે ‘દેખીતી રીતે જ આ જે થયું તે બદલ હું દિલગીર છું.’ તેમણે એમ પણ કહ્યું કે તેઓ પક્ષમાં આ મુદ્દો હાથ ધરી રહ્યા છે. અગાઉ તેમણે બીબીસી પ્રેઝન્ટર એન્ડ્રયુ નીલને અપાયેલા ઈન્ટરવ્યૂમાં ચાર વખત માફી માગવાનો ઈનકાર કર્યો હતો.

કોર્બીને અગાઉ પાર્ટી મેમ્બર્સને સંડોવતી યહુદીવિરોધની ઘટનાઓ સંદર્ભે માફી માગી હતી પરંતુ, જનરલ ઈલેક્શનના પ્રચાર દરમિયાન તેમની પર ટીકાઓનો મારો ચલાવાયો હતો કે તેમને દિલગીરી વ્યક્ત કરવાની તક અપાઈ ત્યારે તેમણે માફી માગી નથી. સ્કોફિલ્ડ સાથે વાતચીતમાં તેમણે આ ઘટનાઓ સાથે કેવી રીતે કામ પાર પાડી શકાય તેના માર્ગો સુધારવાના પ્રયાસની વાત કરી હતી. આ સમયે તેઓ માફી માગવા તૈયાર છે કે કેમ તેવો પ્રશ્ન પૂછાયો હતો. જોકે, પહેલાં તો કોર્બીન અચકાયા હતા પરંતુ, બે-ત્રણ વખત તમે સોરી કહેવા તૈયાર છો તેમ પૂછાતા તેમણે દિલગીરી વ્યક્ત કરી લીધી હતી.

અગાઉ, કોર્બીન દ્વારા બીબીસી પર એન્ડ્રયુ નીલને અપાયેલા ઈન્ટરવ્યૂ બાબતે ભારે ઉહાપોહ થયો હતો. પાર્ટીના કાર્યકર્તાઓએ જ ઈન્ટરવ્યૂને ભયાનક ગણાવ્યો હતો. કોર્બીન ૩૦ લાખ દર્શકો સામે જીવંત પ્રસારણમાં પ્રશ્નોનો જવાબ વાળવામાં નિષ્ફળ રહ્યા હતા. ચીફ રેબી એફ્રાઈમ મિરવિસ દ્વારા લેબર પાર્ટીના એન્ટિ-સેમેટિઝમ વલણની આકરી ટીકા કરાયા પછી મુલાકાતમાં કોર્બીને યુકેની જ્યુઈશ કોમ્યુનિટીની માફી માગવા ચાર વખત ઈનકાર કર્યો હતો. ઈન્ટરવ્યૂ દરમિયાન કોર્બીને વિમેન અગેઈન્સ્ટ સ્ટેટ પેન્શન ઈક્વલિટી (WASPI)નું સમર્થન કરવાનું જણાવ્યું હતું. જોકે, મહિલાઓ સાથે અસમાનતા દૂર કરવાનું ભંડોળ ક્યાંથી આવશે તે જણાવી શક્યા ન હતા. જોકે, તેમણે બાબતને નૈતિક ઋણ સમાન ગણાવી હતી.

લેબર પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું છે કે ‘જેરેમી કોર્બીન એન્ટિ-સેમેટિઝમ વિરુદ્ધ આજીવન કેમ્પેઈનર રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આપણી પાર્ટી અને સમાજમાં તેનું કોઈ સ્થાન નથી. બીજી તરફ, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે લેબર પાર્ટી સામે યહુદીવિરોધ મુદ્દે ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા તપાસ થઈ રહી છે ત્યારે તેઓ લોકોને ‘રેસ અને ફેઈથ’ વિશે લોકોને ભાષણ આપે તે ‘આશ્ચર્યજનક’ છે. કેન્ટરબરીના આર્ચવિશપ જસ્ટિન વેલ્બીએ પણ વિવાદમાં જોડાઈને જણાવ્યું હતું કે રેબીનો હસ્તક્ષેપ આપણને ‘ઘણાં બ્રિટિશ જ્યુઝ દ્વારા અનુભવાતી અસલામતી અને ભયની ઊંડી લાગણી વિશે’ ચેતવનારો બનવો જોઈએ.

લેબર કાર્યકરો અને કોર્બીન સમર્થકોએ ચીફ રેબી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર તદ્દન ખરાબ ભાષામાં ટીકા કરતા સંદેશાઓ પણ મૂક્યા હતા. રેબી મિરવિસને ‘ગટરના ઉંદર’ કહેવામાં પણ તેમણે પાછીપાની કરી ન હતી. એવો દાવો કરાયો હતો કે ડિસેમ્બરની ચૂંટણીમાં કોર્બીન નં. ૧૦માં સત્તાસ્થાને આવશે તેવા વિચારથી જ બહુમતી બ્રિટિશ યહુદીઓમાં ચિંતા ફેલાઈ છે. કેટલાકે ચીફ રેબી બોરિસ જ્હોન્સનના ગાઢ મિત્ર હોવાનું જણાવી રાજકીય કારણોસર લેબર પાર્ટી વિરુદ્ધ નિવેદન કર્યાનો પણ આક્ષેપ મૂક્યો છે.

કોર્બીને યહુદીવિરોધના મૂળ મજબૂત બનાવ્યાઃ ચીફ રેબી

ચીફ રેબી એફ્રાઈમ મિરવિસે ધ ટાઈમ્સમાં લેખમાં જણાવ્યું હતું કે લેબર પાર્ટીની નેતાગીરીએ યહુદીવિરોધી રેસિઝમનો મુદ્દો હાથ ધર્યો છે તે તમામ લોકો પ્રત્યે ગૌરવ અને આદરના બ્રિટિશ મૂલ્યો સાથે જરા પણ સુસંગત નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે કોર્બીન લેબર પાર્ટીમાં યહુદીવિરોધ વાદના ‘ઝેરી’ મૂળિયા મજબૂત બનાવી રહ્યા છે. તેમણે જ્યુઈશ લેબર મૂવમેન્ટના દાવાને દર્શાવતા કહ્યું હતું કે યહુદીવિરોધના ૧૩૦ કેસનો પાર્ટી સત્તાવાળા દ્વારા નિકાલ કરાયો નથી. લેબર પાર્ટી હવે વૈવિધ્યતા, સમાનતા અને રંગભેદવિરોધી પાર્ટી હોવાનો દાવો કરી શકે તેમ નથી. તેમણે મતદારોને મતમથકોમાં અંતરાત્માના અવાજને અનુસરવા હાકલ કરી હતી.

યહુદીઓ બ્રિટન છોડી જવાનું વિચારી શકે

ક્રોસબેન્ચ ઉમરાવ બેરોનેસ જુલિયા ન્યુબર્ગરે ચેતવણી આપી છે કે જો જેરેમી કોર્બીન વડા પ્રધાન બનશે તો યહુદીઓ બ્રિટન છોડી જવાનું વિચારી શકે છે. તેમણે કહ્યું હતું કે કોર્બીન લેબરનેતા બન્યા પછી પાર્ટીમાં એન્ટિ-સેમેટિક અવાજ વધ્યો છે. પાર્ટી દ્વારા તેના તરફ ધ્યાન અપાતું નથી અને તેને નજરઅંદાજ કરવામાં આવે છે. જ્યુઈશ કોમ્યુનિટીએ ઉચ્ચ સ્થાનો પર આવી અનિચ્છા નિહાળી છે તેમણે ચેતવણી આપી હતી કે લોકો જેને દમનકારી, અયોગ્ય અને જોખમી હોવાની લાગણીને હળવી બનાવવા સ્થળાંતર કરવા કે અન્યત્ર જવા વિચારી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter