લંડનઃ ચાન્સેલરરિશિ સુનાકે ચેતવણી આપી હતી કે બ્રિટનની કોવિડ -૧૯ આર્થિક કટોકટી હવે શરૂ થઈ છે. તેમણે કોરોના મહામારીનો સામનો કરવા માટે નવા ૫૫ બિલિયન પાઉન્ડના પ્લેજની જાહેરાત કરી હતી. સુનાકે જણાવ્યું કે ચાલુ નાણાંકીય વર્ષમાં મહામારીનો સામનો કરવામાં ૨૮૦ બિલિયન પાઉન્ડ ખર્ચાયા છે અને ૨૦૨૧-૨૨માં બીજા ૫૫ બિલિયન પાઉન્ડ ખર્ચાશે. વધારાના આ ફંડમાં ૧૮ બિલિયન પાઉન્ડ ટેસ્ટીંગ, પીપીઈ ઈક્વિપમેન્ટ અને વેક્સિન માટે, ૩ બિલિયન પાઉન્ડ એનએચએસને તેનું રુટિન કેસલોડ બેકલોગ ઘટાડવા માટે અને રેલવેને સબસિડાઈઝ કરવા માટે ૨ બિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે.
યુકેના સહાય બજેટમાં કાપ મૂકીને અને પબ્લિક સેક્ટર પે ફ્રીઝ દ્વારા ૫૫ બિલિયન પાઉન્ડ પૈકી કેટલીક રકમ પરત મેળવાશે. તેમાં NHSઅને વાર્ષિક ૨૪,૦૦૦ પાઉન્ડથી ઓછી આવક ધરાવનારને બાકાત રાખવામાં આવશે.
કોરોનાના બીજા મોજાના પીકમાં વાઈરસનો દૈનિક મૃત્યુ આંક ૬૯૬ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. સુનાકે જણાવ્યું હતું કે આ વર્ષે વિક્રમજનક ૩૯૪ બિલિયન પાઉન્ડનું બોરોઈંગ કર્યું હોવા છતાં લોકોનું જીવન અને આજિવિકા બચાવવા માટે વધુ ખર્ચ કરવો પડશે.
આગામી વર્ષના મધ્ય સુધીમાં બેરોજગારોની સંખ્યા ૨.૬ મિલિયન સુધી પહોંચશે તે જોતાં સુનાકે લાંબા ગાળાથી જોબલેસને નોકરી શોધવામાં મદદરૂપ થવા માટે ૩ બિલિયન પાઉન્ડ ફાળવ્યા હતા. ખૂબ જરૂરિયાતવાળા વિસ્તારોમાં નવા રસ્તાથી લઈને લાઈબ્રેરીઓ બનાવવા માટેના વિવિધ પ્રોજેક્ટ્સ માટે ૪ બિલિયન પાઉન્ડના લેવલિંગ અપ ફંડની જાહેરાત કરી હતી.
સુનાકે સાંસદોને જણાવ્યું,‘ આપણી હેલ્થ ઈમરજન્સી હજુ પૂરી થઈ નથી. અને આપણી આર્થિક ઈમરજન્સી તો હજુ શરૂ થઈ છે.’ તેમણે ઈન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR)ના અંદાજો જાહેર કરતા કહ્યું કે યુકેના અર્થતંત્રનું કદ ૨૦૨૦માં ૧૧ ટકાથી વધારે ઘટશે. સુનાકે જણાવ્યું કે અર્થતંત્ર માટે તેમના એક વર્ષના ખર્ચ આયોજનમાં ચાર દાયકા માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટમાં સૌથી મોટા વધારાનો સમાવેશ થાય છે અને આવતા વર્ષે હાઉસિંગ, રેલવે, બ્રોડબેન્ડ અપગ્રેડ્સ અને બોરિસ જહોન્સનના ગ્રીન એજન્ડા સાથે કુલ ૧૦૦ બિલિયન પાઉન્ડ થવા જાય છે.
OBRએ જણાવ્યું હતું કે ફર્લો સ્કીમને માર્ચ સુધી લંબાવવાથી ૩૦૦,૦૦૦ જોબ બચી છે. પરંતુ આાગામી બે વર્ષમાં સારો ગ્રોથ થાય તો પણ કોવિડ-૧૯ કટોકટીને લીધે અર્થતંત્રમાં જે ઘટાડો થયો છે તેમાંથી બહાર આવવામાં ૨૦૨૨ના અંત સુધીનો સમય લાગશે.