કોવિડ કેસ વધવા સાથે NHS હોસ્પિટલ્સમાં બેડની તંગી સર્જાઈ

Wednesday 30th December 2020 01:39 EST
 
 

લંડનઃ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં થયેલા ઉછાળાને લીધે ઈંગ્લેન્ડમાં બેડની તંગીવાળી NHS હોસ્પિટલ્સની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલોને દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવા પડે છે અને ઓપરેશનો રદ કરવા પડતા હોવાનું ગાર્ડિયનના વિશ્લેષણમાં જણાયું હતું. ગયા અઠવાડિયે હોસ્પિટલોએ દર્દીને બીજે ખસેડવા માટે ૪૪ વખત એમ્બ્યુલન્સ સ્ટાફને કહેવું પડ્યું હતું જ છેલ્લાં ચાર વર્ષની સૌથી મોટી સંખ્યા છે.  
NHS પ્રોવાઈડર્સના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ હોપસને જણાવ્યું કે ખાસ કરીને લંડન, લેસ્ટર અને નોર્ધમ્પટનની હોસ્પિટલોને અસર થઈ છે. તેમણે ચેતવણી આપી કે અમે હાલ વિન્ટરના સકંજામાં હોઈએ તેવું લાગે છે અને હજુ તો વિન્ટર પૂરો થવામાં ઘણો સમય છે.    
યુકેમાં ૧૭ ડિસેમ્બરે ૩૫,૩૮૩ કેસ પોઝિટિવ નોંધાયા હતા જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કુલ દર્દીઓની સંખ્યા ૧૮,૦૦૦ હતી જેમાં અગાઉના અઠવાડિયા કરતાં ૩,૦૦૦નો વધારો નોંધાયો હતો.  
યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલને અગાઉ ‘ઈન્ટરનલ ઈન્સિડન્ટ’ જાહેર કરવાની ફરજ પડી હતી. તેણે સ્ટાફને જણાવ્યું કે એડમિશન માટે વેઈટિંગમાં રહેલા દર્દીઓ સાથે હવે ઈમરજન્સી અને કોવિડ દર્દીઓ માટે અપૂરતી ક્ષમતા છે.  
નોર્ધમ્પટન જનરલ હોસ્પિટલે પણ કોવિડના ગંભીર દર્દીઓની સંખ્યા વધીને ૧૮૧ થતાં કેટલાંક ઓપરેશન રદ કર્યા હતા. ઈસ્ટ લંડનની વ્હીપ્સ ક્રોસ હોસ્પિટલે કોવિડના દર્દીઓનું એડમિશન વધતાં ક્રિટિકલ ઈન્સિડન્ટની જાહેરાત કરી હતી. લેસ્ટરની ત્રણ હોસ્પિટલોમાં ડિસેમ્બરમાં સ્પ્રિંગ કરતાં વધુ કોવિડ દર્દીઓની સારવાર થાય છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter