કોવિડ કોન્ટ્રાક્ટ્સ મામલે યુકે સરકાર સામે સાંસદોનો કાનૂની જંગ

Thursday 15th October 2020 09:03 EDT
 

લંડનઃ લોકડાઉનની શરૂઆતથી ખાનગી કોન્ટ્રાક્ટ્સ પાછળ ખર્ચાયેલા £૩ બિલિયનનો હિસાબ આપવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનું બહાર આવતાં કોરોના મહામારી સંબંધિત કોન્ટ્રાક્ટ્સ પરના ખર્ચની વિગતો આપવામાં યુકે સરકારની નિષ્ફળતા બદલ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

કાયદાનો અને પોતાની બનાવેલી માર્ગદર્શિકાનો ભંગ કરવા બદલ દરમિયાન ગ્રીન પાર્ટીના સાંસદ કેરોલિન લુકાસ, લેબરના ડેબી અબ્રાહમ્સ અને લીબરલ ડેમોક્રેટ સાંસદ લયલા મોરાન તથા નોન-પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઈઝેશન ગુડ લો પ્રોજેક્ટ દ્વારા જ્યૂડિશિયલ રિવ્યુ દાખલ કરાઈ હતી. તેમણે કોરોના મહામારી દરમિયાન સાધનસામગ્રીની પ્રાપ્તિ બાબતે અંગે ચિંતા વધી ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. મોરાને ઉમેર્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC)એ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ દ્વારા એપ્રિલથી ખાસ કરીને કોરોના વાઈરસ સંબંધિત ઓછામાં ઓછાં £૧૧ બિલિયનના કોન્ટ્રાક્ટ્સ અપાયા છે. જોકે, ડેટા એનાલિસ્ટ Tussell દ્વારા જણાવાયું હતું કે આ પૈકી £૩બિલિયનથી વધુના કોન્ટ્રાક્ટ્સ વિશે માહિતી જાહેર કરાઈ નથી.

DHSCએ જણાવ્યું કે સરકાર દ્વારા અપાયેલા તમામ કોન્ટ્રાક્ટ્સમાં પૂરતી કાળજી લેવાઈ હતી. જ્યૂડિશિયલ રિવ્યુની કાર્યવાહીમાં સરકારે ૨૧ દિવસમાં તેનો જવાબ રજૂ કરવાનો છે.

ગુડ લો પ્રોજેક્ટના ડિરેક્ટર જોલીયોન મૌઘમ QC એ જણાવ્યું કે યોગ્ય લાયકાત ન ધરાવતી કંપનીઓને ખૂબ મોટી રકમના જાહેર નાણાં અપાયા હતા. કેટલીક વખત તો તેની મુખ્ય લાયકાત સરકારમાં રહેલા અગ્રણીઓ સાથેનું રાજકીય જોડાણ હોય તેવું જણાતું હતું. તેમાં એક સરખી પ્રોડક્ટ ખરીદવામાં સરકાર ઘણી વખત વધારે નાણાં ચૂકવતી હોવાના પૂરાવા તેમણે જોયા છે. લુકાસે જણાવ્યું કે સાંસદ તરીકે આ નિર્ણયોની ચકાસણી કરતાં અટકાવવામાં આવે તે સહેજ પણ સ્વીકાર્ય નથી. અબ્રાહમે જણાવ્યું કે કોવિડ કોન્ટ્રાક્ટ્સની વિગતો જાહેર કરવામાં સતત નિષ્ફળ રહેલી સરકાર શું છૂપાવવા માગે છે તેનું આશ્ચર્ય થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter