લંડનઃ નેશનલ હેલ્થ સર્વિસ આ શિયાળામાં ભારે વ્યસ્ત છે કારણકે ફ્લુ, નોરાવાઈરસ, કોવિડ અને RSV કેસીસમાં ગંભીર ઉછાળો આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ હોસ્પિટલોમાં ફ્લુ કેસીસમાં 350 ટકા અને નોરોવાઈરસ કેસીસમાં 89 ટકાનો ઉછાળો જોવાયો છે. આ ઉપરાંત, કોવિડ-19 અને RSV(રેસ્પિરેટરી સિન્કિટીઆલ વાઈરસ)ની કેસીસ પણ હોસ્પિટલ વોર્ડ્સમાં વધી રહ્યા છે. આના પરિણામે, NHS દ્વારા કોવિડ જેવી સંભવિત ત્રિમાસિક મહામારીની ચેતવણી અપાઈ છે. એમ્બ્યુલન્સ સર્વિસ પર પણ ભારે દબાણ સર્જાયું છે.
વર્ષના શિયાળાના આ ગાળામાં ઈન્ફ્લુએન્ઝા વાઈરસ, કોરોનાવાઈરસ, RSV જેવાં રેસ્પિરેટરી વાઈરસથી ભારે શરદી અને ફેફસાના ગંભીર રોગો થાય છે જ્યારે નોરોવાઈરસથી ડાયેરિઆ અને ઉલટીના કેસીસ વધે છે. શિયાળામાં વાઈરલ ઈન્ફેક્શન્સ સામાન્ય રહે છે. ગત સપ્તાહમાં હોસ્પિટલોમાં દરરોજ કોવિડના સરેરાશ 1390 પેશન્ટ અને RSV સાથે 142 બાળદર્દીઓ એડમિટ થયાં હતાં.
NHSના નેશનલ મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર સ્ટીફન પોવિસે કહ્યું હતું કે આ તો ડિસેમ્બરની શરૂઆત છે અને લાંબા શિયાળા દરમિયાન ભારે દબાણ રહેવાની ધારણા છે. ગત સપ્તાહે ઈંગ્લેન્ડમાં દરરોજ સરેરાશ 96,587 એડલ્ટ જનરલ અને એક્યુટ હોસ્પિટલ બેડ્ઝ ભરાયેલી હતી અને આગામી સપ્તાહોમાં તેમાં વધારો થઈ શકે છે તેવી ચેતવણી હેલ્થ સર્વિસે આપી છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)ના આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં ગયા વર્ષે ટ્યુબરક્લોસીસ-ટીબીના પ્રમાણમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
કોવિડ-19 ગાઈડલાઈન્સને અનુસરવા સલાહ
શિયાળામાં સૂર્યતાપ ઓછો મળે છે અને વિટામીન ડીની ઉણપથી લોકોના શરીર થાકેલાં અને નબળાં રહે છે. આ સંજોગોમાં લોકો બંધ જગ્યાઓમાં પાસે પાસે રહેવાથી વાઈરસના ફેલાવાની ઝડપ વધે છે. લોકોએ હાથ ધોવાં, અન્યો સાથે ઓછો સંપર્ક, માસ્ક પહેરવા જેવી કોવિડની ગાઈડલાઈન્સને અનુસરવા તથા જોખમ લાગે તો વેક્સિન લઈ લેવા પણ પ્રોફેસર ટ્રેગોનિન્ગે લોકોને સલાહ આપી છે.


