કોવિડ નિયંત્રણો મુદ્દે ટોરીઝનો બળવોઃ જ્હોન્સનને ફટકો વાગ્યો

Wednesday 22nd December 2021 05:10 EST
 

લંડનઃ કોરોના વાઈરસનો નવો ઓમિક્રોન વેરિએન્ટ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પણ ભારે પડી રહ્યો છે. ઓમિક્રોનના ફેલાવાને અટકાવવા લાગુ કરાયેલા કેટલાક નિયંત્રણો સામે બળવાખોર ટોરી સાંસદોએ વિરોધ કરી પાર્લામેન્ટ મતદાનમાં વડા પ્રધાન જ્હોન્સનને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા હતા. ૧૨૬ સાંસદોએ કોવિડ પાસની વિરુદ્ધ અને ૩૬૯ સાંસદોએ તરફેણમાં મતદાન કર્યું હતું.

વડા પ્રધાને નાઈટ ક્લબ્સ સહિત કાર્યક્રમના સ્થળોએ પ્રવેશ માટે વેક્સિનેશન સર્ટિફિકેટ (કોવિડ પાસ), લોકોને ઘેર રહી કામ કરવાના આદેશ અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા સહિતના નિયંત્રણો લાદતું બિલ કોમન્સમાં રજૂ કર્યું હતું. કેટલાક સા્ંસદોએ નિયંત્રણોને કઠોર ગણાવ્યા હતા જ્યારે કેટલાકે કોવિડ પાસ દાખલ કરવા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. બળવાખોર ટોરી સાંસદોને મનાવવાના વડા પ્રધાનના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

જ્હોન્સને જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિએન્ટનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા લોકોના રક્ષણાર્થે આવાં પગલાં જરૂરી છે. હેલ્થ મિનિસ્ટરે સાંસદોને જણાવ્યું હતું કે તેનો વ્યક્તિગત આઝાદીમાં માનતા હોવાં છતાં ઈંગ્લેન્ડને પ્લાન બી હેઠળ લાવવાનો નિર્ણય જવાબદારી પૂર્ણ છે. જોકે, તેમની દલીલો બહેરા કાનો પર અથડાઈ હતી.જોકે, આ નિયંત્રણોનું બિલ વિપક્ષ લેબર પાર્ટીના સહકારથી પસાર થઈ શક્યું હતું.

જ્હોન્સન સામે અસંતોષનો ભારેલો અગ્નિ હોવાં છતાં, કન્ઝર્વેટિવ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે હજુ વડા પ્રધાનને હોદ્દા પરથી હટાવવાની કોઈ મજબૂત ભૂમિકા નથી. તેમના વિરુદ્ધ કોઈ મજબૂત હરીફ નથી. બળવાખોરો માને છે કે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં જ્હોન્સન પાર્ટીને બહુમતી તરફ દોરી ગયા હતા પરંતુ, ખોટાં પગલાં અને ભૂલોના કારણે પક્ષની સફળતાને અસર થઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter