કોવિડ નિયમો સપ્ટેમ્બર સુધી લંબાવાયા

Tuesday 30th March 2021 15:09 EDT
 

લંડનઃ બોરિસ જ્હોન્સન અને સરકારે કોરોના વાઈરસ નિયમો સપ્ટેમ્બર મહિના સુધી લંબાવીને નોંધપાત્ર વિજય હાંસલ કર્યો છે. ગત સપ્તાહે કોરોના મૃત્યુઆંકમાં ૩૩ ટકાનો ઘટાડો તેમજ હોસ્પિટલમાં કેસીસ ઓછાં થયા છે તેમજ રોડમેપ અનુસાર લોકડાઉન ૨૧ જૂને સમાપ્ત થવાનું છે ત્યારે જ્હોન્સને ટોરી સાંસદોની બળવાખોરીનો સામનો કરવા સાથે ૪૮૪ વિરુદ્ધ ૭૬ મતથી કઠોર નિયંત્રણો ચાલુ રાખવામાં સફળતા મેળવી છે. ટોરી પાર્ટીના ૩૫ સાંસદે વિરુદ્ધમાં મતદાન કર્યું હતું અને ૨૦ સાંસદ ગેરહાજર રહ્યા હતા.

કોરોના વાઈરસ નિયમો સપ્ટેમ્બર મહિના સુધી અમલમાં રહેશે. કોમન્સમાં મતદાન સમયે ૪૮૪ વિરુદ્ધ ૭૬ એટલે કે ૪૦૮ મતની બહુમતી સાથે ઠરાવ પસાર કરાયો હતો. જોકે, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે એમ પણ કહ્યું હતું કે નિયમો ૬ મહિનાથી પણ આગળ લંબાવાય તેને નકારી શકાય નહિ. તેમણે કહ્યું હતું કે આ કાયદો એક વર્ષમાં અથવા વિશેષતઃ ૬ મહિનામાં રદ કરવો જોઈએ પરંતુ, NHSમાં શક્ય તેટલી વધુ નર્સીસ કામે લગાવવા સહિતની કામગીરી સુપેરે થાય તે પણ આવશ્યક છે. આગાહી કરવી તે ઉતાવળ ગણાશે.

કન્ઝર્વેટિવ પાર્ટીની બેકબેન્ચર્સ ૧૯૨૨ કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડી, સર ઈયાન ડંકન સ્મિથ સહિત ૩૫ બેકબેન્ચર્સે અને ૨૧ લેબર સાંસદોએ કોરોના વાઈરસ એક્ટને રીન્યુ કરવા વિરુદ્ધ મતદાન કર્યું હતું જ્યારે ૨૦ ટોરી સાંસદ ગેરહાજર રહ્યા હતા. વિરોધી સાંસદોએ કાયદાને લંબાવવાને અનાવશ્યક અને અપ્રમાણસર ગણાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter