કોવિડ પડકારો - તકોને ઓળખવા હેવુડ ફાઉન્ડેશન આયોજિત સ્પર્ધા

Tuesday 19th January 2021 14:52 EST
 

લંડનઃ કોરોના વાઈરસને લીધે ઉભા થયેલા પ઼ડકારોને ઓળખીવા અને તેનો સામનો કરવા માટે શ્રેષ્ઠ આઈડિયા આપનારને ૨૫,૦૦૦ પાઉન્ડનું ઈનામ આપવાની જાહેરાત કેબિનેટ સેક્રેટરી સ્વ.જેરેમી હેવુડની સ્મૃતિમાં રચાયેલા ફાઉન્ડેશન દ્વારા કરાઈ હતી. ગયા સપ્તાહે હેવુડ ફાઉન્ડેશન પબ્લિક પોલિસી પ્રાઈઝ શરુ કરાયું છે.
યુકેના ટોચના પૂર્વ સિવિલ સર્વન્ટ હેવુડને હોદ્દા પરથી ઉતર્યા પછી લોર્ડ હેવુડ ઓફ વ્હાઈટહોલનું બિરુદ અપાયું હતું. આ ચેરિટી લોકો પાસેથી તદ્દન નવા વિચારો મંગાવતી હોવાનું ફાઉન્ડેશન દ્વારા જણાવાયું હતું. સિવિલ સર્વિસ અને જાહેર ક્ષેત્રમાં લોર્ડ હેવુડની સ્મૃતિમાં વૈવિધ્ય અને નાવીન્યને પ્રોત્સાહન આપવા માટે આ ચેરિટીની સ્થાપના નવેમ્બર ૨૦૧૮માં થઈ હતી.
બે પ્રશ્રના પ્રતિભાવ માટે આ ઈનામ અપાશે. કોવિડ – ૧૯ મહામારી અને તેના પરિણામોને લીધે કયો મુખ્ય પડકાર અથવા તક ઉભી થઈ છે? આ પ્રશ્રના શ્રેષ્ઠ જવાબ માટે ૫,૦૦૦ પાઉન્ડનું ઈનામ રખાયું છે.
સ્પર્ધામાં ભાગ લેનારે ૩૦૦ શબ્દોમાં તેનો જવાબ આપવાનો રહેશે. સૌથી ઈનોવેટિવ, આશ્ચર્યજનક અથવા હાલની મહામારીનને લીધે ઉભી થયેલી તક અથવા પડકારની મર્મભેદી છણાવટ બદલ ૫,૦૦૦ પાઉન્ડનું ઈનામ અપાશે. દસ રનર્સ અપને ૫૦૦ - ૫૦૦ પાઉન્ડ અપાશે.
આ સ્પર્ધાનો બીજો પ્રશ્ર છે કે સમસ્યાના સંજોગોમાં આપણે તેને કેવી રીતે અટકાવી શકીશું? તક હોય તો તેનો લાભ આપણે કેવી રીતે ઉઠાવી શકીશું? આ પ્રશ્રના સૌથી અસરકારક અને શ્રેષ્ઠ જવાબ માટે ૨૫,૦૦૦ પાઉન્ડ જ્યારે બીજા ક્રમને ૧૦,૦૦૦ પાઉન્ડ અને ત્રીજા ક્રમને ૫,૦૦૦ પાઉન્ડ જ્યારે ૧૫ રનર્સ અપને દરેકને ૧,૦૦૦ પાઉન્ડ ઈનામ તરીકે અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter